દિશાશૂન્ય વિદેશ નીતિ
ભારતીય વિદેશ નીતિ હવે ભટકતી થઈ ગઈ છે. મધ્યયુગના રાજાઓની યાદ અપાવે એવી નીતિ આપણા વિદેશ મંત્રાલય અને એનડીએ સરકારની છે. વિદેશોમાં પણ આજ સુધી એક પ્રકારની શો-બાજી જ શાસકોએ ખેલી છે. દુનિયા આવા ખેલથી છેતરાતી નથી. લાંબા ગાળાની નીતિના અભાવે મધ્યકાળના રાજાઓ જેમ વારંવાર નીતિ બદલતા હતા એ જ દશા આજકાલ આપણી વિદેશ નીતિની થઈ છે.
પાકિસ્તાનને હાંસિયામાં મૂકવા માટે ભારતે બંગાળના અખાતના ચારેબાજુના દેશોનું એક સંગઠન બનાવ્યું અને એમાં આર્થિક, સાંસ્કૃતિક અને લશ્કરી સહયોગની વાતોથી શરૂઆત કરી. પરંતુ કાઠમંડુમાં યોજાયેલી એ બેઠકના પડઘા શમે એ પહેલા જ યજમાન દેશ નેપાળે ભારત સાથે સૈન્ય સહયોગનો ઈન્કાર કરી દીધો. નેપાળે કહ્યું કે અમારે લશ્કરી સહયોગ લેવો કે દેવો નથી. એટલું જ નહિ એણે મોદી સરકારને ઠાવકાઈથી કહ્યું કે ચીન સાથેના અમારા સૈન્ય સંબંધોથી અમે પરિતુષ્ટ છીએ.
બાંગ્લાદેશને પણ આ સંગઠનમાં સામેલ કરવામાં આવ્યું છે. આસામમાં સરહદ પારના નિરાશ્રિતોની ઘુસણખોરીને બાંગ્લા સરકાર પરોક્ષ રીતે પ્રોત્સાહન આપે છે. ૪૦ લાખ લોકોને બાંગ્લાદેશ પાછા મોકલી દેવાની વાતમાં શેખ હસીના સરકારની નવી ટર્મમાં પણ નકારાત્મક વલણ ચાલુ છે.
મ્યાનમાર, બાંગ્લાદેશ અને ભારત વચ્ચે રોહિંગ્યા મુસલમાનોના મુદ્દે પરિસ્થિતિ તંગ છે. શરૂઆતથી આજ સુધી એનડીએ સરકાર સતત એ સ્થિતિની ઉપેક્ષા કરીને અનિર્ણાયક વર્તન કરી રહી છે. એનો પૂરેપૂરો લાભ ઘુસણખોરો લઈ રહ્યા છે.
શ્રીલંકાએ ભારત સાથે પ્રાસંગિક મૈત્રીભાવ દાખવ્યો છે પરંતુ એને સદાય ડર લાગે છે કે ભારત, શ્રીલંકામાં રહેલા તામિલો સાથે મળીને કંઇક ઉત્પાત મચાવશે. શ્રીલંકા સાથે પણ ભારતના સંબંધો 'દેખાવ' પૂરતા જ હોય એ સ્થિતિ છે.
રશિયા ભારતનો સૌથી વધુ ગાઢ મૈત્રી ધરાવતો દેશ હતો. વડાપ્રધાન મોદીએ સત્તા પર આવ્યા ત્યારથી પ્રથમ તો ઉપેક્ષા કરી. પછી વચ્ચેના સમયમાં વ્લાદિમિર પુટિન સાથે દોસ્તી કરી અને હવે ફરી રશિયા સાથેના સંબંધોને સાયલન્ટ મોડ પર મૂકીને અમેરિકા અને યુરોપ તરફ સંબંધો વિકસાવ્યા છે. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બેહદ અવિશ્વસનીય છે.
તેઓ કહે છે કંઇક અને કરે છે કંઇક અલગ જ. ટ્રમ્પ નર્યા સ્વાર્થની મૂર્તિ છે જેણે અમેરિકા ફર્સ્ટના બહાને દુનિયામાં સર્વ દેશો તરફથી અપ્રિયતા મેળવી છે. વડાપ્રધાન મોદીએ રશિયા જેવા જૂના ભારતમિત્રને પડતું મૂકી અમેરિકા પર મુગ્ધ થવાનું કોઈ જ કારણ નથી.
રશિયા પાસે હવે પહેલા જેવી શ્રીમંતાઈ નથી પરંતુ કોલ્ડવોરમાં અમેરિકાને હંફાવી દેવાની એની તાકાતનો જગતને સારી રીતે અનુભવ છે. રશિયા પાસે પૈસા નથી. આજકાલ જો કોઈની પાસે ફાલતુ પૈસા હોય તો એ છે ચીન. પરંતુ ચીન સાથે ભારતના સંબંધો સુધરવાનો કોઈ અણસાર નથી.
કારણ કે ચીનને પાકિસ્તાન જ યાર અને દિલદાર લાગે છે. નિર્ધન પાકિસ્તાનના ગોડફાધર થઈ જવાનો ચીનને શોખ છે. ભૂતાન અને નેપાળ બંને દેશોની યાત્રાએ વડાપ્રધાન જઈ આવ્યા છે પરંતુ એનો કોઈ વિશેષ પ્રભાવ નથી.
ભારતની વિદેશ નીતિ હવે સમુદ્રમાં હોકાયંત્ર વિનાના જહાજ જેવી થવા લાગી છે જે જહાજ કદી આમ તો કદી તેમ તરતુ રહે છે. આજે વિશ્વના અનેક દેશો વચ્ચેની મિત્રતા ભંગાણના આરે છે. વિદેશનીતિ હવે ભારત સહિતના વિવિધ દેશોના વિદેશ મંત્રાલયમાંથી નીકળીને કોર્પોરેટ જાયન્ટ કંપનીના હાથમાં જતી રહી છે, જે કંપનીઓ વિશ્વમાં ભટકતા ભૂતની જેમ 'બાઝાર' શોધ્યા કરે છે. આ કંપનીઓ પોતાની બજારનું સેટિંગ ગોઠવવામાં જ વિવિધ દેશો વચ્ચે દોસ્તી અથવા દુશ્મની કરાવી રહી છે.
અનેક દેશોના મૂર્ખ રાજનેતાઓ આ કંપનીઓના હાથનું રમકડું બની રહ્યા છે. આ કંપનીઓમાં શસ્ત્ર સરંજામ ઉત્પાદક કંપનીઓ તો છે જ પરંતુ ગુગલ, એપલ અને ફેસબુક જેવી કંપનીઓ પણ છે ! ભારતની વિદેશ નીતિને પણ કેટલીક દેશની અને જૂજ વિદેશની કંપનીઓએ છાને પગલે ભરડો લીધેલો છે.
હવે તેઓ જ નક્કી કરવા લાગ્યા છે કે વિદેશનીતિ કેવી હોવી જોઈએ ! તેઓ એમ પણ કહેવા લાગ્યા છે કે કોઈપણ દેશની વિદેશ પાડી દેશે. ભારત કે જેની વિદેશ નીતિ આજ સુધી વખણાતી આવી છે એ પણ કોર્પોરેટ કંપનીઓનો શિકાર બને તો પ્રજા માટે આઘાતજનક હોય !
દેશની અદ્ધરતાલ વિદેશ નીતિના દૂરના પરિણામો જે આવે તે પરંતુ નજીકનું પ્રથમ પરિણામ એ હોય છે કે દેશ એકલો પડી જાય છે. દેશના વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે હવે ચૂંટણી લડવાનો જ ઈન્કાર કર્યો છે તેમાં પણ કેટલાક ગંભીર સૂચિતાર્થો ચંદ્ર આડે વાદળ હોય એમ ઢંકાયેલા છે !