અમેરિકાના એલિયન તરંગો
વારતા રે વારતા ભાભા ઢોર ચારતા ચપટી બોર લાવતા છોકરાને સમજાવતા. ભાભા વાર્તા કરે અને છોકરાઓ કુતુહલપૂર્વક વાર્તાને સાંભળતા રહે. જેની પાસે વાર્તા વધુ એ વડીલ માટે અહોભાવની માત્રા વધુ રહેવાની. આ કુદરતનો શાશ્વત નિયમ છે અને તેને અમેરિકા સારી પેઠે સમજી ચૂક્યું છે. માટે જ ઇતિહાસ વિનાના એ દેશે જગતનું ધ્યાન પોતાની તરફ ખેંચવા માટે વાર્તાઓ કહેવાનું ને કહેતા રહેવાનું શરૂ કર્યું. એલિયન એટલે કે પરગ્રહવાસીની અફવાઓ સૌથી પહેલા અમેરિકા તરફથી જ આવી છે.
નેવાડા રાજ્યમાં એલિયને ઉતરાણ કર્યું હતું અને અમુક અમેરિકનોએ સગી આંખે ઊડતી રકાબી જોઈ હતી એવા દાવાઓ પણ અમેરિકન મીડિયા વખતોવખત પ્રકાશિત કરતું. એરિયા ફિફટી ફાઈવ નામના વિસ્તારમાં પરગ્રહના બુદ્ધિશાળી જીવોના મૃતદેહો સાચવીને રખાયા હતા અને એની ધૂંધળી તસવીરો પણ પ્રગટ થઈ હતી એવી બધી અફવાઓ માહિતીપુંજ સ્વરૂપે અમેરિકાએ જાગૃતપણે દુનિયામાં પ્રસારિત કરી છે. જગતનું ધ્યાન ખેંચવામાં જગતજમાદાર દેશને મહદઅંશે સફળતા પણ મળી છે.
દર થોડા વર્ષે અમેરિકા મદારી બનીને વર્લ્ડ મીડિયાના ચોકમાં આવે, ડમરું બજાવે, કોથળામાં સાપ નાખીને એને કબૂતર બનાવી દેવાનો ખેલ માંડે અને એકને બદલે ત્રણ કબૂતર નીકળે એટલે બધા છોકરા ખુશ. મદારી ભાઈને ખુશ કરવા છોકરાઓ હોંશે હોંશે ઘરેથી વાટકો દૂધ કે મુઠ્ઠી ઘઉં પણ લઈ આવે. દર થોડા વર્ષે એલિયનના તરંગો પકડાયા એ ન્યુઝ પણ અમેરિકાનો એક તરંગ માત્ર છે. રહસ્યના ગૂંથાયેલા જાળાને વધુ ઘટ્ટ કરવાનો પેંતરો માત્ર છે.
પણ હવે આ વીસમી સદીનો સમય નથી, એકવીસમી સદીનો ત્રીજો દાયકો ચાલુ થયો છે માટે હવે પહેલાની જેમ ડુગડુગી વગાડી શકાતી નથી. ચીન પણ પોતાના સામ્યવાદના લોખંડી પડદા નીચે આવા જ રહસ્યો છુપાવવા ગયું અને આજે કોરોના વાઇરસનો સ્ત્રોત વુહાન શહેરની જ એક લેબોરેટરીને માનનારો એક ચોક્કસ વર્ગ છે. જૂઠના પાયા ઉપર ઉભું રહેલું સિંહાસન લાંબો સમય ટકી ન શકે.
હવે નવેસરથી અમેરિકાએ આ બ્રહ્માણ્ડમાં દૂર દૂર મનુષ્યેતર કોઈ રહસ્યમય જીવસૃષ્ટિ હોવાની વાત તરતી મૂકી છે અને એવી એ 'અસંભવિત સંભાવના' માટે વૈજ્ઞાાનિક કારણોનો ખડકલો કર્યો છે. આમ પણ અમેરિકામાં એક મોટો એલિયન ચાહક વર્ગ છે જે એમ માને છે કે નાસા પાસે પરગ્રહવાસીઓની માહિતી છે અને તે છુપાવે છે. થોડા વરસો પહેલા આ અંગે નાસા સામે નાગરિકોએ દેખાવો પણ કર્યા હતા. તાજેતરમાં એક સમાચાર એવા આવ્યા છે કે આજથી તેર વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયાના રેડિયો ટેલિસ્કોપે બહુ શક્તિશાળી રેડિયો કિરણો પકડયા. અવકાશના દૂરના ખૂણેથી એક સેકન્ડના સોમાં ભાગ જેટલા સમય માટે રેડિયો કિરણોના શક્તિશાળી પુંજનો અભિષેક પૃથ્વી પર થયેલો.
નક્કી કોઈ મહાવિસ્ફોટ થયો હોવો જોઈએ તો જ કરોડો પ્રકાશવર્ષ દૂર રેડિયોકિરણોની તીવ્રતા આટલી બધી પકડાય. આ ઘટનાને ફાસ્ટ રેડિયો બર્સ્ટ એવું નામ આપવામાં આવ્યું કારણ કે રેડિયો તરંગોની તાકાત અને તીવ્રતા અભૂતપૂર્વ હતી. દૈદીપયમાન રેડિયોપુંજનો સ્ત્રોત સુપરનોવાથી લઈને બ્લેકહોલના સર્જન સુધી હોઈ શકે એવી થિયરીઓ માંડવામાં આવી પરંતુ ગણિતનો તાળો ક્યાંય મળ્યો નહીં. જ્યાં વિજ્ઞાાનની મર્યાદા આવી જાય ત્યાંથી પરિકલ્પનાની બૃહદ દુનિયા ચાલુ થતી હોય છે. માટે તરત એલિયનોની વાત બહાર આવી. આવી રસપ્રચૂર વાત તો વાયુવેગે પ્રસરે માટે વૈશ્વિક મીડિયામાં એવી વાત ફેલાઈ કે પરગ્રહવાસી જીવો પૃથ્વી સાથે સંપર્ક સાધવા માટે રેડિયો તરંગો મોકલે છે.
આ સનસનીખેજ સમાચારમાં સામાન્ય બુદ્ધિનો લોપ થતો હતો. સૂર્ય કરતા પણ વિપુલ માત્રાના ઉર્જાનો ધોધ જે સ્ત્રોતમાંથી વહેતો હોય એનો સ્ત્રોત કોઈ જીવ બનાવી શકે ખરા? જો ખરેખર એલિયન હોય અને તેઓ મંદાકિનીના સૌથી મોટા તારા કરતા પણ વધુ શક્તિશાળી મોજા ફેલાવવા સક્ષમ હોય તો તેઓ આસાનીથી પૃથ્વી ગ્રહ સુધી સદેહે પહોંચી શકે. દૂર બેઠા તંરગો મારફત ટપાલ મોકલવાની શું જરૂર? બીજા આધુનિક ટેલિસ્કોપ દ્વારા એ રેડિયો તરંગોને નિયમિત રીતે ઝીલાયા.
દર સોળ દિવસે તે તરંગોનો અભિષેક પૃથ્વી પર થાય છે તે જાણવા મળ્યું. પાંચસો મિલિયન પ્રકાશવર્ષ દૂર કોઈ ઘટના એવી બની રહી છે જ્યાંથી આવા તરંગો વછૂટી રહ્યા છે. એ ઘટના કઈ હોઈ શકે તેના વિશે આજના વિજ્ઞાાનીઓ માત્ર અટકળ કરી શકે છે. પૃથ્વી ગ્રહના જીવો પોતાનું ભૌતિકવિજ્ઞાાન એટલું વિકસાવી શક્યા નથી કે કરોડો પ્રકાશવર્ષ દૂરની ઘટના જોઈ શકે.