રવી મોસમની જમાવટ .
ચોમાસુ મેઘમોસમ છે, એમાં રવિ એટલે કે સૂરજ નારાયણને પૃથ્વી પર અતિથિની જેમ ઉતાવળે અને અચાનક જ આવવાનું હોય છે. આપણું આકાશ સૂર્ય માટે ખુલ્લું હોતું નથી. વાદળોના નભછત્રથી ઘેરાયેલું હોય છે. એ ચાતુર્માસની વિદાય પછી સૂરજના કિરણો કૂણા અને મીઠાં થવા લાગે છે. તડકો સોનેરી બની જાય છે. આ વરસે શિયાળો વિલંબિત છે.
ઉત્તર ભારતમાં શીતકાળના પગરણ થતાં હવે સમગ્ર ગુજરાતમાં રવિ મોસમની શરૂઆત થઈ છે. છેલ્લા એક દાયકામાં પહેલીવાર રવિપાકની વાવણી આટલી મોડી પડી છે. પંજાબમાં ઘઉંના વાવેતરની હવે શરૂઆત થઈ છે. તુઓનું ચક્ર બદલાઈ રહ્યું છે તેનો એક વધુ સંકેત આ વખતે એ મળ્યો કે કાશ્મીરમાં બરફ વર્ષા થાય એના ત્રીજા દિવસે ગુજરાત ઠંડીમાં થરથર કાંપતુ હોય પરંતુ ગયા સપ્તાહે એવું થયું નહિ.
હમણાં બે દિવસથી પવનની દિશાએ પલટો માર્યો છે એટલે હવે અસલ હેમંત તુની ખુશનુમા હવાની લહેર શરૂ થઈ છે. આમ તો છેલ્લા એક મહિનાથી રવિ મોસમના વાવેતર શરૂ થયા છે. પરંતુ બહુ ઓછા. હવે આ છેલ્લો વરસાદ ગયો પછી ખેડૂતોને નિંરાતનો અનુભવ થતાં આજકાલ ઘઉંના વાવેતરનો સીમમાં ધમધમાટ છે. શિયાળુ પાકને બહુ પાણીની જરૂર રહેતી નથી.
છતાં કોઈ છ-આઠ વાર તો કોઈ દસ વાર પાકને પાણી પાય છે. ગુજરાતમાં એને પાણ કહેવાય છે. ઘઉંને ઓછા પાણ મળે તો દાણો નાનો રહે છે અને ભાવ સારા આવતા નથી. ગયા ઓગસ્ટમાં વવાયેલી ડુંગળી અત્યારે બજારમાં આવવા લાગી છે અને એના ખેડૂતોને ઊંચા ભાવ મળી રહ્યા છે. એને કારણે કિસાનોનો એક વર્ગ ડુંગળી તરફ પણ આકર્ષાયેલો છે. આ વખતે કેટલાક ખેડૂતોએ ડુંગળી વાવણી કરી છે ને હજુ વધુ કરશે.
તો પણ સરેરાશ સૌથી વધુ વાવેતર તો ઘઉંનું જ રહેશે. હવે ખેડૂતો ઉઘાડ નીકળતા અને વાદળાઓ સંપૂર્ણ વિખરાતા વરસાદ અને આગાહીઓ એ બન્ને ત્રાસમાંથી મુક્ત થયા છે એટલે આગામી બે-ચાર દિવસમાં તો રવિ મોસમની વાવણીનું કામ પૂરું થઇ જશે. ગુજરાતમાં આ વખતે ભરપુર જળ ભંડાર છે. નર્મદા ડેમ પણ છલક-છાલક છે. ઉપરાંત કૂવાઓ, ચેકડેમ અને તળાવ પણ ભરેલા છે.
સારા વરસાદને કારણે જમીનમાં ભેજ પણ પૂરતો છે. ઝાકળના પાણી તો ઘઉં માટે અમૃત સમાન છે. વહેલી સવારના ધુમમ્સમાંથી ખેતરોના ઊભા થનારા રવિપાકને એ પરિપોષણ પણ મળી રહેશે. આ વખતે કપાસનો ઉતાર સારો આવી રહ્યો છે. એ વાત ખરી છે કે જ્યાં કુદરત વિફરી છે એવા કેટલાક ખેડૂતોનો પાક માવઠામાં ભીંજાઈ જતા લાખોનું નુકસાન ગયું છે.
ચોમાસું માંડવીના ઢગ પણ પલળી ગયેલા છે. પરંતુ જેઓ બચી ગયા છે તેમનું વરસ સોનાનું થઈ જવાનું છે. કપાસ હજુ પણ ભીંજાયેલો હોય એ ખેડૂતોને ઉતાર લેતા વાર લાગશે ઉપરાંત એમણે ઊભા કપાસને કારણે રવિ પાક લેવાનો જતો કરવો પડશે. આ એક વિશિષ્ટ પ્રકારનું કૃષિ વરસ છે.
જો નિર્ણય લેવામાં ખેડૂતો ઉતાવળા થાય કે એમનાથી ખોટો નિર્ણય લેવાઈ જાય તો ઉંબરા સુધી આવેલી મહાલક્ષ્મી પાછી ફરી જવાનું જોખમ છે. ભાલ પંથકમાં અત્યારે ઘઉંનો પાક જ મુખ્ય છે પણ હવે ત્યાં બધા ઘઉં પિયત સહિતના છે. એક જમાનામાં આ ભાલ પંથકમાં છાશિયા ઘઉં થતા. છાશિયા એટલે ચોમાસુ જાય પછી એક વાર ઘઉં ખેડૂતો વાવે પછી એને એક પણ વાર પાણી ન પાય. એટલે એ ઘઉંને કદાચ માવઠાંનો લાભ મળે તો મળે.
પણ એ ભાલના ઘઉં જમીનના ગત વરસાદના ભેજ અને રસકસ ચૂસીને પાકે. એને કારણે એમાં એટલું બધું માધુર્ય હતું કે એના પર જ ભાલ પંથકની કીત ચોમેર ફેલાઈ ગઈ. એક જમાનામાં લોકો ભાલના ઘઉં માટે એટલે જ ઘેલા હતા. તે સમયે એ દાણો નાનો અને કરચલીવાળો હતો અને એ જ એની ઓળખ હતી.
કાઠિયાવાડમાં રાજુલા-ડુંગર પંથકને બાબરિયાવાડ કહેવાય છે. આ બાબરિયાવાડનો બાજરો ઓછા પાણીને કારણે જ વખણાય છે. વડાપ્રધાન મોદી ગુજરાતમાં હતા ત્યાં સુધી તો આ બાબરિયાવાડનો બાજરો જ આરોગતા હતા. હવે તેઓ તેમના નિત્યના ભોજનથાળમાં ગુજરાતના અથાણાં જ આરોગે છે. આમ પણ એમના મનના થાળમાં ગુજરાતનું સ્થાન હવે અથાણાં જેટલું જ રહ્યું છે.
ખેડૂતો હજુ પણ પારકા ભરોસે ખેતી કરે છે. તેઓ જમીન માલિક અથવા ખેતીના વહીવટદાર બની ગયા છે. મહારાષ્ટ્રમાં આવું નથી. મહારાષ્ટ્રના કોઈ પણ ખેતરમાં તમે જાઓ તો માલિક ખેડૂત પરિવારના બે-ત્રણ સભ્ય તો ખેતમજૂરો સાથે કામે લાગેલા હોય છે. જાત મહેનતની ખેતી જે પરિણામ આપે એ બીજી કોઈ રીતે ન મળે. આપણે ત્યાં બીજાઓને ટકાવારીથી ખેતરો આપી દેવાય છે. જેને ખેતી ભાગવી આપી કહેવાય છે. આવડે તો ખેતી નહિતર ફજેતી એમ કહેવત લોકાનુભવે જ પડી છે અને કેટલાક લોકોએ પોતાની ફજેતીનો જાતે જ નિર્ણય લીધેલો છે.