મોદીને પરાજયનો ભય .
જે રીતે બાબા રામદેવે સીધી વાત કરવાના બહાને ભાજપ માટે ઘણી આડીઅવળી અને વાંકીચૂંકી વાતો પણ કહી જ દીધી તે સાંભળીને ભાજપની છાવણીમાં સન્નાટો બોલી ગયો છે.
એક તરફ પાટનગરમાં ભાજપના નેતાઓ સતત એમ કહે છે કે હવે પછીના પચાસ વરસ સુધી ભાજપને સત્તામાંથી કોઈ દૂર કરી શકશે નહિ ત્યારે વાસ્તવિક ધરાતલની સ્થિતિ જુદી દેખાઈ રહી છે.
બાબા રામદેવે તો કહ્યું કે દેશમાં આર્થિક અરાજકતાનો માહોલ છે અને પછીથી તેમણે એમ પણ કહ્યું કે સામાજિક અરાજકતા પણ છે. એક સામાન્ય યોગ ગુરુમાંથી મહાકાય ઉદ્યોગપતિ બની ગયેલા રામદેવ જે ડાળ પર બેઠા હોય એ ડાળ કાપવાનું દુઃસાહસ તો ન જ કરે છતાં એમના મનમાં ઘણા લાંબા સમયથી જે ધૂંધવાટ હતો તે આખરે પ્રગટ થઈ ગયો.
થોડા દિવસ પહેલાના રઘુરામ રાજનના વિધાનોમાંથી કંઈક આશ્વાસન મેળવીને નિરાંત અનુભવવા લાગેલા ભાજપને તેમના જ પરમ સખા જેવા રામદેવે કહેવાનું અને ન કહેવાનું બધું જ એમની આગવી મુગ્ધ શિશુ સરીખા હાસ્ય સાથેની વિલક્ષણ અને વિચક્ષણ છટામાં છેવટે તો કહી જ દીધું છે.
વડાપ્રધાન મોદીએ 'અજેય ભારત અટલ બીજેપી'નો મંત્ર આપીને પોતાના સંગઠનની સેનાને તૈયાર થવાના આદેશો તો આપ્યા છે, પરંતુ વડાપ્રધાનની તમામ પ્રચારાત્મક પરિભાષા જે ગઈ લોકસભાની ચૂંટણીમાં સર્વસ્વીકૃત હતી તે આ વખતે દરેક વિધાને પ્રશ્નાર્થમાં રૂપાંતરિત થઈ ગઈ છે, તે એટલી હદ સુધી કે તેમની કેટલીક વાતોને ભારતીય મતદારો હવાહવાઈ જ માનવા લાગ્યા છે.
પરંતુ મોદી સ્વયં એક સ્ટ્રોંગ વ્યક્તિત્વ ધરાવે છે, એ વાત જુદી છે કે તેઓ અત્યારે ચોતરફથી વધુ ને વધુ ઘેરાતા જાય છે. ભારતીય લોકમાનસમાં તેમની છબી હવે અગાઉ જેવી સ્પષ્ટ નથી. પ્રજાનો તેઓનામાં વિશ્વાસ ઘટતો જાય છે, છતાં પ્રચારની આક્રમકતા તેઓ સતત વધારતા જાય છે.
ઉપરાંત આ આક્રમક દેખાવ અને દેખીતો આત્મવિશ્વાસી આડંબર માત્ર કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોને બતાવવા માટે નથી, એનડીએના ઘટક પક્ષો સાથે પણ આવું જ વર્તન કરીને મોદી-શાહની જુગલ જોડી એવો મેસેજ આપવા ચાહે છે કે સહયોગી રાજકીય પક્ષોએ ટિકિટ ફાળવણીમાં બહુ અપેક્ષાઓ ન રાખવી. ભાજપની પોલિસી સદાય જેમને સાથે લીધા હોય એમની બેઠકોને ક્રમશઃ કાપતા રહેવાની રહી છે.
ટોચના નેતૃત્વના આવા વર્તાવથી ચાલુ ભાજપી સાંસદોમાં પણ ફાળ પડેલી છે. રાહુલ ગાંધીએ કેટલાક નવા ચહેરાઓ અજમાવવાની જે નીતિ અખત્યાર કરેલી છે તે પ્રમાણે ભાજપ આગામી લોકસભાની ચૂંટણીમાં અનેક જૂના જોગીઓને રાજકીય વૃધ્ધાશ્રમમાં મોકલી આપવાની મુરાદ રાખે છે. એને કારણે લોકસભાની ટિકિટોની ફાળવણીમાં તમામ રાજ્યોમાં આ વખતે ભારે ઉથલપાથલ મચી જવાની છે.
આ વખતે ભાજપની જૂની વોટબેન્કમાં જ્યાં ગાબડાં પડવાના છે, તેનું રિપેરિંગ કરવા માટે વિશેષ ટાસ્કફોર્સ રચીને સંગઠનના માળખાને અપડેટ કરવાનો બૌદ્ધિક વ્યાયામ અત્યારે ચાલુ જ છે. દેશના મધ્યમ વર્ગને ભાજપે છેલ્લા સાડાચાર વરસ જાણે કે અભરાઈ પર જ મૂકીને વીસરી જવાનું યોગ્ય ગણ્યું હતું તેમાં સુધારણા કરીને હવે જે મધ્યમ વર્ગને કારણે ભાજપ સત્તામાં છે, એ જ વર્ગને ફરી રાજી રાખવાના પ્રયાસોનો પ્રથમ રાઉન્ડ ટૂંક સમયમાં જ શરૂ થશે.
પરંતુ એનાથી કેટલો ફેર પડશે તે લોકસભાની ચૂંટણીના પરિણામો સુધી તો રહસ્ય જ રહેશે. વડાપ્રધાન મોદી બહુશ્રુત છે, ચારેય દિશાઓના અવાજો તેમના કાન સુધી પહોંચે તો છે, એને કારણે તેઓને સ્પષ્ટ અણસાર આવી જ ગયો છે કે જરાક જ ઓછી સાવધાની રાખવામાં આવે તો પરાજય નિશ્ચિત છે.
દિલ્હીમાં મળેલી ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં 'વિઝન ૨૦૨૨ ' પ્રસ્તુત કરવામાં આવ્યું જે આમ તો લોકસભાની ચૂંટણી વખતના આગામી ઢંઢેરાની એક પ્રકારની કાચી સામગ્રી છે. પેટ્રોલ-ડિઝલની સતત વધતી જતી કિંમતે ભાજપને ઘેરા સંકટમાં મૂકી દીધું છે અને તેમના પ્રધાનો આ ભાવ વધારા પરના પોતાના નિવેદનોથી સંકટને વધુ ગંભીર સ્વરૂપ આપી રહ્યા છે ત્યારે કેન્દ્રના પેટ્રોલિયમ, વાણિજય અને નાણાં મંત્રાલયના સચિવો સતત સંયુક્ત મિટિંગ યોજીને વિમર્શમાં પડયા છે.
ભાજપના આ વખતના ચૂંટણી પ્રચારમાં તરંગી વિધાનોમાં ઘટાડો થશે, કારણ કે અગાઉની વ્યર્થ વચનાવલિના માઠા પરિણામો હવે પાઘડીના વળની જેમ છેડે પહોંચીને સપાટી પર દેખાવા લાગ્યા છે. બાબા રામદેવે પોતાની સ્વાભાવિક અને નિખાલસ લાગતી છતાં વ્યૂહાત્મક વાણીથી જે સત્યપ્રતિજ્ઞાા કડવી ઔષધિનો ભાજપના કાનમાં અભિષેક કર્યો છે તે કારગત નીવડે અને ભાજપ વન પ્લસ વન એમ ટુ મેન શો બની રહેવાને બદલે ખરા અર્થમાં લોકપ્રતિનિધિત્વ ધરાવતી સરકારના સિદ્ધાન્તને અનુસરી શકે તો ઠીક છે, નહિતર યોગગુરુની ગર્ભિત આગમવાણી ભાજપને લોકશાહીના નવા પાઠ ભણાવશે.