Get The App

મામાનું રાજપાટ રહેશે ?

Updated: Nov 20th, 2018

GS TEAM

Google News
Google News
મામાનું રાજપાટ રહેશે ? 1 - image

એક જમાનો હતો કે જ્યારે મધ્યપ્રદેશની પ્રજા શિવરાજસિંહ ચૌહાણને પોતાના રાજનેતા તરીકે એટલી ચાહતી હતી કે તેમનું દરેક વિધાન બ્રહ્મવાક્ય માનવામાં આવતું હતું.

પ્રજા જ પોતાના નેતા તરીકે એમને લાડકોડમાં રાખતી હતી અને મામા કહીને બોલાવતી હતી. આજે પણ મુખ્યમંત્રી ચૌહાણને મધ્યપ્રદેશમાં મામા તરીકે જ ઓળખવામાં આવે છે.

પરંતુ વાસ્તવિકતા એ છે કે આ મામાએ પ્રજાને મામા બનાવવામાં કંઇ બાકી રાખ્યું નથી. તેમની મુખ્યમંત્રી તરીકેની દોઢ દાયકાની લાંબી સફરમાં તેમણે એક પછી એક કૌભાંડોની લાંબી વણઝાર આપી છે. તેમના અનેક પ્રધાનોએ એકથી એક ચડિયાતી હીનતાઓના પ્રદર્શનો કરેલા છે અને એવા પ્રધાનોને મામાએ હંમેશા પોતાની નજીક રાખીને નિભાવ્યા છે.

હવે આ મામાએ ચૂંટણી જીતવા માટે વિવિધ પ્રકારે મધ્યપ્રદેશની પ્રજાને ફરી છેતરવા માટેની તમામ કીમિયાગીરી અજમાવી છે. તેમના શાસનનો ૧૪-૧૫ વરસનો ઈતિહાસ લાંછનયુક્ત હોવા છતાં આજકાલ તેઓ જે વ્યર્થ અભિમાનનું પ્રદર્શન કરી રહ્યા છે તે દર્શાવે છે કે ભારતીય રાજનેતાઓ કેટલી હદે હવે નફ્ફટ થવા લાગ્યા છે.

સામે પક્ષે કોંગ્રેસમાં પણ નેતૃત્વ વહેંચાઇ ગયેલું છે. હજુ સુધી કોંગ્રેસે મુખ્યમંત્રીના સંભવિત ઉમેદવારનો ચહેરો જાહેર કર્યો નથી, કારણ કે જો જાહેર કરે તો બાકીના રેસમાં રહેલા ચહેરાઓ પોતાના જ પક્ષને નુકસાન થાય તેવી પ્રવૃત્તિઓ કરે. કોંગ્રેસની વર્ષોથી દરેક રાજ્યમાં આ જ હાલત થયેલી છે.

મુખ્ય નેતૃત્વના ચહેરાની અસ્પષ્ટતાને કારણે જે નુકસાન જાય તે કોંગ્રેસે સ્વીકારી લેવાની મનઃસ્થિતિ બનાવી લીધેલી છે, આમ જુઓ તો આ એક પરાજિતોનું મનોવિજ્ઞાાન કહેવાય. મધ્યપ્રદેશમાં કોંગ્રેસના દરેક નેતા પાસે તેનું અલગ અને સ્વતંત્ર પ્રચારતંત્ર છે જે એમને જ ફોકસ કરીને બધા પ્રચાર કરે છે, એને કારણે લોકમાનસમાં સંદિગ્ધતા વધી છે.

કોંગ્રેસ પાસે શિવરાજસિંહની બદનામીનો લાભ લેવાનો સારો મોકો છે પરંતુ મોકાનો ફાયદો લેતા કોંગ્રેસને હવે ફાવતું નથી. મધ્યપ્રદેશની ચૂંટણીનો માહોલ જોતા ખરેખર તો કોંગ્રેસ અત્યારે કેવા કેવા સ્વદર્દથી પીડાઇ રહી છે તેનો સંપૂર્ણ ડેમો મળે છે. પરાજય એક ખતરનાક રસાયણ છે. એક વાર એ કોઇ પક્ષમાં કે એમ્પાયરમાં ફેલાઇ જાય પછી સર્વ સુયોગ હોવા છતાંય પતનના  ભણકારા વાગે છે.

જેમ ગુજરાતમાં ગઇ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે પોતાનો નિષ્ફળ વિજય છેલ્લી ઘડીની મૂર્ખતાથી ભાજપને ભેટ આપી દીધો તેવું જ થવાની શક્યતા મધ્યપ્રદેશમાં પણ છે. શિવરાજસિંહ પોતે ઓબીસી વર્ગમાંથી આવે છે એનો પણ પ્રભાવ છે.

દોઢ દાયકાનું એકચક્રી શાસન કરનાર શિવરાજસિંહ એક ખંધા રાજકારણી છે, તેમણે સવર્ણો એટલે કે બિનઅનામત વર્ગની ગણતરી રાખ્યા વિના જ આ વખતે પોતાનો રથ હંકાર્યો છે અને તેમના પોતાના ગણિત પ્રમાણે બુદ્ધિજીવીઓ હવે કોઇ રાજ્યમાં નિર્ણાયક રહ્યા નથી, એમના કોલાહલને કાને ધરવાની શિવરાજને જરૂર લાગતી નથી.

આવતીકાલના ભારત સામે રાજકારણીઓનું આ વલણ સૌથી મોટો ખતરો છે. બુદ્ધિજીવીઓ લીડર નથી હોતા પણ ઓપિનિયન લીડર હોય છે અને એમના વિચારોમાં જ ભવિષ્યનું રાષ્ટ્ર આકાર લેતું હોય છે, જેને હવે રાજનેતાઓ  ગણકારવા ચાહતા નથી.

રાજ્ય સરકારોને કામ કરવાની તમામ વૃત્તિ અને પ્રવૃત્તિ હવે ચૂંટણીલક્ષી થવા લાગી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાકવીમાની ચૂકવણી મધ્યપ્રદેશ સરકારે કરી દીધી છે. ખેતમજૂરોને આવરી લેવા માટે શિવરાજસિંહે એક કમાલની યોજના ગયા ઉનાળાથી રાજ્યમાં લાગુ કરેલી છે ેેજેનો સખત પ્રભાવ છે.

એમાં કૃષિ ઉપરાંતના અસંગઠિત ક્ષેત્રના લાખો મજૂરોનો સમાવેશ કર્યો છે, આ તેમનો મૌલિક વિચાર છે અને આ તેમણે જાતે ઊભી કરેલી નવી વૉટબેન્ક પણ છે. આ યોજના સંબલ સ્કીમ તરીકે ઓળખાય છે જેમાં શ્રમિકોને અનેક પ્રકારના લાભ મળે છે. એમાં માતૃસ્વાસ્થ્ય સંભાળ ઉપરાંત બાળકોને શિક્ષણ આપવાની અને અકાળે અવસાન થાય તો રૂપિયા ચાર લાખનું રોકડ આશ્વાસન આપવાની વ્યવસ્થા છે.

વીજળીના બિલો પણ શ્રમિકોને માફ કરી દેવામાં આવ્યા છે ઉપરાંત બે કરોડ નવા વીજજોડાણો માત્ર રૂા. ૨૦૦ના ભાવમાં આપવામાં આવ્યા છે.

મધ્યપ્રદેશ ભાજપ માને છે કે નોટબંધી, જીએસટી અને રાફેલના ઊહાપોહ છતાં રાજ્યમાં મિસ્ટર મોદીની લોકપ્રિયતા હજુ અગાઉ જેવી જ છે. એમ હોઇ પણ શકે છે કારણ કે મધ્યપ્રદેશને દેખાડવામાં આવે છે એનાથી તો એ ક્યાંય વધુ ગરીબ રાજ્ય છે અને શિવરાજના સત્તાકાળમાં એ વધુ ગરીબ બનેલું છે.

કોંગ્રેસ પાસે મુખ્યમંત્રીપદના દાવેદારોની મોટી ટોળકી છે અને એ જ અત્યારે પ્રચારમાં ગાજી રહી છે. જ્યોતિરાદિત્ય સિંધિયા, કમલનાથ, અને દિગ્વિજયસિંહ એકબીજાને કાપીને આગળ નીકળવામાં ગળાડૂબ છે.

બસપા પ્રમુખ માયાવતી એક ઢમકઢોલકી નેતા છે અને તેઓ તેલ જોઇને અને તેલની રાહ જોઇને બધા નિર્ણયો કરે છે. તેઓ વિશુદ્ધ સ્વાર્થની સાક્ષાત મૂર્તિ સમાન છે અને મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી નક્કી કરવામાં એમની ભૂમિકા મહત્ત્વની નીવડશે.

Tags :