Get The App

દલિતોના સ્વચ્છતા બલિદાન

Updated: Jun 18th, 2019

GS TEAM

Google News
Google News
દલિતોના સ્વચ્છતા બલિદાન 1 - image



સફાઈ કામ દલિતોએ જ કરવું એવો તો કોઈ નિયમ નથી છતાં કેટલાક દલિતો હજુ એ કામ ખરા દિલથી કરે છે. સોશ્યલ મીડિયામાં આજકાલ એક વાત વાયરલ છે જેમાં બાળક એની મમ્મીને કહે છે કે મમ્મી, કચરાવાલા આયા. એના જવાબમાં એની મમ્મી કહે છે કે યે તો સ્વચ્છતા વાલા હૈ બેટા, કચરેવાલે તો હમ હૈ. આ સમાજનો બદલાયેલો અભિગમ છે. એ સમજ વિકસવી જરૂરી છે કે આપણે સફાઈ કામદારોના કેટલા આભારી છીએ. 

દેશમાં જોરશોરથી સ્વચ્છતા અભિયાન ચાલ્યું અને હજુ ચાલે છે એને સમાંતર સ્વચ્છતા કર્મચારીઓ પરત્વે સન્માનની ભાવનાનું પણ અભિયાન ચાલવું જોઈએ. એ કામ શિક્ષકો, બુદ્ધિજીવીઓ અને જાહેર જીવનમાં પડેલા લોકોનું છે. દલિતોનો એક વર્ગ ચોક્કસ સરકારની વિવિધ યોજનાઓનો લાભાર્થી છે અને એમાંનો એક વર્ગ ચોક્કસ ઊંચો આવ્યો છે પણ એની ટકાવારી બહુ ઓછી છે. હજુ આ દેશમાં કરોડો દલિતો અને વંચિતો એવા છે જેને સહાનુભૂતિની જરૂર છે. તેઓ જિંદગીના એવા વિષચક્રમાં ફસાયેલા છે કે તેમને બદલાયેલી નવી ખુશનુમા જિંદગી સુધી પહોંચવા માટે સમાજના હૂંફાળા હાથની જરૂર છે. 

કેટલીક નવી ઘટનાઓને સ્વચ્છતા કર્મચારીઓની સલામતીના પ્રશ્નો પર ગંભીરતા પૂર્વક વિચારવાની તક ઊભી કરી છે. હમણાં આપણે ટયુશન ક્લાસના વિદ્યાર્થીઓની સલામતી અંગે ઘટના આધારિત ચર્ચાઓ કરી. આજકાલ પશ્ચિમ બંગાળમાં ડોક્ટરોની સલામતીની ચર્ચા સપ્તાહથી ચાલુ છે ને મમતા બેનરજી એમાં પોતાની સરકાર માંદી ન પડી જાય એની ચિંતામાં છે. તેમણે ડોક્ટરોની તમામ માંગણીઓ સ્વીકારી લીધી છે.

ઘટના આધારિત આવી જ એક સલામતીની પ્રાણઘાતક ચિંતા ગુજરાતમાં પણ સર્જાઈ છે જેની જાહેર ચર્ચા કરવામાં આવી નથી પણ જરૂરી છે. વડોદરા જિલ્લાના ડભોઈ પાસેના ફરતીકુઈ ગામે આવેલી એક હોટલમાં ખાળકૂવો સાફ કરવા ગટરમાં ઉતરેલા અને ગેસની ઝેરી અસરથી ગૂંગળાઈ જઈ મૃત્યુ પામેલા સાત સફાઈ કામદારોના મૃત્યુ માટે જવાબદાર કોણ ? અને આ કંઈ પહેલો બનાવ નથી.

પહેલી વાત તો એ છે કે ગટરમાં કે ખાળકૂવામાં જેમને ઉતારવામાં આવે છે એમની જિંદગીની સલામતીની ચિંતા એ સેવા લેનારાઓ કેમ કરતા નથી ? શા માટે ચોક્કસ સમુદાયના લોકોએ જ મોતના કૂવા જેવી આ ગટરોમાં ઉતરવું ? એમને ઓક્સિજન માસ્ક વગેરેની સુવિધાઓ કેમ આપવામાં આવતી નથી. આ સમગ્ર પ્રક્રિયા પર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું નિયમન કેમ નથી. ગટરમાં ઉતરવાથી આપણા રાજ્યમાં વરસ દરમિયાન અવારનવાર એકલ દોકલ જિંદગીની હાનિ તો થતી જ રહે છે. 

વડોદરામાં જિલ્લાની ઘટનામાં એક સાથે સાત વ્યક્તિ મૃત્યુ પામ્યા એની એ વિસ્તારના કલેક્ટર, ધારાસભ્ય કે સંસદ સભ્યને ખબર છે ખરી ? પૂરતી સલામતીની સુવિધા ન હોય તો શા માટે ગટરમાં ઉતરવું? સામાન્ય રીતે આ પ્રકારની ઘટનામાં દોષિત તો જાણે ઊંડે ઉતરનાર પોતે જ હોય એવો અભિગમ સરકારી અધિકારીઓ રાખતા હોય છે જ્યારે કે મૂળ અપરાધી તો એને ગટરોમાં ઉતારનાર અને એની સેવા લેનાર લોકો હોય છે.

એ લોકોનો વીમો ઉતરાવ્યા વિના આ જમાનામાં એમને મોતના ખેલમાં ઉતારાય ખરા ? દલિતોનો જે સમુદાય આ મહત્વના અને વિશિષ્ટ કપરા કાર્યને પોતાની માથે લે છે તેમણે પણ સ્વયં જાગૃત રહીને આવી જોખમી સેવા કરતા પહેલા સંપૂર્ણ સલામતી માટેના બધા જ સેફ્ટી પગલા લેવા જોઈએ. આવી દરેક ઘટનાના પડછાયા લાંબા હોય છે. આ માટે સરકારે કડક સલામતી નિયમનો દાખલ કરવા જોઈએ. એ જરૂરી નથી કે સમાજની દરેક સમસ્યાઓની અભિવ્યક્તિ આંદોલનાત્મક જ હોય. 

જીવનું જોખમ લઈને જેઓ એ ગટરમાં ઉતર્યા અને જિંદગીના સાવ અંતે પહોંચી ગયા તેમના પરિવારોની સ્થિતિ કેટલી તકલીફ વાળી હશે કે જેથી રોજીરોટી રળવા તેમણે આવડું મોટું જોખમ ખેડયું ? હવે એ પરિવારોના આંસુ કોણ લૂછે ? તેઓએ તો તેમનો આધારરૂપ મોભ ગુમાવ્યો છે.

આ ઘટના હવે પછી ગટર કે ખાળકૂવામાં ઉતરનારા અને એમની સેવા લઈને એમને ઊંડે ઉતારનારા સહુ માટે લાલબત્તી સમાન છે. જે સમાજ પોતાની સેવા કરતા કરતા જીવન સમપત કરનારા દિવંગત પ્રત્યેની પોતાની જવાબદારી વીસરી જાય છે એ સમાજ જલદી ઊંચે આવતો નથી. આવી ઘટનાઓ ફરી ન બને અને એક પણ જાનહાનિ આ રીતે ન થાય એ જોવાની જવાબદારી સહુની સહિયારી છે. 

Tags :