પુરપ્રકોપ પીડિત કેરળ થરથર ધ્રુજે

ભીષણ કુદરતી આપત્તિઅને એમાં સરકારનું ડિઝાસ્ટર સંબંધિત મિસમેનેજમેન્ટ એમ બન્ને રીતે કેરાલિયન પ્રજા આસમાની અને સુલતાની સંકટનો સામનો કરી રહી છે. વડાપ્રધાન મોદીએ જાહેર કરેલું રૂ. 500 કરોડનું રાહત પેકેજ ઓછું પડે એટલી વિષમ પરિસ્થિતિ છે.
જો કે, દેશના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓએ કેરળની વર્ષા અને પુરપ્રકોપ પીડિત પ્રજા માટે વિવિધ રાહતનિધિ જાહેર કરેલી છે. વિરોધ પક્ષોએ કેરળના સંકટને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવાની રજૂઆત કરી છે, એ જાહેર થાય કે ન થાય, કેરળની પ્રજા એક તો દુઃખી હતી અને હવે વરસાદી વિનાશના સપાટામાં ચારેબાજુથી ઘેરાઈ ગયેલી છે.
છેલ્લા કેટલાક દિવસથી કેરળની પ્રજા રાતભર જાગી રહી છે, કારણ કે પાણી ક્યારે ધસમસતા ઘરમાં પ્રવેશી જાય એ નક્કી નથી. અનેક લોકો તણાઈ ગયા તેમાં કેટલાક તો નિચાણવાળા વિસ્તારોમાં એકાએક જ આવેલા પાણીમાં શયનખંડમાં જ ડૂબી ગયેલાના કિસ્સાઓ દક્ષિણ ભારતના પ્રાદેશિક દૈનિકોએ રજૂ કરેલા છે.
કેરળના આ વખતના પ્રલયકારી સંજોગો સામે લડવા માટે મલયાલમ ભાષાના ઉપકારક અને સહાયકારી મેસેજિસનો પણ સદ્ભાગ્યે પ્રલય થયેલો છે. એને કારણે કેરળના મુખ્ય શહેરોમાં રાહત સામગ્રી માટેના અઢળક કલેક્શન સેન્ટરો ખોલવામાં આવ્યા છે જેનું સંચાલન વિવિધ એનજીઓ અને કેટલાક ફિલ્મ કલાકારો કરી રહ્યા છે. થિરુવનન્તપુરમમાં તો સંખ્યાબંધયુવક- યુવતીઓ રાહત સામગ્રીને પીડિતો સુધી પહોંચાડવાના કામે લાગેલા જોવા મળે છે.
કેરળમાં થયેલી નુકસાનીનો પ્રાથમિક અંદાજ વીસ હજાર કરોડ રૂપિયા સુધી પહોંચ્યો છે. લાખો લોકોનું સ્થળાંતર થયું છે અને તેમાંના મોટા ભાગના બેઘર બની ગયેલા છે.
સમગ્ર આપદાની ગંભીર બાબત એ છે કે નાગરિકોને સમયસર ચેતવણી આપવામાં રાજ્ય સરકાર, કેન્દ્ર અને દેશનું હવામાન ખાતું થાપ ખાઈ ગયું છે. અનેક પીડિતોએ તેમના ઑનએર ઇન્ટરવ્યૂમાં સ્પષ્ટ કહ્યું છે કે, સરકારે અમને જાણ જ કરી નથી કે આવો ભીષણ પ્રલય આવી રહ્યો છે.
યુ.એ.ઇ. સરકારે પોતાને ત્યાં રહેલા કેરાલિયન કામદારો પરત્વેની અનુકંપાથી કેરળ માટે સહાય નિધિ જાહેર કરી પછી એ હોડમાં આપણા જુદા જુદા મુખ્યમંત્રીઓ એકાએક જાગીને પોતાના રાજ્ય તરફથી જાહેરાતો કરવા લાગ્યા. કેરળની પુરગ્રસ્ત પ્રજા માટે આ એક કાયમ યાદ રહી જનારો ભારે દુઃખદ અનુભવ છે કે તેમની મદદે પહોંચવામાં ભારત સરકારે વિલંબ કર્યો.
કુદરતી આપદા કંઈ ટાળી, ટળી શકે નહિ. આવી આપત્તિઓનો જ આ યુગ છે અને દુનિયાના નાના- મોટા અનેક દેશો આ પ્રકારના સંકટોમાંથી પસાર થતા રહે છે, પરંતુ છેલ્લા થોડાક જ વરસનો ઇતિહાસ જુઓ તો ખ્યાલ આવશે કે મૃત્યુઆંક ઉપર તે દેશોની સરકારનો સખત અંકુશ છે અને મોટામાં મોટી આપત્તિ તેઓએ નજીવી જાનહાનિથી પસાર કરી આપેલી છે.