Get The App

તકલાદી સરકારી યોજનાઓ

Updated: Apr 21st, 2019

GS TEAM

Google News
Google News
તકલાદી સરકારી યોજનાઓ 1 - image



આપણો દેશ એટલો વિરાટ છે અને સરકારી યોજનાઓનું એવું જંગલ રચાયેલું છે કે તુમારશાહીના પ્રોત્સાહનોથી આ યોજનાઓ અને લાભાર્થીઓ વચ્ચે પણ વચેટિયાઓ ચોતરફ ઉધઈની જેમ ફેલાઈ ગયેલા છે. આ સાફસૂફી ક્યારે થશે એ નક્કી નથી. નરેન્દ્ર મોદીએ વડાપ્રધાનપદે સત્તારોહણ કર્યું પછી શરૂઆતના એક સપ્તાહ માટે તેમણે પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફિસને માથે લીધી હતી. ત્યારે દેશને એમ લાગ્યું હતું કે, પ્રગતિ માટેની પડતર ફાઇલો પરની ધૂળ ખંખેરનારા કોઈ રાજનેતાનો અભ્યુદય થયો છે. 

પરંતુ પછીથી કેન્દ્રના તમામ મંત્રાલયોમાં એની એ જ હોતા હૈ, ચલતા હૈ જેવી ઘરેડ સજીવન થઈ ગઈ જે આજે પણ એમની એમ જ છે. સરકારી યોજનાઓનો લાભ લાભાર્થી સુધી જો પહોંચતો હોય તો ચૂંટણી વખતે એ લાભાર્થીઓ પર નેતાઓને કેમ વિશ્વાસ નથી ? છેલ્લી ગણતરી પ્રમાણે વિવિધ નવસો પચાસ કેન્દ્રીય યોજનાઓ બજેટના ખોળામાં રમતી હતી. આ યોજનાઓમાં રાષ્ટ્રીય વિકાસ દરના પાંચ ટકા કહેવાય એટલી એટલે કે રૂપિયા સાત લાખ કરોડની રકમ ફાળવવામાં આવે છે.

આ ફાળવણીમાં અગિયાર મોટી યોજનાઓ (મનરેગા, અનાજ સબસિડી, ગ્રામ સડક વગેરે) સૌથી વધુ નાણાં ફાળવણી હાંસલ કરે છે. કેન્દ્ર સરકારની આ બધી જે નવસો પચાસ યોજનાઓ છે તેમાંથી કેટલીક તો પંદર વરસ જૂની છે અને ઉપરાંતની કેટલીક તો પચીસ વરસ પ્રાચીન છે. આ બધી યોજનાઓમાં જો રાજ્યોની પોતપોતાની યોજનાઓને જોડી દેવામાં આવે તો કુલનું અંકશાસ્ત્ર ક્યાંયનું ક્યાંય પહોંચે.

દેશમાં આ બહુ જૂનો રાજરોગ છે કે યોજનાઓનો ફાયદો જરૂરતમંદ નાગરિકો સુધી પહોંચતો નથી. સરકારનો પોતાનો હિસાબ જ બતાવે છે કે છ પ્રમુખ યોજનાઓ, (આવાસ યોજના, સર્વ શિક્ષા, મધ્યાહન ભોજન, ગ્રામ સડક, મનરેગા, સ્વચ્છ ભારત)નો સૌથી ઓછો લાભ દેશના એ જિલ્લાઓને મળ્યો, જ્યાં સૌથી વધુ ગરીબો વસે છે અને જ્યાં ગરીબો સાવ ઓછા હતા ત્યાં સરકારે સૌથી વધુ સંશાધનો પહોંચાડયા.

જેમને બે ટંકની દાણાપાણીની ચિંતા છે અને જેઓ જાણતા જ નથી કે આવતીકાલે ભોજન મળશે કે નહિ એવા દેશના કુલ ગરીબોમાંથી ૪૦ ટકા લોકો સુધી સસ્તા અનાજની રેશનિંગ પ્રણાલિકાનો લાભ હજુ સુધી પહોંચ્યો નથી અને એવા જ અન્ય ગરીબોમાંથી ૬૫ ટકા લોકો સુધી મનરેગા યોજનાનો લાભ આજ સુધી પહોંચી શક્યો નથી.

એનડીએ સરકારની કેટલીક એ યોજનાઓ જેના પર ભાજપના નેતાઓ ઉછળી ઉછળીને વાતો કરે છે એ ઉજ્જવલા અને સૌભાગ્ય જેવી યોજનાઓની પણ આ જ હાલત છે. નરેન્દ્ર મોદીની કિસાન સહાયતા અને રાહુલ ગાંધીની લઘુત્તમ આવક ગેરેન્ટી યોજના તેઓએ જાહેર કરવી પડી એની પાછળનું મુખ્ય કારણ જ એ છે કે દેશના સંકટગ્રસ્ત કિસાનો અને ગરીબોના બહુ મોટા સમુદાય સુધી સરકારી યોજનાઓના લાભો પહોંચતા નથી.

વિક્રમજનક અને અ-પૂર્વ ટેકાના ભાવોના એલાન પછી પણ એનડીએ સરકારે નાના સીમાંત ખેડૂતોના પરિવારને રોકડ સહાયરૂપે વરસે છ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરવી પડી. કારણ કે ટેકાના ભાવનો અમલ કરવા જતાં એવી વિસંગતતા સર્જાય છે કે સરકારી ભાવમાંથી લક્ષ્મીતત્ત્વ ક્યાંક અન્યત્ર ગતિ કરી જાય છે. વરસમાં દસ વખત એવો ઉહાપોહ આપણા ખેત ઉત્પન્ન બજારોમાં થાય છે કે, જ્યારે ટેકાના ભાવ કરતા બજારભાવ ઊંચા હોય છે.

 હાલની સબસિડીઓ અને નવી યોજનાની આંટીઘૂંટી તો વળી એક ઔર પ્રકરણ છે. આપણા નેતાઓ જ્યારે પણ બકબક ચાલુ કરે છે ત્યારે તેઓ મંચ પર માઇક હાથમાં લેતા પહેલા પોતાની બુદ્ધિ કમાન્ડોને સોંપી દે છે. ઇ.સ. ૨૦૧૪નો અનુભવ છે જ કે નેતાઓ જ્યારે વચનોના ડેમના દરવાજા ખુલે એમ વહેતા કરે છે ત્યારે અને પછી એમના એ ઉચ્ચારોને બુદ્ધિ, તર્ક કે વાસ્તવ સાથે કોઈ સંબંધ હોતો નથી વળી એમ માનવાને કોઈ કારણ નથી કે નેતાઓના આવા હવા- હવાઈ ભાષણોનો કોઈ અર્થ નથી, અર્થ છે, કારણ કે શ્રોતા મતદારોમાંથી પણ અનેક લોકો ઇ.સ. ૨૦૧૪માં તો બુદ્ધિ બારણે મૂકીને સાંભળતા હતા. આ વખતની વાત જો કે જુદી છે.

લોકોના હાથમાં સરકાર સીધા નાણાં મોકલે કે એમના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરે (ડીબીટી) એ પ્રણાલિકા દેશમાં સ્થાપિત થઈ ચૂકી છે અને એ પણ હકીકત છે કે લોકોના હાથમાં પૈસા આવે એટલે દેશના અર્થતંત્રમાં માંગ અન પુરવઠાના ચક્રમાં ડિમાન્ડ વધવા લાગે છે પરંતુ જૂની ગુજરાતી કહેવત છે કે આપ્યું- તાપ્યું ક્યાં સુધી ટકે ? કાતિલ શિયાળામાં તાપણાથી જેવા દૂર જાઓ કે એની એ જ ઠંડી ઘેરી વળે!

જ્યાં સુધી ગરીબો અને હવે ગુપ્ત ગરીબાઈનો ભોગ બનવા લાગેલા મધ્યમવર્ગને પણ સરકાર એમના પોતાના પગ પર બેઠાં થતા ન શીખવે કે એ માટેની વિપુલ તકો ઉપલબ્ધ ન કરી આપે ત્યાં સુધી એ પરિવારોનો ઉદ્ધાર નથી. દેશની ભીતરના અને દેશની માટીની મહેંકમાં જ જન્મેલા અને ઉછરેલા લોકોને નિરાશ્રિત જેવી જિંદગીમાંથી સરકારે ઉગારી લેવા જોઈએ. જો કે એ તો કોઈ બુદ્ધિમાન રાજનેતાનું કામ છે અને એ માટે ભારતીય પ્રજાએ કેટલા દાયકાઓની પ્રતિક્ષા કરવી પડશે એ તો રામ જાણે !

Tags :