લગ્ન સમારંભ વિરુદ્ધ સરકાર
લગ્ન સમારંભોના દબદબા જોઇને દિલ્હીની રાજ્ય સરકારને કષ્ટ પડતું હોય એમ લાગે છે. એમને લાગતું હશે કે નેતાઓની સભાઓમાં તો લોકો કેવી હાલતમાં આવે છે, અને નવદંપતીના દર્શને તો સહુ સજધજ કરીને આવે છે.
આપણા દેશમાં સમારંભોના હજારો પ્રકારો છે. એમાં મુખ્ય છે ધર્મ સમારંભો, રાજકીય સભા-સમારંભો અને લગ્ન સમારંભો.
હવે જો સરકાર ખોટો ખર્ચ જ અટકાવવા ચાહે તો ધાર્મિક સમારંભો અને રાજકીય સમારંભો તરફ વધુ ધ્યાન આપવું જોઇએ. આ વાત ખરી છે કે આજકાલ દેશમાં અને તેમાંય ગુજરાતમાં લગ્ન સમારંભોના બજેટ બહુ ઊંચે જતા રહ્યા છે. એનું કારણ એ છે કે ગુજરાતી પ્રજાને મન લગ્ન એ જીવનની અને પરિવારની પ્રમુખ આધારશીલા છે.
ગુજરાતી પ્રજા એને બહુ મહત્ત્વ આપે છે પરંતુ ભારતીય પ્રજાના મનમાં એનો મહિમા કંઇ ઓછો નથી. દેશના અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાતી પ્રજા પર ત્રૈલોક્ય મોહિની લક્ષ્મીનો સ્નેહ અધિક છે એટલે સ્વાભાવિક છે કે ક્ષમતા અધિક હોય તે ઉત્સવને વિશેષ રીતે ઉજવે.
અરવિંદ કેજરીવાલની સરકારે આખા દેશને અસર થાય એ રીતે લગ્ન સમારંભો પર આંશિક અંકુશ મૂકવા માટે સર્વોચ્ચ અદાલતના દરવાજા ખખડાવ્યા છે. ધાર્મિક પરંપરાઓ પછી સામાજિક પ્રથાઓમાં પણ સર્વોચ્ચ અદાલતે હસ્તક્ષેપ કરવાનો પ્રસંગ આવે એ કંઇ યોગ્ય તો નથી જ.
કેજરીવાલ સરકારે સર્વોચ્ચ અદાલતને કહ્યું છે કે લગ્નમંગલ સમારંભોમાં મહેમાનોની સંખ્યા નિયત કરી આપો. આમાં ફટાકડાની જેમ જ થવાની સંભાવના છે. દિલ્હી રાજ્યના ચિફ સેક્રેટરી કુમાર દેવે અદાલતના આંગણે કરેલી રજૂઆતોના પરિણામે જસ્ટીસ મદન બી. લોકુરની ખંડપીઠે આગામી પાંચ-છ સપ્તાહમાં લગ્ન સમારંભોમાં અતિથિ નિયંત્રણ માટે પોલિસી તૈયાર કરી લાવવાનો આદેશ આપ્યો છે.
એ વાત ખરેખર સાચી છે કે સમારંભોના ઠાઠમાઠ જોઇને મોટા પાછળ નાના તણાઇ રહ્યા છે. પરંતુ આપણા સમાજમાં એવા પરિવારો પણ સંખ્યાબંધ છે કે જેઓ સંતાનોના લગ્ન સાદગીથી કરે છે અને સમારંભોના ખર્ચની બચેલી રકમ વરકન્યાના હાથમાં સોંપીને તેઓના દામ્પત્ય અને પારિવારિક જીવનને શુભકામના આપે છે.
આ ટ્રેન્ડ તબક્કાવાર મજબુત થતો જાય છે અને તે ઉચ્ચ મધ્યમથી શરૂ કરીને સાવ સામાન્ય પરિવારો સુધી સહુને રાહતરૂપ છે. આવી વાતો પણ સહુ કરે છે, પરંતુ તેઓના પોતાના ઘરે જ્યારે પ્રસંગ ાવે ત્યારે ઇવન લોન લઇને પણઆવી વાતો પણ લોકો ઠાઠમાઠને આધીન થઇ જાય છે.
આજકાલ લગ્ન સમારંભો દરેક પરિવારની હેસિયતથી દર્શાવવાનું માધ્યમ બની ગયા છે. એમાંય ગંભીર વાત એ છે કે લગ્ન સંબંધિત સમારંભોમાં જે રસોઇ કરેલી હોય તેમાંનો મોટો હિસ્સો તો પડયો રહે છે, કારણ કે ખાદ્ય પદાર્થો - વ્યંજનોની વેરાયટી જ એટલી વિશાળ રેન્જની હોય છે કે આસ્વાદપ્રિય ગુજરાતી ગુજરાતીઓ પત્રમ-પુષ્પમ્ એમ ચપટીક તો બધું જ પહેલા ચાખે છે અને એ અતિથિ દેવો પછી પોતાની પસંદગીના કાઉન્ટર નજીક સ્થાયી ભાવે મુખ્ય ભોજન પૂર્ણ કરે છે.
ગમે તેવી ઝાકઝમાળ હોય અને મહામૂલા પરિધાન હોય તોય પાર્ટી પ્લોટ કે હોટેલની લોનમાં ઘાસની બિછાત પર બેસીને શાહી ઠાઠથી ભોજન માણવામાં ગુજરાતીઓનો આ જગતમાં જોટો જડે એમ નથી. કોટ-પેન્ટ-ટાઇ હોય તોય શું પલાંઠી વાળવાની કુનેહને કારણે જ ગુજરાતમાં ની-રિપ્લેસમેન્ટની મેડિકલ માર્કેટ મંદીમાં ચાલે છે.
જેઓ લગ્ન સમારંભોમાં જાતે જ પોતાનો થાળ તૈયાર કરે છે તેઓ જાતે જ પછી તેમાં ઘણી બધી સામગ્રી પડતી મૂકે છે. એટલે કે ભોજન સામગ્રી પસંદ કરતી વેળાની બુદ્ધિ, જીભ અને પેટ ત્રણેય વચ્ચે તાલમેલનો ઘોર અભાવ છે. એ હકીકત છે કે દેશમાં આ પ્રકારના સમારંભોમાં લાખો રૂપિયાના ધન અને ધાન્ય બન્ને વેડફાઇ જાય છે.
દેશમાં ઓગણીસ કરોડ લોકો એવા છે જેમને ખબર નથી કે આજનું ભોજન ક્યારે મળશે અથવા તો નહિ મળે. લગ્ન સમારંભનો આ વેડફાટ ચિંતાનો વિષય છે, પરંતુ એ સમાજનો પોતાનો પ્રશ્ન છે, સામાજિક સમારંભોમાં સરકાર જો હસ્તક્ષેપ કરશે અને અતિથિ દેવો ભવ કહેતા રાષ્ટ્રમાં એ દેવોની સંખ્યા પર પ્રતિબંધ મૂકાવશે તો ભારે ઊહાપોહ થશે.
એક વાત તો સર્વસ્વીકૃત છે કે મોટા ખોરડાંના પ્રસંગો મોટા હોય અને નાના ઘરના પ્રસંગો નાના હોય, અને છતાં મોટાને ત્યાં નાના અતિથિઓ પણ હોય છે અને નાનાને ત્યાં મોટા અતિથિ પણ હોય જ. સરકારે કે અદાલતે આ મધપૂડો છંછેડવાની જરૂર નથી.