Get The App

ગુજરાતનું જળસંકટ .

Updated: May 20th, 2019

GS TEAM

Google News
Google News
ગુજરાતનું જળસંકટ                                  . 1 - image



ગ્રીષ્મ ઋતુ ફરી પરાકાષ્ઠાએ છે દેશના લગભગ તમામ પ્રદેશોમાં પીવાના પાણીની બૂમાબૂમ છે. દર વરસે સરકાર તરફથી આ સ્થિતિ સુધારવા માટે કહેવામાં આવે છે, ખાતરી આપવામાં આવે છે પરંતુ સ્થિતિ વધુ વણસતી જાય છે. દેશમાં કેટલાક એવા વિસ્તારો છે જે ઉનાળામાં તો રીતસર ખાલી કરવા પડે છે. એમાં મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહાર મુખ્ય છે. 

ઓરિસ્સામાં તો અત્યારે ફેની ઝંઝાવાતે જનજીવનને છિન્ન કરી નાખ્યું છે, એને પાટે ચડતા વાર લાગશે. દેશની સોલ્ડ ટેલિવિઝન ચેનલો કેદારનાથમાં રાજાશાહી ઠાઠમાઠના શુટિંગ કરવા દોડે છે, ઓરિસ્સાની આજની સ્થિતિનો સાક્ષાત્કાર કરાવવામાં તેમને રસ નથી. એને કારણે બીજા રાજ્યો તરફથી પણ ઓરિસ્સાને મળવી જતી સહાય મળી નથી.

એકલી રાજ્ય સરકાર પહોંચી વળે એમ નથી. ફેનીને કારણે ઓરિસ્સામાં કેટલાક જ સ્રોતમાંથી પીવાલાયક પાણી મળે છે, બાકીના બધા જળાશય સહિતના સ્રોતમાં જળ ડહોળાયેલા છે. જળશુદ્ધિકરણ પ્લાન્ટ પણ બંધ પડયા છે. ખતરનાક જળજન્ય રોગોની તલવાર ઓરિસ્સા પર લટકે છે.

દેશના તમામ ડેમમાં જળસ્તર નીચે આવી ગયા છે. કેન્દ્રીય જળ આયોગે હમણાં ગુજરાત સરકારને નોટિસ પાઠવી છે કે જ્યાં સુધી રાજ્યના તમામ ડેમમાં નવા પાણી ન આવે ત્યાં સુધી માત્ર પેય જળ તરીકે જ એનો ઉપયોગ કરવો. ગુજરાત સરકારે જો કે એની ગંભીરતાથી નોંધ લીધી હોય એવું વ્યવહારમાં દેખાતું નથી.

ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, કર્ણાટક, આન્ધ્રપ્રદેશ, તેલંગણા અને તામિલનાડુ- આટલા રાજ્યોમાં ઉનાળો અને ચોમાસા વચ્ચેના પંદરેક દિવસનો એવો સમયગાળો જળ આયોગે ધાર્યો છે જેમાં પીવાના પાણીની તંગીથી હાહાકાર મચી જવાનો છે. આયોગે ઉક્ત દરેક રાજ્ય સરકારને જળ કટોકટી સંબંધિત ઉચ્ચ સ્તરની એક મોનિટરિંગ ટીમ બનાવવાની સૂચના આપી છે, ગુજરાતમાં આવી ટીમ બનવાની હજુ બાકી છે.

ઉપરોક્ત જળસંકટમાં ઘેરાયેલા રાજ્યોમાં કુલ ૫૧ ડેમ છે, જેના પર રાષ્ટ્રીય જળઆયોગની નજર છે. જળ આયોગની મર્યાદા એ છે કે એણે રાજ્ય સરકારો પાસે કામ કરાવવું પડે છે, સ્વાભાવિક છે કે તે પોતે એમાં કંઈ કરી શકે નહિ. આયોગે જ કહ્યું છે કે દેશના અનેક ડેમના જળ પર એકાધિક રાજ્યોના અધિકારો હોવાથી આ વરસે વિવાદ વકરવાની સંભાવના છે.

જેમાં કાવેરી વિવાદ સૌથી વહેલા શરૂ થવાની આયોગને ભીતિ છે. કોર્પોરેટ કંપનીઓ સરકાર હસ્તકના જળાશયોમાંથી પોતાના ઔદ્યોગિક હિતો માટે જળનો મોટો જથ્થો ઉપાડે છે. કોર્પોરેટ યુનિટો પાસે આ જળાશયો સિવાયના અનેક વિકલ્પો હોય છે.

પરંતુ પાણીની સસ્તી પડતરને કારણે રાજ્ય સરકાર સાથેના તેમના સંબંધોનો ઉપયોગ કરીને તેઓ પ્રજાને આપવાના પેયજળનો સિંહભાગ આ મોસમમાં પોતાની ઉત્પાદન પ્રક્રિયા માટે વાપરે છે. રાજ્ય સરકારો માત્ર દેખાવ ખાતર જાહેર કરે છેકે હવે સિંચાઈ માટે કોઈને પાણી આપવામાં નહિ આવે, એનો અર્થ લોકો સમજતા નથી અને એટલે ડેમના તળિયા સાવ દેખાઈ જાય ત્યાં સુધી કોર્પોરેટ કંપનીઓ ડેમમાંથી પાણી ઉપાડતી જ રહે છે અને પ્રજા અંધારામાં રહે છે.

ડેમમાં પાણી પહાડી નદીઓ અને અમરકંટક જેવા ઊંચે આવેલા વિરાટ સરોવરમાંથી આવે છે. દરેક રાજ્ય સરકાર આ મહામૂલ્યવાન કુદરતી જળભંડારનો ઉપયોગ પોતાના રાજકીય હિતો માટે કરતી આવી છે, એનાથી પ્રજાને જ્યારે કટોકટની જરૂર પડે ત્યારે ડેમના જળ સુકાઈ ગયા હોય છે. અત્યારે નર્મદા ડેમમાં પાણીની જે ઘટ છે તે મૂળભૂત રીતે તો ગુજરાતની ગઈ વિધાનસભા ચૂંટણી પહેલા માત્ર ગ્રામ ક્ષેત્રોને રાજી રાખવા આડેધડ વહાવી દેવાયેલા પાણીને કારણે છે.

ભાજપને એમ હતું કે ચૂંટણી પછીના ચોમાસામાં સારો વરસાદ થશે તો બધું છાનુછપનું રહેશે, પરંતુ ગયા ચોમાસામાં તો સારો વરસાદ થયો નથી, અને પૂનાની વેધશાળાની આગાહી પ્રમાણે આવનારા ચોમાસામાં પણ વરસાદ ઓછો છે એટલે ઇ.સ. ૨૦૨૦ના ઉનાળામાં તો ગુજરાતમાં પાણીના ટેન્કરના ભાવ, પેટ્રોલના ટેન્કરના ભાવ તરફ બહુ ઉતાવળે ગતિ કરશે.

એ સ્થિતિ નિવારી શકાય છે, જો દુરોગામી દ્રષ્ટિથી રાજ્ય સરકાર જળવિતરણ માટે સુબદ્ધ આયોજન કરે તો, જેની શક્યતા પ્રવર્તમાન શાસકોમાં નહિવત્ છે. ભાજપે એક્ઝિટ પોલ જાહેર થયા કે તુરત જ મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકારને પછાડવા માટે મોટો ઉપાડો લીધો છે.

ગઈકાલે સાંજે રાજ્યપાલના બંગલે ભાજપના ટોચના નેતાઓના આંટાફેરા હતા. મધ્યપ્રદેશ ભાજપે જાહેર કર્યું છે કે તાત્કાલિક વિધાનસભા સત્ર બોલાવવામાં આવે, કારણ કે કમલનાથ સરકાર લઘુમતીમાં છે ! ત્યાં ભાજપે કમલનાથની જળવ્યવસ્થાપન અંગેની જે નિષ્ફળતાઓના આરોપ મૂક્યા છે એના એ જ આરોપોમાં ગુજરાતની રૂપાણી સરકાર પણ બરાબર ફિટ બેસે છે.

મધ્ય પ્રદેશ ભાજપે તો કમલનાથને તે રાજ્યમાં પાણીના વેપારીઓના ભાગીદાર પણ કહ્યા છે. આજકાલ ગુજરાતમાં પાણીના છકડાથી ટેન્કરો સુધીના તમામ વાહનો દ્વારા જળવેપારનો નવો ધંધો ધમધમે છે અને ધિકતા ધંધાને પ્રોત્સાહન મળે એવી જ રાજ્ય સરકારની જળવિતરણ નીતિ છે. 

Tags :