રોજગારનું ધનોત-પનોત .
દેશની મૂળભૂત સમસ્યાઓથી પ્રજામાનસના વહાણને દૂર દૂર લઇ જવા માટે આજકાલ વડાપ્રધાન મોદીની વાણીનો જે સ્વૈરવિહાર ચાલે છે તે દેશ આખો સરવા કાને સાંભળી રહ્યો છે. લોકો ભાજપને કોંગ્રેસને કે પ્રાદેશિક પક્ષોમાંથી કોઇને પણ મત આપે, પરંતુ મૂળભૂત પ્રશ્નો વિસ્મૃત થવા શક્ય નથી, કારણ કે લાખો લોકોની જિંદગી છેલ્લા પાંચ વરસમાં બરાબરની ઠેબે ચડી ગયેલી છે.
એક જમાનો હતો કે દેશના ટોચના નેતાઓ જ્યાં જાહેરસભા યોજે ત્યાં વિજય-પરાજયના ગણિત પલટાઈ જતા હતા. પરંતુ આ વખતે તો વડાપ્રધાનની દરેક સભાએ નોટબંધી અને જીએસટીના સ્મરણો સહિતના આઘાત તરોતાજા કરી આપ્યા છે. માત્ર ગુજરાત નહિ, દેશભરના ગ્રામ વિસ્તારો કેન્દ્રીય શાસક પક્ષથી વિમુખ ચાલી રહ્યા છે. જેમ જેમ કેન્દ્ર સરકાર બેરોજગારીનું વાસ્તવ છુપાવવા મથામણ કરે છે તેમ તેમ વિવિધ માર્ગે એની વાસ્તવિક્તાઓ અવારનવાર છતી થતી રહે છે.
આ સપ્તાહે બેંગ્લોરની અઝિમ પ્રેમજી યુનિવર્સિટીના એક ઉચ્ચ શિક્ષણ ભવન દ્વારા જાહેર થયેલા 'સ્ટેટ ઓફ વર્કિંગ ઇન્ડિયા-૨૦૧૯'નામક અહેવાલે ખરે સમય ફરી સનસનાટી મચાવીને બેરોજગારીની વિશેષ હકીકતો પ્રજાના અને સરકારના ધ્યાન પર મૂકી છે. આ નવા અહેવાલ પ્રમાણે નોટબંધી પછીના વીતેલા બે વરસમાં માત્ર અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનારા પચાસ લાખ લોકોએ પોતાની નોકરી ગુમાવી છે.
જો કે અગાઉ અન્ય અર્થશાસ્ત્રીઓએ કરેલી જાહેરાત પ્રમાણે તો દોઢ કરોડ લોકોએ પોતાની રોજગારી પાછલા બે વરસ દરમિયાન ગુમાવી છે. અઝિમ પ્રેમજી યુનિવર્સિટીનો આ તટસ્થ અહેવાલ કહે છે કે ભલે કદાચ વધુ કેટલાક નવા લોકોને નવી નોકરી બીજે ક્યાંક મળી પણ હોય, એનો ઇન્કાર નથી, પરંતુ નોટબંધી પછી જેમની જિંદગી રોજબરોજની સુખદાયી ઘટમાળમાં ચાલતી હતી તે વિચ્છિન્ન થઇ ગઇ અને કુલ પચાસ લાખ લોકોએ પોતાની માસિક આવક સંપૂર્ણ ગુમાવી છે.
ભાજપની સૌથી મોટી તકલીફ એ છે કે દેશની કોઈપણ સમસ્યાની વાત કરો તો એને એ પોતાના પક્ષ પરનો હુમલો માની લે છે અને તુરત જ સત્યનો પ્રતિકાર કરવાના ધમપછાડા શરૂ કરી દે છે. જો કે એનાથી હકીકતો બદલાતી નથી. જ્યાં સુધી જનસામાન્યનો અનુભવ દુઃખદ હોય ત્યાં સુધી દુનિયાના કોઈ પણ શાસનને સુશાસન કહેવાય નહિ. નોટબંધીને કારણે ભારતીય રોજગારીનું જે ચિત્ર હતું તેનું તો ધનોત-પનોત નીકળી ગયું છે.
કદાચ વચન પ્રમાણેની નવી રોજગારી વડાપ્રધાન ન આપી શક્યા એ તો ઠીક પણ જે હતી, તેમાં પણ લાખો નોકરીઓના ગાબડાં પડયા. છેલ્લા છ મહિનાથી કેન્દ્ર સરકારના જ મુખ્ય અંકશાસ્ત્રીય સર્વેક્ષણ કાર્યાલય પાસે તૈયાર થઇને પડેલા બેરોજગારીના આંકડાઓનો વિવાદ બહુ ચકડોળે ચડેલો છે. એ સરકારે છુપાવેલા આંકડાઓ જાહેર પણ થઇ ગયા છે, છતાં એક પણ વખત કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે એ આંકડાઓ જાહેર કર્યા નથી.
ડેટાના યુગમાં ડેટા છુપાવવાની ચાલાકી સરકારેકરી, પણ ચાલી નહિ. ડેટા તો પ્રગટ થઇ ગયા પરંતુ આંતરરાષ્ટ્રીય ફલક પર કેન્દ્ર સરકારના અન્ય તમામ ડેટા સામે એક નવો પ્રશ્નાર્થ ઊભો થયો. પોતાની પ્રતિષ્ઠા બચાવવા જતાં દેશની પ્રતિષ્ઠાને ભાજપે ઘસરકો પહોંચાડયો હોય તેવા એક શોધો તો એકાવન દ્રષ્ટાન્તો મળે એમ છે, જે પણ એક પ્રકારનું અલગ જ ભાજપકૃત ધનોત-પનોત પ્રકરણ છે જેમાં અનેક સ્વાયત્ત સંસ્થાઓને લાગેલા ગ્રહણનો લાંબો સિલસિલો છે.
નવાઈની વાત એ છે કે વડાપ્રધાન મોદી સહિતના ભાજપના નેતાઓ તેમના ચૂંટણી પ્રવાસો અને પ્રયાસોમાં સતત બેરોજગારીની સમસ્યાની ઘોર ઉપેક્ષા કરે છે. તેઓ નવયુવાનોને ડરતા ડરતા ટ્વીટ કરે છે કે મત આપવા જરૂર જાઓ. દેશમાં બેરોજગારીનો દર ૬.૧ ટકા આંકવામાં આવ્યો છે જે છેલ્લા ૪૫ વરસમાં સર્વોચ્ચ છે. નીતિ આયોગના દોઢ ડાહ્યા અધ્યક્ષ કે જેમના પોતાના કામકાજનું ઠેકાણું નથી તેઓ રાષ્ટ્રીય સાંખ્યિકી આયોગમાં હસ્તક્ષેપ કરવા આવ્યા અને અકારણ જ બકબક કરીને કહ્યું કે આ ૬.૧ ટકાનો બેકારીદર કંઇ આખરી નથી.
રોજગારીનું નિર્માણ કરવા માટે એટલે કે નવી તકો ઊભી કરવા માટે ઉત્પાદન ક્ષેત્રની પ્રમુખ જવાબદારી હોય છે પરંતુ કેન્દ્રની નીતિએ દેશના લાખો યુનિટોના ચક્રો થંભાવી દીધા છે. દેશમાં નાના અને મધ્યમ કદના ઉદ્યોગોનું પણ છેલ્લા પાંચ વરસમાં ધનોત-પનોત નીકળી ગયું છે. ચૂંટણીસભામાં વડાપ્રધાને રમત રમતમાં ભારે રહસ્યમય વિધાનનો ઉચ્ચાર કર્યો કે ભૂલથી બીજું બટન દબાવશો તો ધનોત પનોત નીકળી જશે ! કોનું ધનોત પનોત એની સ્પષ્ટતા કરવાની તેમણે બાકી રાખી, એટલી તેમણે ભવિષ્યના ગર્ભમાં છુપાયેલા પરિણામની મરજાદ જાળવી એમ માની લઈએ !
ખરેખર તો બેરોજગારીની સમસ્યા જેવી છે તેવી એનો વડાપ્રધાન સહિતના પ્રધાન મંડળે એકરાર કરવો જોઈએ. પછી એના ઉકેલની સર્વ દિશાઓનો ઊઘાડ થાય. તમે દર્દની જ કબૂલાત ન કરો તો એની ઔષધિ કોણ શોધી આપે ? એનડીએ સરકારે કરેલા અનેક છબરડાઓના મૂળમાં તેમની એક માન્યતા કામ કરે છે કે પ્રજાને ક્યાં કંઈ ભાન છે ? દેશના નાગરિક સમુદાયને અનેક બાબતોમાં અન્ડર એસ્ટિમેટ કરીને તેમણે સરકાર ચલાવી છે, પરંતુ હવેના નાગરિકો તો બહુ જ અપડેટ રહેતા હોય છે અને મનુષ્યનો સ્વભાવ છે કે એને વારંવાર બેવકૂફ બનાવી શકાય નહિ.