Get The App

એન્ટી જોબ કોરોના .

Updated: Mar 20th, 2020

GS TEAM

Google News
Google News

ભાષણ આપતી વખતે દસમાંથી ચાર વાક્યોમાં અંગ્રેજી વ્યાકરણની ગંભીર ભૂલો કરતા અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ જ્યોર્જ ડબ્લ્યુ બુશ હવે રહી રહીને સારા લાગે એવા અમેરિકાના વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ છે. તેઓના દસ વાક્યોમાંથી ચાર વાક્યોમાં ઘોર અસત્ય ભરેલું હોય છે. ટ્રમ્પે અમદાવાદમાં આપેલા ભાષણમાં એવું કહ્યું કે અમેરિકાની વર્તમાન આર્થિક સ્થિતિ અભૂતપૂર્વ છે અર્થાત્ ઇતિહાસમાં ક્યારેય અમેરિકા આટલું સદ્ધર ન હતું. ટ્રમ્પનું શુદ્ધ જુઠાણું કોરોના વાયરસે ઉઘાડું પાડયું. અત્યારે દસ લાખથી વધુ અમેરિકનો કોરોનાને કારણે બેરોજગાર થવાની અણી ઉપર છે. ખાનગી કંપની કે સંસ્થામાં કામ કરતા લાખો કર્મચારીઓને અચોક્કસ મુદ્દત માટે ઘરે મોકલી દેવામાં આવ્યા છે. અમેરિકન ફેડરલ લો મુજબ સંસ્થા આ કર્મચારીઓને કોરોનાને કારણે પાડવામાં આવેલી ફરજિયાત રજાનો પગાર આપવા બંધાયેલી નથી. અમેરિકા આમ પણ મંદીમાંથી પસાર થઈ રહેલો દેશ હતો અને એમાં કોરોનાએ પડતા ઉપર ઢીકા સાથે પાટુ માર્યું. 

હરીકેન તોફાન એવી કુદરતી આપત્તિ છે જેનું એપિસેન્ટર બદલાયા કરે. કોરોના વાયરસના રોગચાળાનું એપિસેન્ટર હવે ચીન નથી પણ યુરોપ છે. યુરોપમાં પણ ઇટાલી અને જર્મની કોરોનાની કારમી અસરમાંથી પસાર થઈ રહ્યા છે. ઑસ્ટ્રીયા, ફ્રાન્સ, સ્પેન વગેરે દેશોમાં કરફ્યુ જેવી સ્થિતિ છે. આ દેશોની ઓફિસો અને વેપાર-ધંધા બંધ છે. યુરોપ આમ પણ પ્રવાસન ઉપર નભતો ખંડ છે એવું કહી શકાય. કોઈ પ્રવાસીઓ યુરોપની ઐતિહાસિક ગલીઓમાં દેખાતા નથી. આવી પરિસ્થિતિમાં યુરોપના મોટા ભાગના દેશોએ પોતાનું અર્થતંત્ર ફ્રીઝ કરી નાખ્યું છે. અર્થતંત્રમાં પ્રવાહિતા ન રહે, ટ્રાન્ઝેક્શન ખત્મ થઈ જાય, આવક-જ આવક શૂન્ય થઈ જાય તો આખી સિસ્ટમ ભાંગી પડે. યુરોપ પોતાની આર્થિક પ્રણાલિકા કોરોનાને કારણે પડી ન ભાંગે એના મરણિયા પ્રયાસ કરી રહ્યું છે. એક રીતે તો ચીને યુરોપને પંગુ બનાવી નાખ્યું એવું કહી શકાય. 

આમ પણ શેરબજારમાં કડાકા બોલવાના વણથંભ્યા વિક્રમો ચાલી રહ્યા હતા. ફક્ત બોમ્બે સ્ટોક એક્સચેન્જ જ નહીં, ન્યૂયોર્કની સ્ટોક માર્કેટ પણ ડગુમગુ થઈ ગઈ છે. અમેરિકા સહિત ભારત જેવા દેશોની આર્થિક પરિસ્થિતિ પાતળી હતી અને કોરોના તે પાતળી સ્થિતિમાં છિદ્રો પાડવાનું કામ કરે છે. દુકાળમાં અધિકમાસ જેવો આ કોરોનાનો આ ઉપદ્રવ, માસ્ક અને સેનિટાઈઝરના કાળા બજાર દ્વારા સાત પેઢી માટે પાપના પોટલા ભેગા કરનારા સિવાયના બધાના ખિસ્સાને પ્રત્યક્ષ કે પરોક્ષ અસર કરી રહ્યો છે. સ્કૂલો અને કોલેજો બંધ થઈ એ તો ગૌણ બાબત છે. લોકોના વેપારધંધા ઉપર જબરી અસર પડી છે. શાકભાજીથી લઈને ઇલેક્ટ્રોનિકસ સુધીનો દરેક વેપાર કોરોનાની ઝપટમાં આવી ગયો છે. 

ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ સાથે સંકળાયેલા, હોટેલ અને હોસ્પિટાલીટી સાથે સંકળાયેલા, એરપોર્ટના ગ્રાઉન્ડ સ્ટાફ કે કેબિન ક્ના કર્મચારીઓમાંથી મોટો ભાગ ઘરભેગો થઈ ગયો છે. બેરોજગારીના એક જ ભોરીંગની ફેણની સંખ્યા વધી રહી છે. સીતારામનજી પાસેથી હવે એક પણ ભારતીયને આશા રહી નથી કે આ વણસી રહેલી સ્થિતિને તેઓ સુધારશે. કોરોના વાયરસ જેને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોવિડ-૧૯ નામ આપ્યું છે, તેણે માત્ર ચાર જ મહિનાના ટૂંકાગાળામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. હજુ થોડા સમય પહેલા ન્યુક્લિયર બોમ્બના ભણકારાથી વિશ્વ ધુ્રજી રહ્યું હતું, તેમાં અચાનક પ્રગટેલા સૂક્ષ્મ જીવાણુએ આખા વિશ્વનો જીવ પડીકે બાંધી દીધો છે. 

મદમસ્ત હાથીની જેમ મહાલતી મહાસત્તાઓના પાયા કોવિડ-૧૯થી હચમચી ગયા છે. આગ લાગી ત્યારે કૂવો ખોદવા જેવા પગલા લેવાની શરૂઆત થઈ ચૂકી છે છતાં શરૂઆતની ઉદાસીનતાનુ ગંભીર પરિણામ અત્યારે દુનિયા ભોગવી રહી છે. મહામારીનો પ્રકોપ માત્ર આરોગ્ય સુધી સીમિત નથી, તેનાથી વિશ્વને આથક અને સામાજિક રીતે પણ ઘણું સહન કરવાનું આવશે. ન્યુક્લિયર વિખંડન પ્રમાણે પ્રક્રિયા શરૂ થઈ જાય છે તેવી રીતે કોવિડ-૧૯ ના બદલે વિશ્વને બેકારીથી માંડી ધનહાનિ અને જાનહાનિ તો થવાની જ છે. તેની સાથે સાથે જનમાનસ પર તેની જે છાપ પડશે તે પણ ચિંતાજનક છે. હાલના તબક્કે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી ને સૌથી મોટી ખોટ જોવા મળી રહી છે પણ ધીરે ધીરે તેનો વ્યાપ અન્ય ઔદ્યોગિક ઉત્પાદનો પર પણ પડશે અને મહાસત્તાઓના અર્થતંત્રની સાથે સાથે અદના આદમીનું બજેટ પણ ખોરવાઇ શકે તેમ છે. 

Tags :