સાંસ્કૃતિક વારસાની ઉપેક્ષા
જ્યારથી એનડીએ સરકાર સત્તા પર આવી છે ત્યારથી ધર્મ અને રાજકારણ જ દેશની ઘટનાઓમાં સપાટી પર છે.
ભાજપની આ બે જ ક્ષેત્રો સંબંધિત પ્રવૃત્તિ છે, હવે એમાં એક બાબત ઉમેરાઈ તે વ્યાપાર- વાણિજ્યને ડિસ્ટર્બ કરતા રહીને દેશના અર્થતંત્રને હાનિ કરવાની વૃત્તિ ! નવાઈની વાત એ છે કે જે ભાજપે નકલી રાષ્ટ્રવાદનું મહોરું પહેરીને સત્તા સુધી પહોંચવાનો સુપર હાઇવે બનાવ્યો એ જ ભાજપે સત્તામાં આવીને ભારતીય સાંસ્કૃતિક વારસાને ગંભીર નુકસાન કર્યું.
રાજીવ ગાંધી પોતે કંઈ કલા, સાહિત્ય કે સંસ્કૃતિના ચાહક ન હતા, તો પણ વડાપ્રધાનપદે આરૂઢ થયા કે તુરત જ એમણે દેશમાં એક નવી જ સાંસ્કૃતિક આબોહવાનું સર્જન કર્યું. પુપુલ જયકર આણિ મંડળીને એમણે સાંસ્કૃતિક પુનરુત્થાનના કામ સોંપ્યા એનાથી દેશભરમાં દરેક રાજ્યમાં સાંસ્કૃતિક આદાન- પ્રદાનની મોસમ જામી. હવે એવા આંતરરાજ્ય કાર્યક્રમો યોજાતા નથી અને યોજાય તો એમાં લોકભાગીદારી હોતી નથી.
આપણે ત્યાં શિસ્ત અને સન્માન (ડિસિપ્લિન એન્ડ રિસ્પેક્ટ)નો જે અધ્યાય પ્રજાને ભણાવવાનો બાકી રહી ગયો તે હજુ બાકી જ છે. મંદિરોમાં દર્શનાર્થીઓમાં શિસ્ત છે ? જગન્નાથપુરીમાં મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશવાના અને બહાર નીકળવાના દરવાજા પાસે દર્દીઓને લઈ જવાના સ્ટ્રેચર જોઈને નવાઈ લાગે પરંતુ દેશના અનેક ભીડ ભરેલા અને ધક્કામુક્કીવાળા મંદિરોમાં થોડો સમય વિતાવો તો તમને એ સ્ટ્રેચરની ઉપયોગિતા અને ત્યાં તેની ઉપલબ્ધિનું કારણ સમજાય.
અનેક લોકો એ ભીડમાં પડે- આખડે છે ને પછી બેહોશ કે નિઃસહાય થાય એટલે સ્ટ્રેચર કામમાં આવે છે. પછી સીધા ટેમ્પલ ટુ હોસ્પિટલ ! આપણે નવા મંદિરો બનાવવા માટે લડીએ છીએ અને જૂના મંદિરોની ભીડમાં કચડાઈ રહ્યા છીએ !
એનડીએ સરકારે જૂના મંદિરો અને સ્મારકોની બાબતમાં જે ઉપેક્ષા દાખવી છે તે 'કાયદેસર' છે એટલે કે કાયદો ઘડીને એમણે સ્મારકોની હાલત વધુ ખરાબ કરવાની પેરવી કરી છે. ચાલુ વર્ષે પ્રાચીન સ્મારક અને પુરાત-ત્વીય વારસા કાનૂન સુધારા ખરડો સંસદમાં પસાર થઈ ગયો. કોઈ સંસદ સભ્યે એ સુધારો વાંચ્યો હશે કે કેમ એ જ શંકા છે.
એન.ડી.એ. સરકારે ચતુરાઈથી સંસદના બંને ગૃહોમાં આ સુધારા વિધેયક પસાર કરાવી લીધું. મૂળભૂત કાયદો હતો કે પ્રાચીન- સાંસ્કૃતિક કે ધાર્મિક સ્મારક જે આરક્ષિત જાહેર કરાયું હોય તેની આસપાસમાં ૧૦૦ મીટર સુધી કોઈ બાંધકામ ન થઈ શકે. એન.ડી.એ. સરકારે આ પ્રતિબંધ જ ઉઠાવી લીધો. એક પ્રશ્નના જવાબમાં સરકારે લોકસભાને જણાવ્યું કે, દેશના પુરારતત્ત્વ ખાતાએ જાહેર કરેલા કુલ આરક્ષિત સ્મારકોમાંથી ૨૪ તો ગાયબ થઈ ગયા છે, એની એક ઇંટ પણ બચી નથી.
કાયદો બદલાવ્યા પછી તો સ્મારકોને જાણે કે ધરાશયી કરવાની મુક્તિ મળી ગઈ છે. હવે તો નક્કી જ નથી કે આવનારી પેઢીઓ દેશના પુરાતન સાંસ્કૃતિક વારસાનો કેટલોક અણસાર પામી શકશે ! હમણાં જ બેંગ્લોરમાં બે ભવ્ય સ્મારકો મરફી ટાઉન લાયબ્રેરી અને ક્રમબિગેલ હોલ ધરાશાયી કરવામાં આવ્યા. હવે ત્યાં બિલ્ડરો કામે લાગેલા છે. અન્ય કેટલીક ઇમારતો જે તે સ્થાનિક સરકારી સંસ્થાઓ તોડી પાડવા ચાહે છે એની સામે બિનસરકારી સંગઠનો કાનૂની જંગે ચડયા છે.
આપણા મોટા ભાગના પ્રાચીન મંદિરો અને તીર્થસ્થાનો અવ્યવસ્થાના નમૂનાઓ છે. કેટલાકને બાદ કરતા બહુધા મંદિરો શહેરની વચ્ચોવચ્ચ અથવા દૂરના વિસ્તારોમાં આવેલા છે, જાળવણી કે સમારકામ વિનાના એ સ્થાનો જાણે કે દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે.
સરકાર ધારે તો એક જ સપ્તાહમાં દેશના બધા જ સ્મારકો કે સાંસ્કૃતિક સ્થળોનો પુનરોદ્ધાર કરી શકે પરંતુ તેઓના શાસકોને કોઈ જ રસ નથી. તેઓ તો એમ વિચારે છે કે આ દેશમાં નાગરિકોને માત્ર ધર્મઝનૂન તરફ જ ઉશ્કેરો, સાંસ્કૃતિક સભાનતા અને જતન જો તેઓ શીખી જશે તો તેઓ આપણા મતદારો નહિ રહે.
દેશના રાજનેતાઓ એમ માને જ છે કે લોકો જેટલા પછાત રહેશે એટલા તેમને મત આપશે. દેશના તમામ રાજ્યોમાં જે નેતાઓ પોતાની વોટબેન્કને સાચવી રાખવા ચાહતા હોય છે, આ એમની ખાનગી વાત છે.
હકીકત એ છે કે મતદારોને હવે મૂર્ખ બનાવી શકાતા નથી. નેતાઓ જ મૂર્ખતાનો આશ્રય લેતા હોય છે. એ જ કારણ છે કે મંદિરોની ધક્કામુક્કીમાં અવ્યવસ્થાને કારણે ઘવાતા કે માર્યા જતા નાગરિકો પર આ રાજનેતાઓને કદી દયા આવતી નથી. તેઓનું એક જ મિશન છે કે, મતદારને ગમે તેમ ભ્રમમાં નાખીને તેના હાથમાં રહેલો મત આંચકી લેવો.
આપણે ગર્વ લઈએ છીએ કે આપણી પાસે દુનિયાના સૌથી પ્રાચીન મંદિરો છે, ને એ મંદિરમાં અખૂટ ખજાનાઓ છે. છતાં છેલ્લા સાત દાયકાની સ્વાતંત્ર્ય સફરમાં આપણે ૧૫,૦૦૦ સ્મારકોને કાનૂની રક્ષણ આપી શક્યા, જ્યારે બ્રિટનમાં એની સંખ્યા ૬૦,૦૦૦ છે, જેનું કુલ ક્ષેત્રફળ તો આપણા ઉત્તર પ્રદેશ જેટલું થાય છે.
ભારતીય રાજનેતાઓ એવા જ સાંસ્કૃતિક વારસાને જાળવવા ચાહે છે જેના પર આપણે અંદરોઅંદર સદાય લડતા રહીએ. ભારતીય રાજનીતિ જ ભારતના અણમોલ સાંસ્કૃતિક વારસા પરનો સૌથી મોટો અભિશાપ છે.