Get The App

લગ્ન વિમુખ કન્યાઓ .

Updated: Feb 21st, 2019

GS TEAM

Google News
Google News
લગ્ન વિમુખ કન્યાઓ                                   . 1 - image



દેશભરમાં યુવતીઓનો એક વર્ગ એવો છે કે જે લગ્ન કરવા માટે સંમતિદાયક વલણ ધરાવતો નથી. દામ્પત્ય જીવનના સપનાઓ યૌવનવયે સહજ હોય છે, પરંતુ જીવનસાથી સાથે અલ્પ સુખ અને અધિક દુઃખ ભોગવવાનું આવે તો ? તાજેતરમાં બેંગ્લોરની એક મહિલા સંસ્થાએ કરેલા સર્વેક્ષણમાં કેટલીક ચોંકાવનારી હકીકતો બહાર આવી છે.

કેટલીક કન્યાઓ સ્પષ્ટ કહે છે કે મારા ભાઈને કેમ ઘરમાંથી વિદાય આપવામાં આવતી નથી તે મને જ વાજતે ગાજતે વિદાય આપવાની ? ભાઈની પત્ની અહીં રહેવાની છે તો હુંય મારા પતિ સાથે અહીં જ રહું તો ? માતાપિતાનું છત્ર હું શા માટે છોડું ? આ પ્રશ્નો નવી પેઢી જેટલી સરળતાથી પૂછી લે છે એટલા સરળ એના જવાબો નથી.

સમાજમાં દામ્પત્ય કલહના દ્રષ્ટાન્તો પાંચ-દસ ટકાથી વધારે નથી હોતા, છતાં એ સમાજની સપાટી પર આવતા હોવાથી નવી પેઢી પર ઘેરો પ્રભાવ પાડે છે અને તેઓ ધારી લે છે કે અમારા લગ્ન પછી પણ આવા કોઈ અણબનાવ થાય તો ?

કેટલીક કન્યાઓએ એમ કહ્યું કે લગ્ન ન કરવાની ઈચ્છા તો પચાસ ટકાથી વધુ યુવતીઓને હોય છે, પરંતુ માતાપિતાને રાજી રાખવા તેઓ છેવટે લગ્ન કરવા અને પિતાના ઘરેથી વિદાય લેવા સંમત થાય છે. સમાજમાં એવા પણ કિસ્સાઓ છે કે જેમાં વેવિશાળ વખતે મુરતિયાનું એક ચોક્કસ સ્ટેટરી કન્યાપક્ષને બતાવવામાં આવે અને વાસ્તવિક્તા સાવ જુદી જ હોય.

આપણે ત્યાં મુંબઇ અને સુરત અંગે અનેક પરિવારોના દુઃખદ અનુભવો છે. હવે બેરોજગારીનું ચિત્ર ભીષણ થતું જાય છે. ખુદ કેન્દ્રની એનડીએ સરકાર બેરોજગારીના સાચા આંકડાઓ જાહેર કરતા ગભરાય છે. જો કે આ સરકાર દરેક પ્રકારના સત્યથી ગભરાય છે. પરંતુ બેરોજગારીના આંકડાઓ પર પરદો ઢાંકવો પડે એ જ બતાવે છે કે પરિસ્થિતિ ગંભીર છે.

આવા સંયોગોમાં નોટબંધીવેળાના અનેક દંપતીઓના અનુભવ છે કે લગ્ન થયા એના ચાર-પાંચ માસ કે એકાદ વરસ પછી નોટબંધી આવી અને નવયુવાન પરણિત ગૃહસ્થે નોકરી ગુમાવવાનો વારો આવ્યો ! આપણા સમાજમાં ઠેર ઠેર આવા કિસ્સાઓ જોવા મળે છે. એક અણધાર્યા સંકટ અને સંઘર્ષમાં તેઓની જિંદગીએ વળાંક લીધો. એ દંપતીએ કઇ રીતે નવી નોકરી કે વ્યવસાયમાં અનુકૂલન હાંસલ કર્યું હશે ? દેશભરમાં નોટબંધીના વિસ્થાપિતોની સંખ્યા લાખોની નહિ, કરોડોની છે.

ભણેલી-ગણેલી, બુદ્ધિમાન, વિવેકી અને જોબફિટનેસ ધરાવતી યુવતીઓ હવે પરાવલંબિત જીવન પસાર કરવા ચાહતી નથી. એટલે જ દેશના યુવક-યુવતીઓની લગ્ન કરવાની પસંદગીની ઉંમર હવે સત્યાવીશને પાર થવા લાગી છે. પૂર્ણ પુખ્તતા અને આર્થિક સ્થિરતા આવતા જેટલી વાર લાગે, એટલી વાર લગ્ન માટે પણ ભલે લાગે,એ હવે ફરજિયાત પણે અમલી બનેલો સર્વસ્વીકૃત નિયમ છે.

નોટબંધીએ યુવાપેઢીને સૌથી મોટો જે આઘાત આપ્યો તે એ છે કે ખાનગી કંપનીઓની નોકરી પરથી તેઓને વિશ્વાસ ઉઠી ગયો. તેઓને એટલે કન્યાના પિતૃપક્ષને ! છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં કન્યા કેળવણી એટલા ઉચ્ચસ્તરે છે કે તેજસ્વી અને પ્રતિભાવાન દીકરીઓ માટે તેમની સાથે વ્યક્તિત્વની સમતુલા સાધે તેવો મુરતિયો શોધવો એ આસાન કામ નથી.

કારણ કે, વિદ્યાર્થીનીઓની તુલનામાં ગુજરાતના વિદ્યાર્થીઓ સરેરાશ પાછા પડતા જોવા મળે છે. કોઈપણ જ્ઞાાતિ કે સમાજમાં હવે આજે એવા નમૂનાઓની સંખ્યા હજારોની છે, જેઓ છેલ્લા પાંચ વરસથી પોતાના જીવનસાથીની કોલંબસ કક્ષાની શોધયાત્રા ચલાવી રહ્યા છે, છતાં તેમને ક્યાંય પોતાના ભવિષ્યની જમીન દેખાતી નથી.

પુરુષ પ્રધાન સમાજ સામે નવી પેઢીની યુવાન દીકરીઓ સહેજ ખિન્ન છે અને એને કારણે પણ તેઓ કોઈ પરતંત્ર થવાની વ્યવસ્થામાં સપડાવા ચાહતી નથી એવા વિધાનો સર્વેક્ષણમાં કરવામાં આવ્યા છે જે સમાજ માટે ચેતવણીરૂપ છે.

લગ્ન કરવાની વિચારધારાથી વિમુખ થઇ ગયેલી યુવતીઓની ટકાવારી હજુ તો નહિવત્ જેવી જ કહેવાય, પરંતુ એ એક નવો ટ્રેન્ડ છે અને ક્યારેક ટ્રેન્ડને મુખ્યધારા બનતા વાર લાગતી નથી.

વાલીઓ માટે આ સર્વેક્ષણનો બોધપાઠ એટલો જ છે કે પોતાની પુત્રીઓને લગ્ન વિશે માર્ગદર્શન આપી ભાવિ દામ્પત્યમાં એનો વિશ્વાસ દ્રઢ કરવા જે કહેવું હોય તે ભલે કહે, કારણ કે આપડા ગુજરાતમાં તો દરેક પરિવારમાં એક એક મોટિવેશનલ ગુરુ બનીને કોઇક તો હિંચકે બેઠું જ હોય છે, પરંતુ એની ઇચ્છા અને સંમતિ વિના એના હાથે મહેંદી મૂકી શકાય નહિ !

Tags :