Get The App

બોરીસ જ્હોન્સનની વાપસી

Updated: Dec 19th, 2019

GS TEAM

Google News
Google News
બોરીસ જ્હોન્સનની વાપસી 1 - image


બ્રિટનની મુખ્ય ચૂંટણીમાં કંઝર્વેટિવ પાર્ટીને જંગી બહુમતથી જીતાડીને બ્રિટિશરો બ્રેકઝીટના સમર્થનમાં છે એવું બતાવી દીધું છે. બોરિસ જ્હોનસન ફરીથી વડાપ્રધાન બન્યા. હવે તેમણે સૌથી પહેલું કામ એ કરવું પડશે જેનું તેમણે આખા દેશને વચન આપેલું. બ્રિટનને યુરોપિયન સંઘથી અલગ કરવાનું પ્રોમિસ ભગીરથ છે અને બોરીસે એને પૂરું કરવું રહ્યું. 

ત્રણ વર્ષ પહેલાં બ્રેકઝીટ નિર્ગમન યોગ્ય છે કે નહીં એ મુદ્દે બ્રિટનમાં જનમત લેવામાં આવ્યો હતો. બાવન ટકા લોકોએ બ્રેકઝીટની તરફેણમાં મત આપ્યો હતો. કંઝર્વેેટિવ પાર્ટીના મુખ્ય એજેન્ડામાં બ્રેકઝીટ હતું. પરંતુ બ્રેકઝીટની યાત્રા સફળ રહી નથી. ગયા વર્ષે બ્રેકઝીટ મુદ્દે બ્રિટિશ સંસદમાં બહુ વિવાદો થયા હતા. તે સમયના વડાપ્રાન થેરેસા મે અને તેના અમુક મંત્રીઓએ રાજીનામુ આપવું પડેલું.

બોરિસ જ્હોનસન સામે મોટો પડકાર એ છે કે ૩૧ જાન્યુઆરી, ૨૦૨૦ સુધીમાં બ્રિટનને યુરોપિયન સંઘથી છૂટું કરી નાખવું. બોરિસ જ્હોનસને જ્યારે આ વર્ષે સત્તા સંભાળી ત્યારે તેમણે ૩૧ ઓક્ટોબર સુધીમાં બ્રેકઝીટનો તમામ ખેલ પાડી દેવાનું વચન આપ્યું હતું. પરંતુ સંસદમાં તેને પૂરતું સમર્થન ન મળતાં મામલો ગૂંચવાઈ ગયો હતો.

પછી બોરીસે રાજીનામુ આપવું પડેલું. આવી પરિસ્થિતિમાં બોરિસ કઇ રીતે સત્તાનું સુકાન સાંભળે છે એ જોવું રહ્યું. બ્રિટનમાં છેલ્લા પાંચ વર્ષમાં ત્રણ વખત ચૂંટણી થઈ અને દેશે ચાર પ્રધાનમંત્રીઓને જોયા. બધી ચૂંટણીઓનો મુખ્ય મુદ્દો બ્રેકઝીટ જ હતો જે ખૂબ ગાજયો હતો. પાછલી ચૂંટણી કરતા કન્ઝરવેટિવ પાર્ટીને સુડતાલીસ સીટો વધુ મળી. 

તેમણે જીતેલી કુલ બેઠકોનો સરવાળો ૩૬૫ થતો હતો. છેલ્લે ૧૯૮૭ માં માર્ગરેટ થેચરને ૩૫૭ બેઠકો મળી હતી. જ્યારે બીજી તરફ બીજી સાત પાર્ટીઓ અને મજૂર પક્ષે બ્રેકઝીટને રદ કરવાનો એજેન્ડા રાખેલો એમને કુલ ૨૧૭ બેઠકો જ મળી. એનો ચોખ્ખો અર્થ એ કે બ્રિટનને યુરોપ સાથે રહેવું નથી.

બહુમતી બ્રિટિશરોને છૂટું પડવું છે, ભલે ને એ કામમાં બહુ સમય જાય. બીજા વિશ્વયુદ્ધ પછી શિક્ષણ, વ્યાપાર અને નાગરિકતા બાબતે સરળતા લાવવા માટે વિકાસ કરવા માટે યુરોપિયન સંઘનું ગઠન થયું હતું. ૧૯૭૫ માં બ્રિટન તેમાં પ્રવેશ્યું હતું પણ તેને સંઘનો ભાગ બનવાનો કોઈ જ ફાયદો થયો ન હતો. 

યુરોપિયન સંઘની અમુક શરતો બ્રિટને માન્ય રાખવી પડતી હતી જે બ્રિટનનો વિકાસ અટકાવતી હતી. માટે બ્રિટનની નવી પેઢી પોતાના દેશને દરેક મુદ્દે સ્વતંત્ર રાખવા ચાહે છે. રોજગારી- આથક- તકનીકી કે સામાજિક અને સાંસ્કૃતિક મુદ્દે પણ બ્રિટન અલગ રહે તેવું બ્રિટિશરો ચાહે છે. પરંતુ બ્રિટન જો યુરોપિયન સંઘમાંથી નીકળી જાય તો તેનો બાકીના યુરોપ સાથેનો વેપાર કેટલો ટકે તે સવાલ છે. બ્રિટનની અર્થવ્યવસ્થા ઉપર બ્રેકઝીટને લઈને એક પ્રશ્નાર્થ ખડો થયો છે. તો યુરોપિયન સંઘ સામે બ્રિટન કેટલું ઝૂકે તે પણ બીજો સવાલ છે જે વધુ અગત્યનો છે. 

બ્રેકઝીટ થઈ ગયા પછી કેટલા મોટા પડકાર આવશે એ બોરિસ જ્હોનસન સારી રીતે જાણે છે અને સમજે છે. બોરિસ જોન્સનનું સતામાં અને શક્તિશાળી થઈને પાછું ફરવું એ ભારત માટે પણ સારો સંકેત છે. તેઓ ભારતના પાક્કા સમર્થક છે. થોડા મહિનાઓમાં બ્રિટનના પ્રમુખ વિપક્ષી દળોની લેબર પાર્ટીએ જે રીતે ભારત વિરોધી રવૈયો દાખવ્યો હતો, તેનાથી ભારત દેશ અસ્વસ્થ મહેસુસ કરી રહ્યો હતો. હવે બોરિસ જોન્સનનું સતામાં ફરીવાર આગમનથી ભારત-બ્રિટન વચ્ચે દરેક પ્રકારના વ્યાપક સહયોગના રસ્તાઓ બનવાની આશા ઊભી થઈ છે. 

બ્રેકઝીટ માટે જનમત લેવાયો ત્યારે ઓખા બ્રિટને કાળો દિવસ ઉજવેલો. આખો દેશ શોક-મગ્ન હતો પણ એ શોક ગુજરાતીનો નહીં અંગ્રેજીનો હતો. બધા બ્રિટિશરો આઘાતમાં હતા. બીજા વિશ્વયુદ્ધ પછી પહેલી વખત બ્રિટનમાં આવું ગંભીર વાતાવરણ સર્જાયું હતુઁ. એ જ અરસામાં લંડનની પ્રખ્યાત ઘડિયાળ બિગ બેન બંધ પડી હતી અને અગિયાર મહિનાનો સમય મરમ્મત માટે માંગતી હતી.

કુદરતનો સંકેત હોય કે શું એ ખ્યાલ નથી પણ એ સમયગાળાથી બ્રિટન માટે સમય જાણે અટકી ગયો છે. સમગ્ર બ્રિટન પાસે બ્રેકઝીટ સિવાય કોઈ મુદ્દો જ ન હોય એવું લાગ્યા કરે છે. આખો દેશ બ્રેકઝીટ-મય બની ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પના જોડિયા ભાઈ જેવા લાગતા બોરિસ જ્હોનસન ઉપર બધાને વિશ્વાસ ન હતો. છતાં પણ એ ધીમે ધીમે વિશ્વાસ કેળવી રહ્યા છે.

Tags :