મહારાષ્ટ્રમાં માઓકૂચ
મહારાષ્ટ્રમાં માઓવાદીઓ સતત આગળ વધી રહ્યા છે અને મહારાષ્ટ્ર સરકારનું એના પર કોઈ નિયંત્રણ નથી. પૂર્વ મહારાષ્ટ્ર તો લગભગ નકસલવાદીઓના સંપૂર્ણ ઘેરાવામાં આવી ગયું છે. આ જાન્યુઆરીમાં જ માઓવાદીઓએ ગઢચિરોલી વિસ્તારમાં એક પછી એક એમ આઠ આદિવાસીઓની ગોળી મારીને હત્યા નીપજાવી છે. છેલ્લા એક દાયકામાં મહારાષ્ટ્રમાં માઓવાદીઓએ ટૂંકા ગાળામાં કરેલી હત્યાનો આ સૌથી મોટો આંકડો છે.
આ ઘટનાઓને કારણે પૂર્વ મહારાષ્ટ્રના આદિવાસીઓમાં માઓવાદીઓ પ્રત્યે વેરભાવના પ્રગટી છે. પરંતુ માઓવાદીઓ વધુ હત્યાઓ કરવા માટે આદિવાસી વિસ્તારોમાં ધમકી આપતા બેનરો લગાડે છે, જેનાથી અંતરિયાળ વસતા લોકોમાં ભય પણ ફેલાવા લાગ્યો છે. જે નકસલવાદીઓએ અહીં હત્યાઓ કરી છે તેમણે પછીથી એમ જાહેર કર્યું છે કે અમે તો આ જે લોકો મહારાષ્ટ્ર પોલીસના બાતમીદાર હતા તેમની હત્યા કરી છે. નિર્દોષ આદિવાસીઓને મારવા એ અમારો હેતુ નથી.
આ માઓવાદીઓમાં મોટા ભાગના તો મહારાષ્ટ્રના સ્થાનિક વનવાસીઓ છે. પરંતુ તેમના કમાન્ડર તરીકે કર્ણાટક અને તામિલનાડુથી આવેલા ખતરનાક નકસલવાદીઓ છે. ઇ.સ. ૨૦૧૮માં આ માઓવાદીઓ શાંત પડી ગયા હતા, કારણ કે ત્યારે મહારાષ્ટ્ર પોલીસની આક્રમક ઝુંબેશ ચાલતી હતી અને દેખો ત્યાં ઠાર જેવા સંજોગો હતા.
વર્ષ ૨૦૧૮માં મહારાષ્ટ્ર પોલીસે કુલ ૫૦થી વધુ માઓવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. કેટલાક પોલીસ અધિકારીઓની બદલી થતા પૂર્વ મહારાષ્ટ્ર પરનો અંકુશ ઘટતા હવે સરકાર સામે નવી નકસલવાદી લડતના મંડાણ થયા છે. ગ્રામ વિસ્તારોમાં નકસલવાદીઓનો ફફડાટ છે અને એથી રાત્રે લોકો ખેતીવાડી માટે કામ પર જતા અચકાય છે.
એકલદોકલ રાહદારીને નકસલવાદીઓ માર્ગમાં જ લૂંટી લે છે. ગઢચિરોલી ઉપરાંત ચંદ્રપુર, ભંડારા, ગોન્દિયા અને યવતમાલ જિલ્લાઓના વિસ્તારમાં નકસલવાદીઓએ એક ભૂગર્ભ સેના તૈયાર કરેલી છે. ગઢચિરોલીમાંથી હમણાં જ અન્ય આઠ ગ્રામવાસી મરાઠાઓનું માઓવાદીઓએ અપહરણ કર્યું છે, જેમનો હજુ સુધી કોઈ પત્તો નથી. પશ્ચિમ મહારાષ્ટ્રમાં નકસલવાદીઓથી પ્રભાવિત તમામ વિસ્તારોમાં તા. ૩૧મી જાન્યુઆરીએ હડતાલનું એલાન આપવામાં આવ્યું હતું.
આ હડતાલ શા માટે હતી ? કેન્દ્ર સરકાર દ્વારા પશ્ચિમ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રીય ધોરિમાર્ગ સહિતની વિવિધ આંતરમાળખાકીય સવલતો માટેના બાંધકામની શરૂઆત થઈ રહી છે, જેનો માઓવાદીઓ ઘોર વિરોધ કરી રહ્યા છે. થોડા સમય પહેલા કસનાસુરમાં માઓવાદીઓએ રૂપિયા ત્રણ કરોડની કિંમતના વિવિધ વાહનો સળગાવી દીધા હતા.
માઓવાદીઓની મહારાષ્ટ્રમાં આગેકૂચના કારણો પણ રસપ્રદ છે. છાને પગલે આ માઓવાદીઓએ મહારાષ્ટ્રના કેટલાક રાજનેતાઓના ઘર સુધી પહોંચવાનો માર્ગ આપમેળે કંડારી લીધો છે. આમ પણ નકસલવાદીઓની એ પરંપરા છે કે રાજકારણમાં ફૂલાતી ફાંદ લઈને ફરતા ક્રિમિનલોની કરમકુંડળી તે પહેલા ઓળખી લે છે અને પછી જાણે કે પોતે 'ધંધા ભાઈ' હોય એ રીતે એવા નેતાઓ સાથે સેટિંગ ગોઠવી લે છે.
આ માઓવાદીઓને મહારાષ્ટ્રના કેટલાક બુદ્ધિજીવીઓનું પ્રોત્સાહન પણ છે. ગયા વરસે ઓક્ટોબરમાં ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી) પક્ષે નેતા ગણપતિને ખસેડીને એ જગ્યાએ બસવરાજુની નિયુક્તિ કરી ત્યારથી હત્યકાંડ વધવા લાગ્યા છે. આજ સુધી જે નિર્દોષ નાગરિકોને માઓવાદીઓએ માર્યા છે તેઓ ખરેખર તો પોલીસના બાતમીદાર ન હતા.
કારણ કે પોલીસના બાતમીદાર હોય અને જો માર્યા જાય તો પોલીસ એ હકીકત સ્વીકારે છે અને એના પરિવારને ખાસ્સી આશ્વાસન રકમ આપવાની સરકારી યોજના પણ અમલમાં છે. બાતમીદારો નિશાન પર છે, પરંતુ માઓવાદીઓને હજુ તેઓ હાથ લાગ્યા નથી. હાલ ચાલતી હત્યાઓ અંધાધૂંધ છે અને માત્ર પોતાની હયાતી પુરવાર કરી ધાક બેસાડવાની પ્રક્રિયા છે.
મહારાષ્ટ્ર સરકારે કહેવાતા માઓવાદી સમર્થકો પર કાર્યવાહી કરવા માટે આ ફેબુ્રઆરીના આરંભે ગોવાની મેનેજમેન્ટ ઇન્સ્ટિટયૂટના પ્રોફેસર અને માનવાધિકાર કાર્યકર્તા મિ. તેલતુમ્બડેની ધરપકડ કરી હતી. પરંતુ પુનાની અદાલતે એમને મુક્તિ આપી અને સર્વોચ્ચ અદાલતે પણ કેટલીક રાહત આપી.
તો પણ તેઓ હજુ આશંકાના ઘેરાવામાં છે. એમના પર આક્ષેપ છે કે કોરેગાંવ- ભીમા હિંસાચારમાં તેમણે કથિત રીતે પ્રેરણાત્મક ભૂમિકા અદા કરી હતી. બુદ્ધિજીવીઓનું પીઠબળ માઓવાદીઓને મહારાષ્ટ્રમાં તેમની જાળ ફેલાવવામાં ઉપયોગી નીવડે છે.
મુંબઈથી સોએક કિલોમીટરના અંતરે આવેલ પાલઘરમાં માઓવાદીઓએ એક બેનર લગાવીને એવી ઘોષણા કરી હતી કે આ માઓવાદી વિસ્તાર છે જેને ભારત સરકારથી મુક્તિ આપવામાં આવી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ જ્યારે પણ મોકો મળે ત્યારે નકસલવાદી ચળવળને ખત્મ કરવાની વાતો કરે છે, પરંતુ સમાંતર રીતે માઓવાદીઓની આગેકૂચ જોખમી રીતે જારી છે.