આપણું વરસાદી અર્થતંત્ર: રાજ્યભરમાં વરસાદનો બીજો અને ક્યાંક ત્રીજો રાઉન્ડ શરૃ થયો એનાથી હવે ચોમાસુ પાટે પડયું હોવાનો અનુભવ કૃષિક્ષેત્રને થવા લાગ્યો છે.
રાજ્યભરમાં વરસાદનો બીજો અને ક્યાંક ત્રીજો રાઉન્ડ શરૃ થયો એનાથી હવે ચોમાસુ પાટે પડયું હોવાનો અનુભવ કૃષિક્ષેત્રને થવા લાગ્યો છે. આ સમયસરનો વરસાદ છે જે ઊભા થતા જતા પાકને વધુ ઊંચે લઈ જાય છે. ગુજરાતના ખેતરો હવે લીલ્લાછમ દેખાવા લાગ્યા છે, પ્રવાસ બારી બહારના દ્રશ્યો દ્વારા આંખોને શીતળતા આપે છે. આ વરસાદ પણ એકાદ સપ્તાહ મોડો છે, પરંતુ પાછલા વાદળછાયા વાતાવરણ અને હવામાં રહેલી આછી ભીનાશને કારણે પાક ટકી રહ્યો.
જો સોળઆની વરસ જોઈએ તો ઉતરતા શ્રાવણે પણ એક રાઉન્ડની જરૃર પડે. ભારતનું અર્થતંત્ર ટેકનોલોજી, વિકાસ અને ઈઝરાયેલ જેવી દંતકથાઓ વહેતી હોવા છતાં આકાશ આધારિત ખેતી પર જ નિર્ભર છે. કેટલાક અને તે પણ સાવ જૂજ અપવાદોને બાદ કરતા માત્ર કુદરતના વિશ્વાસે જ વહાણ ચાલે છે.
દેશના ખેડૂતોની ખર્ચ ક્ષમતા સૌથી ઊંચી આંકવામાં આવે છે. તમામ સર્વેક્ષણો કહે છે કે ખેડૂતો એક માત્ર એવો સમુદાય છે જે પૈસાને બજારમાં ફરતો રાખવામાં મુખ્ય ભૂમિકા નિભાવે છે. ગુજરાતના તમામ ગ્રામજનોનો અનુભવ છે કે આવકની ધારણાને આધારે જ ખેડૂત આગોતરો ખર્ચ શરૃ કરે છે. જેટલા નાણાં એના હાથમાં હોય એનાથી પણ અધિક ખર્ચવાની વ્યાવહારિક વૃત્તિ તેઓનામાં પ્રબળ હોય છે, ભલે આ પ્રવૃત્તિ એને ક્યારેક સંકટમાં મૂકે છે, પરંતુ એનાથી દેશનું અર્થતંત્ર ધમધમવા લાગે છે.
દુનિયામાં હવે એવા દેશો પણ છે જેઓ પોતાનું અનાજ, કઠોળ, શાકભાજી બીજા દેશોની ફળદ્રુપ જમીન પર ઉગાડે છે અથવા તો ઉચ્ચ ગુણવત્તાની સામગ્રી આયાત કરી લે છે, એનાથી તેઓની સરકારે કૃષિ પાછળ કરવાનો થતો ખર્ચ કે રોકાણ નહિવત્ થઈ જાય છે. ભારત અને ચીનને આવું સાહસ કરવાની સ્થિતિ નથી કારણ કે બન્ને દેશો વસ્તીની અતિશયતા વચ્ચે ઘેરાયેલા છે.
વરસાદ ઓછો આવે અને ખેતીના ખરીફ કે રવિ પાક વિફળ નીવડે ત્યારે ભારતીય ગ્રામીણ અર્થતંત્રની અવદશા બહુ વિકરાળ હોય છે. ગ્રામ સમાજના અર્થતંત્રનો આધાર જ ખેડૂત છે. એની પાસે ફસલના નવા નાણાં ન આવે એટલે આ વિરાટ ભારતના ગામેગામમાં વસતા ને રોજીરોટી કમાતા એવા કરોડો લોકોમાંથી કોઈ પાસે નાણાં ન આવે. પછી ખર્ચક્ષમતા રહે માત્ર નોકરિયાતો પાસે. એમની ટકાવારી એટલી ઓછી છે કે તેઓ સમગ્ર દેશના અર્થતંત્રનું ચાલકબળ ન બની શકે.
દેશની વિવિધ સરકારોએ ડેમ, સિંચાઈ, સબસીડી, ટેકાના ભાવ જેવા અનેક ઉપચારો અને વાતો કરવાનો લાંબો દૌર ચાલુ રાખ્યો છે પરંતુ વાસ્તવિકતા તો માત્ર આકાશી ખેતી જ છે. સિંચાઈનો લાભ મેળવતા કે કૂવો-વાડી ધરાવતા ખેડૂતોની સંખ્યા દસ ટકાથી પણ ઓછી છે. આ વખતે અત્યારના રાઉન્ડના વરસાદ છતાંય વરસ સારું જશે કે નહિ તે હજુ અનિશ્ચિત છે. કપાસને કૃષિ યુનિવર્સિટીઓ અર્ધ ચોમાસુ પાક કહે છે કારણ કે એ ચોમાસા પછી જ અરધા શિયાળા સુધી અને કેટલાક કિસ્સામાં પછી પણ ઊભો રહે છે.
ભારતીય કિસાનો બહુ ઓછા વિકલ્પો સાથે ખેતી કરી રહ્યા છે. ઉપરાંત દેશના હવામાને એવો પલટો લીધો છે કે દરેક રાજ્યમાં ત્રણ મોસમે એક મોસમ જ સોળ આની નીવડે છે. બુંદેલખંડ જેવા કેટલાક એવા પણ પ્રદેશો છે જ્યાં દર પાંચ વરસે એકાદ મોસમ સારી તો હોય. આપણા દેશમાં ખેડૂતોના ભાગે ક્વચિત જ સારી મોસમ આવતી હોવાને કારણે રોકડિયા પાકનો મબલક પાક ઉતારવા ખેડૂતો રાસાયણિક ખાતરોનો આડેધડ અને બેફામ ઉપયોગ કરતા થયા છે. ઓર્ગેનિક ખેતી તો બે ટકા પણ નથી. હા, ઓર્ગેનિકના નામે ઘણા ખેલ ચાલે છે.
ખેડૂતો સહિતની પ્રજા જેટલી ચર્ચા રાજકારણની કરે છે એટલી જ જો કૃષિપ્રગતિ વિશે કરતી થાય તો કંઈક ફેર પડે. ગુજરાતના ગ્રામ સમાજમાં જે જૂની પેઢીના ખેડૂતો છે તેઓ પણ નવી તરેહની કૃષિલક્ષી ટેકનોલોજી દાખલ કરવામાં એક અંતરાય છે. દરેક ગામના પાદરમાં શ્વેતવસ્ત્રોમાં એ સૈન્ય બેઠું હોય છે જે પંચાયતી પંચાત સિવાયની કોઈ પ્રવૃત્તિ કરતું નથી. કિસાનો માટે એક મોટો આઘાત એ પણ છે કે તેમના મોટા ભાગના સંતાનો અસલ ખેતી પડતી મૂકીને વ્યાપાર, ઉદ્યોગ, વ્યવસાય કે ખાનગી-સરકારી નોકરી જેવા ક્ષેત્રો તરફ ધસી ગયા છે, એટલે ગુજરાત જેવા શ્રીમંત ગણાતા રાજ્યમાં તો માલિકોના હાથમાંથી સરીને સમગ્ર કૃષિપ્રક્રિયા પૂર્ણતઃ કામદારો કે મજૂરોના હાથમાં જતી રહી છે.
છેલ્લા દસ વરસમાં ગુજરાતના કિસાનોએ એક જે મહાન કામ કર્યું છે તે આદિવાસીઓને ખેતીકાર્ય શીખવવાનું છે. સૌરાષ્ટ્રના કિસાનોએ તો સમગ્ર પંચમહાલના આદિવાસીઓને પોતાની મહાન કૃષિ વિદ્યાની શિક્ષા-દીક્ષા આપી છે અને ઉપરાંતમાં તેઓને ઉપજમાં અમુક ટકા ભાગ આપીને સમૃદ્ધ કર્યા છે. ગુજરાતના કિસાનોનો આદિવાસી પ્રજા પર આ બહુ મોટો ઉપકાર છે, આજે ખેતમજૂરી સંખ્યાબંધ આદિવાસીઓની જીવાદોરી છે કે ગુજરાતના મોટા ભાગના જમીન માલિકો માત્ર માલિકો છે, ખેડૂત નથી, હા ખેતીના વહીવટદાર માત્ર છે.
પંચમહાલમાં ભીલી બોલીનો વ્યાપ છે, એમાં હવે કાઠિયાવાડી ભાષાનું માધુર્ય ઉમેરાયું છે. ગોધરા જતી-આવતી બસ કે ટ્રેનમાં મુસાફરી કરવાનો શુભ અવસર પ્રાપ્ત થાય તો અજબ લહેકા સાથેની ભીલી-ગુજરાતી સાંભળવા મળે.