અરવલ્લીના ગાયબ પર્વતો
અરવલ્લી પર્વતમાળાની તુલના અમેરિકાની આલ્પસ્ની પર્વતશૃંખલા સાથે કરવામાં આવે છે. રાજસ્થાનની આ વિશાળ પર્વતમાળા છે.
ભારતની ભૌગોલિક સંરચનામાં અરવલ્લી છે તો હિમાલયથી પણ પ્રાચીન પહાડીઓ છે. ઉપરાંત જગતની પણ એ સૌથી આદિમ પર્વતમાળા છે, જે રાજસ્થાનને ઉત્તર અને દક્ષિણ એમ બે ભાગમાં વહેંચે છે.
અરવલ્લીનું સર્વોચ્ચ શિખર, ગુરુશિખર છે જે માઉન્ટ આબુમાં છે. આ પર્વતમાળાની લંબાઈ ગુજરાતથી દિલ્હી સુધી અંદાજે ૭૦૦ કિલોમીટર છે. આપણી સાબરમતી નદીનું ઉદગમ સ્થાન પણ અરવલ્લી છે. હમણાં સર્વોચ્ચ અદાલતે કહ્યું કે અરવલ્લીના ૩૦ પર્વતો ગાયબ થઈ ગયા છે એનાથી દેશ આખો ચોંકી ગયો છે.
અદાલતે અરવલ્લીના કોઈ પણ છેડે ખનન કરવા પર તાત્કાલિક અસર કરતો પ્રતિબંધ મૂકી દીધો છે. અરવલ્લીની પર્વતમાળામાંથી ૩૦ પર્વતો ગાયબ થઈ જવાની ભયાવહ હકીકતે રાજસ્થાનની ખનન પ્રવૃત્તિ અને એની રાજ્ય સરકાર દ્વારા થતા આંખ આડા કાનની ગવાહી આપે છે.
રાજસ્થાનનું ભૌગોલિક તંત્ર અને એની આગવી ઇકોલોજી આને કારણે અસમતોલ થઈ ગઈ છે જેના ખતરનાક પરિણામો આવનારા વરસોમાં એની પ્રજાએ ભોગવવાના આવશે. આપણે એક એવા દેશમાં વસીએ છીએ જ્યાં એક-બે નહિ, પૂરા ત્રીસ પર્વતો ગાયબ થઈ ગયા ત્યાં સુધી એ રાજ્ય કે કેન્દ્ર સરકારનું ધ્યાન ગયું નથી અને રાજ્ય સરકારે આજ સુધી અરવલ્લીના નામે એક પણ પ્રકારના પગલા લીધા નથી.
ખાણ અને ખનિજ ખનન માફિયાઓ દેશમાં કઈ હદે પહોંચી ગયા છે તેનો આ નમૂનો છે. આ પર્વતમાળા દિલ્હી સહિત ગંગાના મેદાની વિસ્તારોની મોસમ, વરસાદની પેટર્ન, તાપમાન અને પ્રદૂષણ નિયંત્રણ સ્તરને સદાય પ્રભાવિત કરતી રહી છે.
ગેરકાયદે ખનન કંઈ એકલા ભૂમાફિયાઓ નથી કરતા હોતા, એમાં શ્વેત કપડા અને બંડી પહેરીને લોકોને મીઠા ભાષણો આપતા દુષ્ટ રાજનેતાઓનો પણ દમદાર હિસ્સો હોય છે. ગુજરાતની જમીન અને પર્વતો પણ આવી ગેરકાયદે પ્રવૃત્તિઓથી મુક્ત નથી.
અને આવી સ્થિતિ તો દેશના અનેક રાજ્યોમાં છે. દેશના રાજકારણીઓની કરોડોની આવકનો નવો સ્રોત આ ગેરકાયદે ખનન છે. ખનનમાંથી જ તેઓ ખણખણતા કરોડો રૂપિયા પાવડે પાવડે પોતાની તિજોરીમાં અંકે કરી લે છે.
સર્વોચ્ચ અદાલતે તેના આ વચગાળાના ચૂકાદામાં અરવલ્લી ખનન પર પ્રતિબંધ લગાવ્યો એ પહેલાં તો આ રમણીય પર્વતમાળાને ભૂમાફિયાઓ અને ખનનડોન જેવા લોકોએ ચોતરફથી ફાડી ખાધી છે.
૩૦ પર્વતો આખા ગળી જવા એ કોઈ સામાન્ય કૌભાંડ નથી. આમ પણ આપણા દેશમાં પ્રકૃતિના ક્રૂર અને બેરહમ દોહન સામે અવાજ ઊંચો કરીને લડનારાઓ જાણે કે કોઈ નથી. વિરાટ ભારતમાં કોઈ એકલ-દોકલ સંસ્થાઓ કે વ્યક્તિઓ છે, પણ એમનો અવાજ ક્યાંય સંભળાતો નથી.
સૌથી મોટી વિડંબના જ એ છે કે અરવલ્લી શ્રેણીના ૩૦ પહાડો આખા ક્રમશઃ છાને પગલે ખનન થઈને વેચાઈ ગયા ત્યાં સુધી રાજસ્થાનની સરકાર મૂક પ્રેક્ષકની જેમ જાણે કે પોતે કંઈ જાણતી જ નથી એમ બેસી રહી છે. સર્વોચ્ચ અદાલતે રાજસ્થાન સરકારને આ પરિસ્થિતિ અંગે જવાબ રજૂ કરવા અને એફિડેવિટ કરવા હુકમ કર્યો છે.
એ તો સ્પષ્ટ છે કે વર્તમાન એકલી રાજે સરકારનું આ કામ નથી, આ સિલસિલો તો દાયકાઓથી ચાલતો જ રહ્યો હોય, પરંતુ એ પ્રવૃત્તિમાં વર્તમાન સરકાર પણ ખનનડોનની ટોળકી સાથે મિલાપ રચી બેઠી હોય તો જ અદાલતે તાકીદનો હુકમ કરવો પડયો હોય. રાજસ્થાનના રણનો દિલ્હી તરફ વિસ્તાર થઈ રહ્યો છે એ તરફ પણ કોઈ સરકારનું ધ્યાન નથી.
અરવલ્લીની મનોરમ પર્વતમાળા ખંડિત થવાથી રાજસ્થાની રેતાળ પટ અધિક ઝડપે દિલ્હી તરફ ધસી જશે અને અન્ય ભૂ-જૈવિક પર્યાવરણીય અસમતુલા સર્જાશે તે તો વધારાની. દિલ્હીના પ્રદૂષણમાં એકાએક જે વધારો નોંધાયો છે એના મૂળમાં પણ પ્રાકૃતિક ચક્રને ભેદવાની માનવચેષ્ટા હોઈ શકે છે. આજ સુધી કેન્દ્ર સરકારે પહાડી વિસ્તારોમાં ખનન અંગેની કોઈ પ્રતિબંધક પોલિસી ઘડી નથી તેનું આ પરિણામ છે.
ખાણ અને ખનિજ વિભાગે હવે તો કાયમી ધોરણે પોતાની પાસે સશસ્ત્ર પોલીસ દળ રાખવું પડે એવી સ્થિતિ છે. ગુજરાતની મોટા ભાગની નદીઓમાંથી રેતી ટ્રકમાં સવાર થઈને વેચાઈ ગયેલી છે. એને કારણે નદીઓ પાણીના પ્રવાહને ધારણ કરી શકતી નથી અને દર ચોમાસે કિનારાની હજારો હેકટર જમીનનું ધોવાણ કરે છે.
ગુજરાતમાં પણ ગેરકાયદે ખનન કરનારી એક અલગ જ અંધારી આલમ અસ્તિત્વમાં આવેલી છે. રાજ્ય સરકારના ખાણ અને ખનિજ ખાતાના કેટલાક અધિકારીઓ અને કેટલાક કર્મચારીઓની બેહિસાબ સંપત્તિ જ બતાવે છે કે છેકથી છેક સુધી ભૂમાફિયાઓના સેટિંગ ચાલે છે.
સરકારમાં રહેલા એવા તત્ત્વો કે જેમાં કેટલાક નેતાઓ પણ સંડોવાયેલા છે તેઓ ખનન ડોનના દલાલ બનીને પ્રજાલક્ષ્મીને લૂંટાવી રહ્યા છે. એની સામે પણ સતર્ક થઈને તાકીદના પગલા લેવાની જરૂરિયાત ઉભી થઈ છે. સર્વોચ્ચ અદાલતનો હુકમ આખા દેશમાં ચાલતા ગેરકાયદે ખનનના સંદર્ભમાં પ્રજાની આંખ ઉઘાડનારો હુકમ છે.