નેતાઓની કાશ્મીરી કરામત
કેન્દ્ર સરકારે પોતાના ૩૬ મુરબ્બી મંત્રીઓને સંપર્ક અને સંવાદ સાધવા માટે કાશ્મીર મોકલવાનો નિર્ણય કર્યો છે. જો કે આ કામ બહુ પહેલા થઈ જવું જોઈતું હતું. પાંચ મહિના પહેલા જ્યારે કેન્દ્ર સરકારે ૩૭૦ મી કલમ રદ કરી ત્યારે આશંકા હતી કે માહોલ તણાવભર્યો બની શકે છે. પરંતુ એ હકીકત પણ સ્વીકારવી પડે કે સરકાર અને સુરક્ષા અધિકારીઓએ પરિસ્થિતિ કાબૂમાં રાખી.
જો કે એ સમયે જ કાશ્મીર સાથે સંવાદ કરવાની આવશ્યકતા હતી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ કાશ્મીરના લોકોને મળ્યા હતા. પરંતુ એ સરાહનીય પગલું એકમેવ હતું, તેના પછી એવુ સૌજન્ય ભાજપનું મોવડી મંડળ દાખવી શક્યું નહીં. હવે રહી રહીને નવો આલાપ શરૂ કર્યો છે જે પણ આમ તો પ્રજા અને શાસકો વચ્ચેના નવા સેતુબંધ રચવાના હેતુસર છે.
વિદેશી સાંસદો અને રાજનીતિજ્ઞાોને કાશ્મીર લઈ જવાનો કેન્દ્ર સરકારે કાર્યક્રમ બનાવ્યો હતો. પરંતુ સ્થાનિક કાશ્મીરીઓ સાથે સીધો સંવાદસેતુ સ્થપાય એવું કોઈ આયોજન કરવામાં આવ્યું નહીં. મોડેથી ૩૬ મંત્રીઓને ત્યાં મોકલવામાં આવી રહ્યા છે તો એવું લાગે છે કે કેન્દ્ર સરકાર હવે કાશ્મીરને વધુ સમય માટે અવગણી શકશે નહીં.
ઇન્ટરનેટબંધી પણ મહિનાઓ સુધી ચાલી અને અમુક વિસ્તારોમાં ઇન્ટરનેટ પ્રતિબંધ યથાવત છે. સર્વોચ્ચ અદાલતની ટીકા પછી છૂટછાટ વધી છે પરંતુ હજુ સંપૂર્ણ નેટમુક્તિ અહીં મળી નથી. કેન્દ્રના છત્રીસ પ્રધાનો આ કાતિલ ઠંડીમાં કાશ્મીર પહોંચી ગયા છે અને એક અઠવાડિયું ત્યાં રોકાશે. જમ્મુ વિસ્તારમાં એકાવન બેઠકો કરશે એવું જાહેર કરવામાં આવ્યું છે પણ સૌથી વધુ જરૂર કાશ્મીર ખીણના લોકોને મળવાની છે. જો કે એ વિસ્તારમાં અત્યારે ઠંડી પણ ખૂબ છે.
કાશ્મીરીઓને એવું પણ લાગે છે કે સંસદમાં નાગરિકતા સંશોધન કાયદો પસાર કર્યા પછી કાશ્મીર સાથે ઘનિષ્ઠતા કેળવવામાં સરકાર નિષ્ફળ નીવડી છે. ત્યાંના સ્થાનિક લોકોના મનમાં વિવિધ શંકા-કુશંકાઓ ઉદભવી રહી છે. માહોલ સાવ કેન્દ્ર સરકારની વિરુદ્ધમાં ન થઈ જાય એટલા માટે પણ આ મંત્રીઓને મોકલવામાં આવ્યા છે. જો કે નાગરિકતા કાયદો અને રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર સંદર્ભે લોકોના મનમાં જે શંકાઓ છે એ દૂર કરવા ભાજપ અને સરકાર અમુક પ્રયત્નો કરશે એવી આશા છે પણ હજુ સુધી તો શરૂઆત કરવામાં આવી નથી.
સરકારને એવો પણ દાવો કરવો છે કે કાશ્મીરમાં સંજોગો એકદમ સામાન્ય છે. એ હેતુ પણ મંત્રીઓને મોકલીને સિદ્ધ કરવામાં આવશે. એની સાથે સાથે કાશ્મીરીઓના મનની વાત પણ આ મંત્રીઓને ખ્યાલ આવશે જે નવી કાશ્મીર નીતિ ઘડવામાં કેન્દ્રને મદદરૂપ થઈ શકે. જો કે બ્રોડબેન્ડ અને ટુ-જી સેવાઓને રાજ્યનિકાલ કર્યા પછી ત્યાં બીજો વિકાસ શું થઈ શકે એ સવાલ છે. બીજો સવાલ એ છે કે બીજા પક્ષના નેતાઓ હજુ સુધી નજરકેદમાં છે. જ્યાં સુધી તેઓને સંપૂર્ણ સ્વતંત્ર કરવામાં ન આવે ત્યાં સુધી કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય છે એવું કઇ રીતે કહી શકાય?
૨૪ જાન્યુઆરી સુધી ભાજપનું આ મંત્રીમંડળ જમ્મુમાં ફરતું રહેશે. કાશ્મીરમાં ભાજપનું સામાજીક, આથક અને મનોવૈજ્ઞાાનિક સ્તરે વર્ચસ્વ વધે એના સંનિષ્ઠ પ્રયાસો કરાશે. સ્વકેન્દ્રી કેન્દ્ર સરકારના રિસાયેલા કાશ્મીરીઓને મનાવવાની દોડધામમાં ઘણું મોડું થયું છે. આ જ કામ પહેલા થયું હોત તો કાશ્મીરીઓને તો ફાયદો થયો જ હોત પણ દેશવ્યાપી ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી શકાયું હોત. જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ થયો તેને છ મહિના પુરા થશે હમણાં. ભીનું સંકેલવામાં સરકારે (અને ભાજપે) મોડું કેમ કર્યું? જમ્મુ-કાશ્મીરમાં સાડા બાર હજાર પંચાયતોની ચૂંટણી થશે એવું સાંભળવામાં આવે છે.
પંચાયતની ચૂંટણી અને કાશ્મીર સાથે સરકારના જનસંપર્કની કોશિશોને સીધો સંબંધ છે જ અને એમાં કોઈ શંકા નથી. સાથે સાથે એ વાત પણ નોંધવી રહી કે એ વિસ્તારની બીજી મોટી રાજકીય પાર્ટીઓ - કોંગ્રેસ અને પીડીપીના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકર્તાઓ નજરકેદમાં છે. સરકારે એ જાહેર કરવું જરૂરી છે કે જ્યારે પણ ચૂંટણીનો નિર્ણય લેવામાં આવે ત્યારે આવી સ્થિતિ ન હોય.
જો સ્થિતિ વણસશે તો આંતરરાષ્ટ્રીય મંચ ઉપર ફરીથી ભારત અને કાશ્મીરને લઈને વિવાદો ઉભા થશે. ભારત સરકાર જો એ વાત સતત દોહરાવતી હોય કે કાશ્મીરનો ઇસ્યુ એ ભારતનો આંતરિક મામલો છે તો સરકારે એ ધ્યાન રાખવું રહ્યું કે કાશ્મીર સમસ્યાનું આંતરરાષ્ટ્રીયકરણ ન થઈ જાય. જ્યાં સુધી બધા જ પક્ષોના નેતા નજરકેદ હોય, ઇન્ટરનેટ બંધ હોય ત્યાં સુધી કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય છે એવું ન કહી શકાય.