મંદી હવે ગ્રામાભિમુખ
મંદીના જુદા જુદા આવર્તનો અને પ્રવર્તનોમાં હવે ભારતીય રૂરલ માર્કેટનો સમાવેશ થઈ ગયો છે. સપ્ટેમ્બરના અંતમાં તૈયાર થયેલા ઈસુના ચાલુ વર્ષના ત્રીજા ત્રિમાસિક સર્વેક્ષણો બતાવે છે કે ભારતીય ગ્રામીણ બજારોમાં ઉત્પાદનો અને માલની ખપત છેલ્લા સાત વરસના તળિયે પહોંચી છે. એટલે કે ભારતીય ગ્રામ વિકાસના અને કૃષિ કલ્યાણના જે ઢોલ સરકાર સતત વગાડે છે એનાથી વિપરીત વાસ્તવિક ચિત્ર હવે સપાટી પર આવ્યું છે.
છેલ્લા ત્રણ વરસથી દેશના કૃષિ ક્ષેત્રમાં સરકારે જાહેર કરેલા ટેકાના ભાવો અનેક ઉપજમાં બજારભાવ કરતા નીચા રહ્યા છે. એટલે કે સરકારે ટેકાના ભાવે ખેડૂતોના ઉત્પાદનોની લેવાલી કરવી જ ન પડે એવી ચાલાકી પણ પ્રયોજી છે. મહારાષ્ટ્રના વિદર્ભના ખેડૂતોએ ગયા વરસે આ અંગે મોટું આંદોલન ઉપાડયું હતું પરંતુ એનું કોઈ વિશેષ પરિણામ આવ્યું ન હતું. આપણા દેશના તમામ કૃષિ આંદોલનોનું ભવિષ્ય એ જ હોય છે કે એના પરિણામમાં કોઈ ફલશ્રુતિ કૃષિ ક્ષેત્રને પ્રાપ્ત થતી નથી. વિદર્ભના ખેડૂતોને પણ માત્ર આશ્વાસન જ મળ્યું હતું.
તો પણ મહારાષ્ટ્રના ખેડૂતો દેશના અન્ય કિસાનોની તુલનામાં ઘણાં એડવાન્સ છે. એનું એક કારણ એ છે કે પોતાની રાજકીય કારકિર્દીમાં ભલે બહુ સફળ ન નીવડયા અને મિડલ તથા અપર મિડલ લેવલ સુધી ચમકતા રહેલા શરદ પવારે પોતાના રાજ્યના ખેડૂતોનું ખરા દિલથી હિત કરેલું છે. એ વાત જુદી છે કે આજે મરાઠી ખેડૂતો શરદ પવારથી પણ વિમુખ થઈ ગયા છે. પરંતુ પવારે તેના સુવર્ણયુગ દરમિયાન કપાસના પડતર ભાવો નક્કી કરતી વખતે ઘરના તમામ સભ્યોની મજુરી, જમીનનું ભાડું, ખાતર, બિયારણ, પોતાની હોય તો પણ પિયત અને ખાધા ખોરાકીનો એમાં ઉમેરો કરેલો છે.
એને કારણે મહારાષ્ટ્ર રાજ્ય સરકાર ટેકાનો ભાવ જાહેર કરે એ પહેલા કૃષિ નીપજની જે પડતર નક્કી કરે તે જ ઊંચી આવે છે અને એના ઉપર ટેકાનો ભાવ આવે છે એટલે મરાઠી ખેડૂતો છેલ્લા એક દાયકામાં ઘણાં ઊંચા આવી ગયા છે. આપણે ત્યાં ગુજરાતમાં ટેકાના ભાવ નક્કી કરવા માટેની કોઈ વૈજ્ઞાાનિક પદ્ધતિ હજુ સુધી અખત્યાર કરવામાં આવી નથી. એને કારણે દર વરસે કપાસ સહિતની ખેતપેદાશોની પડતરને સરકાર ઘણી નીચી લઈ જાય છે.
ભારતીય ગ્રામ સમાજમાં રૂપિયો ફરતો અટકી ગયો છે તેનું મહત્ત્વનું કારણ એ જ છે કે ખેડૂતો દેવામાફીની પ્રતીક્ષામાં ન તો જૂના દેવા ક્લિયર કરી શક્યા છે અને એને કારણે મધ્યસ્થ અને અન્ય સહકારી બેંકો એને નવી બાકી ઉપાડવા દેતા નથી. ખેડૂતોને વખતોવખત નાણાંકીય સહાય કરવા માટેની સહકારી ધિરાણ મંડળીઓ સક્રિય રહી છે. પરંતુ એટલો ઉપાડ તો ઋતુ પ્રમાણેના પાક લેવામાં જ વપરાઈ જાય છે. એટલે કે દરેક ફસલ લેવામાં રોકાણ થઈ જાય છે, જેથી એ રૂપિયો બજારમાં ફરતો દેખાતો નથી. બીજું કારણ એ છે કે મંદીના સમયમાં ભારતીય ગ્રામ સમાજે તેની જરૂરિયાતો બહુ જ મર્યાદિત કરી છે.
એક તો ગામડાઓ જ ખાલી થઈ રહ્યા છે એટલે સ્વાભાવિક છે કે ગ્રામસમાજનું આર્થિક ચિત્ર અને ગ્રામીણ અર્થતંત્ર નવા પતનને પ્રાપ્ત કરી ચૂક્યું છે. રાજ્ય કે કેન્દ્ર સરકાર પાસે ભારતીય ગ્રામીણ અર્થતંત્ર માટેની એકપણ એવી યોજના નથી જે વિવિધ ઉત્પાદકીય પ્રવૃત્તિઓ દ્વારા પાયાના ધબકારને પુનઃ ચેતનવંતો કરી શકે. દેશના નાણાંમંત્રી સહિત કોઈપણ રાજ્યના નાણાંમંત્રીને ગ્રામીણ અર્થતંત્રમાં બિલકુલ રસ ન હોય એવી જ તેમની પ્રવૃત્તિઓ જોવા મળે છે.
દેશમાં ગાંધીજીની સાર્ધશતાબ્દી ઉજવાઈ રહી છે. જે ગાંધીજીએ પોતાના આયુષ્યકાળ પર્યંત સતત ગામડાઓને બેઠા કરવા માટે જ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી એ ગામડાઓ પર આર્થિક સંદર્ભમાં નજર નાખવા પુરતો સમય પણ નાણાંમંત્રીઓ પાસે નથી. મોદી સરકાર તેની બીજી ઈનિંગમાં મનરેગાના ચુકવણીના ધોરણો કંઈક ઉંચા કરશે અને રોજગારીના દિવસો પણ વધારશે એવી ગણતરી હતી પરંતુ હજુ સુધી એનો અમલ થયો નથી.
એટલે કે ગ્રામ વિસ્તારમાં ખેતમજૂરો માટે જે બેકારીનું ચિત્ર છે એમાં આજની મોંઘવારીમાં મનરેગા કોઈ પ્રાણસંચાર કરી શકે તેમ નથી. દેશમાં આ વખતે ચોમાસુ સારૂ છે અને એનો સરકારને એક મહત્ત્વનો ટેકો છે પરંતુ સારા વરસાદને સારા પાક સાથે સીધો સંબંધ નથી. એને કારણે દેખીતુ સારૂ ચોમાસુ કૃષિ પેદાશો માટે ફળશ્રુતિ રૂપે ખરેખર કેટલું સારૂ નિવડે છે એ તો ખરીફ પાકની ફસલ ખેતરથી ખળામાં અને ખળામાંથી યાર્ડમાં આવે ત્યારે ખબર પડે.
મહારાષ્ટ્રમાં ખેડૂતો દ્વારા માર્કેટ યાર્ડ વિરૂદ્ધ અગાઉ શરૂ થયેલું આંદોલન હવે નવા સ્વરૂપે ફરી ભડક્યું છે. આ ખેડૂતોનું કહેવું છે કે દેશનો કોઈપણ ઉત્પાદક પોતાનો માલ ઓપન માર્કેટમાં ગમે ત્યાં વેંચી શકે છે એવા સંજોગોમાં ખેડૂતોએ પોતાનો માલ માત્ર સંબંધિત ખેત ઉત્પાદન બજાર સમિતિમાં જ શા માટે વેચવો? ખેડૂતો પોતાનો માલ યાર્ડમાં મોકલ્યા વિના સીધો જ બજારમાં વેંચે તેની સામે સરકારે કાનૂની પ્રતિબંધો મૂક્યા છે અને સજાની જોગવાઈઓ પણ છે.
હવે ખેડૂતો યાર્ડના તોલાટ અને વેપારીઓની રીંગમાંથી બહાર નીકળવા ચાહે છે અને પોતાનો માલ યાર્ડ સિવાયની ખુલ્લી બજારમાં લઈ જવાની ઈચ્છા રાખે છે. ભારત સરકારે આ અંગે ગયા વર્ષે બે-ત્રણ વાર હૈયાધારણા આપી હતી પરંતુ હજુ સુધી એ અંગે કોઈ આખરી નિર્ણય લેવાયો નથી. શક્ય છે કે વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રની યુતિ સરકાર કદાચ ખેત ઉત્પન્ન બજાર સમિતિના અધિનિયમમાં કોઈક મહત્ત્વનો ફેરફાર કરે.