Get The App

ખેતીના બહાને કરચોરી .

Updated: Sep 18th, 2018

GS TEAM

Google News
Google News
ખેતીના બહાને કરચોરી                                            . 1 - image

કેન્દ્રની એનડીએ સરકારે એના આ વખતના પ્રારંભિક સત્તાકાળે દેશના વિરાટ કૃષિક્ષેત્ર પર આવકવેરો દાખલ કરવાનો તરંગો વહેતા કર્યા હતા પરંતુ તેના ત્વરિત ઘેરા પ્રત્યાઘાત પડતા સરકારે ફેરવી તોળીને એવી સ્વબચાવ સ્પષ્ટતા કરી હતી કે ખેતીની આવક પર કોઇ ટેક્સ લેવાનો આ સરકારનો ઇરાદો નથી, હવે કેન્દ્ર સરકાર ફરીવાર ખેતીની આવકના બહાને પોતાના અન્ય વ્યાપાર- ઉદ્યોગની આવકને છુપાવતા મથતા લોકો માટે નવી ફોર્મ્યુલા લાવવાનો બૌદ્ધિક વ્યાયામ કરવા લાગી છે.

ખેડૂતો દ્વારા જે ખેત ઉત્પાદનો માર્કેટ યાર્ડમાં વેચાય છે તેનું ઇ-લિકિંગ કરીને મૂલ્યાંકન કરવામાં આવશે જો વેપારી દ્વારા ચૂકવાતા નાણાંને પણ લિંકમાં રાખશે, આથી ખરેખર જ જેટલા ઉત્પાદનો વેચાયા હોય એની આવકથી અન્ય અધિક આવકને અન્ડરલાઇન કરી શકાય.

જો કે આ પ્રક્રિયા ઘણી સંકુલ છે અને એક સમગ્ર પ્રણાલિકા તૈયાર થતા હજુ સમય લાગશે. કેન્દ્ર સરકાર એમ માને છે કે ખેતીની આડમાં અનેક શ્રીમંતો કે જેમાં ફિલ્મ કલાકારો, રાજનેતાઓ અને નાના-મોટા ઉદ્યોગપતિઓ પણ સમાવિષ્ટ છે તેઓ તેમણે ઇતર આવકમાંથી ચૂકવવાના થતા આવકવેરામાંથી આબાદ છટકી જાય છે, પરંતુ ભવિષ્યમાં છટકી નહીં શકે.

આઝાદી પહેલાના સમયમાં ભારત એક કૃષિપ્રધાન અર્થતંત્ર ધરાવતો દેશ હતો. ઇ.સ. ૧૯૫૦-૫૧માં કૃષિક્ષેત્રનું દેશના કુલ વિકાસદરમાં યોગદાન ૫૫ ટકાથી વધુ હતુ. પરંતુ આઝાદી પછી બ્રિટન, અમેરિકા અને જાપાન - જર્મનીના ઔદ્યોગિકરણની સફળતાથી અંજાઇ જઇને ભારતે બીજી પંચવર્ષીય યોજનામાં ઔદ્યોગિક ક્ષેત્રને ભારતીય અર્થ વ્યવસ્થાના પ્રમુખ પ્રેરકબળ તરીકે જાહેર કર્યું.

ઔદ્યોગિક વિકાસ પર સખત ધ્યાન આપવામાં આવ્યું અને દેશની ઉદ્યોગનીતિ જ આર્થિક નીતિનો પર્યાય બની ગઇ. પરંતુ જે દેશમાં સિત્તેર ટકા જનસંખ્યા કૃષિ ક્ષેત્ર પર નિર્ભર હોય ત્યાં ખેતીવાડીની ઉપેક્ષા કરીને ઔદ્યોગિક વિકાસ એકલવાયો હાંસલ ન થઇ શકે. સરકારને જ્ઞાાન થયું ત્યારે ઇ.સ. ૨૦૦૨નું વર્ષ હતું ત્યારે ફરી કૃષિક્ષેત્રને ભારતીય અર્થવ્યવસ્થાનું મુખ્ય પ્રેરકબળ ઘોષિત કરવામાં આવ્યું.

આપણા દેશમાં કૃષિને દેશના અર્થતંત્ર સાથે સીધો અને અધિક સંબંધ છે. કૃષિક્ષેત્રના ઉત્પાદનોમાં જો દસ ટકા અભિવૃદ્ધિ થાય તો તેના પરિણામ સ્વરૂપે ઉદ્યોગોમાં પાંચ ટકા અને રાષ્ટ્રીય આવકમાં દસ ટકાનો વધારો થાય છે. આ કારણસર સરકાર ખેતી માટે ઉપકારક અને પ્રોત્સાહક નીતિ અપનાવે છે.

ઉપરાંત, ભૂમિવિહોણા લોકો, નાના અને સીમાંત ખાતેદારો તથા અન્ય મજૂરીએ ખેતી સંભાળતા લોકો આર્થિક રીતે સશક્ત બને અને તેમનું જીવન ધોરણ ઊંચુ આવે તે હેતુથી સરકારે કૃષિક્ષેત્રને આવકવેરામાંથી મુક્તિ આપી છે. પરંતુ હવે સરકાર એ બાબત અંગે સભાન બની છે કે જેઓના લાભ માટે કરવેરામાંથી મુક્તિ આપવામાં આવી છે એ લાભ માત્ર મુઠ્ઠીભર ઔદ્યોગિક સાહસ કરનારા ખેડૂતો જ લઇ રહ્યા છે અને પોતાની કૃષિ સિવાયની ઊંચી આવકોને છુપાવવા માટે કરમુક્તિનો ઢાલની જેમ ઉપયોગ કરી રહ્યા છે.

કેન્દ્રના નાણાં પ્રધાન અરૂણ જેટલી કે જેઓ આર્થિક બાબતોમાં દેશના તમામ ક્ષેત્રોને પૂરેપૂરું કષ્ટ આપી ચૂક્યા છે તેમને કદાચ એવો અફસોસ ન રહી જાય કે કૃષિક્ષેત્રને કષ્ટ આપવાનું બાકી રહ્યું એટલે તેઓએ આજકાલ કૃષિઆવક પરના ગહન અભ્યાસ પર અધિકારીઓનો મોટો કાફલો કામે લગાડીને મંત્રાલયમાં ભારે ઉત્પાત મચાવ્યો છે. તેના પરિણામ સ્વરૂપ કોઇ નવી નીતિ ઘડવાનો તેમની પાસે હવે સમય રહે છે કે નહિ, એ તો રામ જાણે!

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિઝ, એટલે કે કેન્દ્રિય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ (સીબીડીટી)ના પૂર્વ અધ્યક્ષ દ્વારા હમણાં જાહેર થયેલી વિગતો પ્રમાણે હવે આ બોર્ડ દ્વારા એવા ખેડૂતોની અલગ યાદી તૈયાર કરવામાં આવી રહી છે જેઓ વરસે રૂપિયા એક કરોડથી વધુ ચોખ્ખી આવક ધરાવે છે. આ આંકડાઓનો રેકોર્ડ આવકવેરા ખાતા પાસે છે જ, કારણ કે એવા ખેડૂતોએ ખેતીની આવક તરીકે જ રૂપિયા એક કરોડથી વધુની આવક પર કરમુક્તિ મેળવેલી છે.

નાણાં મંત્રાલય અને આવકવેરા ખાતા એમ બંનેના અધિકારીઓ પ્રાપ્ત ડેટાના વિશ્લેષણમાંથી કેટલાક હવાલા કૌભાંડો શોધી લેવાનો પણ ખ્યાલ ધરાવે છે અને મંત્રાલયના વર્તુળોના કહેવા પ્રમાણે તેમને પ્રારંભિક સફળતા મળી છે. આ પ્રકારની કરમુક્તિ લઇને આચરવામાં આવતા હવાલા કૌભાંડ અંગે પટણા હાઇકોર્ટમાં એક લોકહિતની અરજી પણ કરવામાં આવી છે જેની સુનાવણી નજીકના દિવસોમાં થવા સંભવ છે.

કિસાનોને આપવામાં આવતી આવકવેરા મુક્તિનો લાભ, કરચોરી, કાળા નાણાં અને હવાલા માટે કરવામાં આવે છે તેવી માન્યતા સાથે કેન્દ્ર સરકારના અધિકારીઓ એક નવી પ્રણાલિકા ઘડવાનો વ્યાયામ કરી રહ્યા છે.

આ પ્રકારની નીતિ દાખલ કરવાથી કૃષિક્ષેત્રનો દુરુપયોગ થવાના કિસ્સાઓ ઘટશે અને કૃષિ આધારિત પાછળ રહી ગયેલા સમાજને એના આર્થિક લાભો વિશેષ મળતા થશે એમ નાણાં મંત્રાલય માને છે. ગુજરાત રાજ્યના એક ઉચ્ચ આવકવેરા અધિકારીના અભિપ્રાય પ્રમાણે આપણા રાજ્યમાં ખેડા, આણંદ, નડિયાદ અને સુરતમાં કૃષિ આવકની આડમાં પારાવાર હવાલા કૌભાંડો બહાર આવવાની શક્યતા છે.

Tags :