Get The App

હજુ અર્થતંત્રમાં અસમંજસ

Updated: Nov 17th, 2019

GS TEAM

Google News
Google News
હજુ અર્થતંત્રમાં અસમંજસ 1 - image


આજથી સંસદના શિયાળુ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. કેન્દ્રના અગ્રતાક્રમમાં આથક બાબતો કેવીક છે એની અગ્નિ પરીક્ષાની આજથી શરૂઆત થશે. ભારતીય અર્થતંત્ર બેઠું ન થાય એ માટે શત્રુઓ સક્રિય છે અને એનાથી ભાજપ સરકાર અજ્ઞાાત ન હોવા છતાં સજાગ નથી. ઓનલાઇન બજારનું વાસ્તવિક બજારો પર ભીષણ આક્રમણ ચાલુ છે અને એમાં અનેક મલ્ટીનેશનલ કંપનીઓ જોડાયેલી છે. ભાજપ સરકાર એકલી આ વર્તમાન મંદી માટે જવાબદાર નથી. ભાજપની ભૂલો છે અને ગંભીર પ્રકારની જગજાહેર ભૂલો છે. પરંતુ પરદા પાછળના વ્યાપારિક વિદેશી આક્રમણો પણ ઓછા નથી. 

આજકાલ કેટલીક નામી ઓનલાઈન કંપનીઓ ભારતમાં ખોટ ખાઈનેય પોતાના વ્યાપારનું ટર્નઓવર કે વોલ્યુમ વધારી રહી છે. અફીણ જેવું ઓનલાઈનનું વ્યસન ભારતીય બુનિયાદી બજારોને અતિશય નુકસાન કરી રહ્યું છે. જેની સામે સરકાર સ્વયં પણ દિગ્મૂઢ છે. ગયા વરસે એક વિખ્યાત ઓનલાઈન કંપનીએ એના ભારતના વ્યાપારમાં ૨૦૧૮-૧૯ માં રૂપિયા સાત હજાર કરોડની કુલ ખોટ કરી છે. આ ચાલુ નાણાંકીય વરસની ખોટ પણ ૬૦૦ કરોડ સુધી તો પહોંચી ગઈ છે.

આ ખોટનું મુખ્ય કારણ એ છે કે ભારતીય પ્રજાને ઓનલાઈનની ટેવ પાડવા અને બુનિયાદી ભારતીય બજારોને ખતમ કરવા માટે આ કંપનીઓ એક તો બલ્કમાં ખરીદી કરવા ઉત્પાદકો પાસેથી બહુ સસ્તી અને નીચી કિંમતે માલ ઉપાડે છે અને પછી તે પોતાની પડતર કિંમતથીય ખોટ ખાઈને વધુ નીચા ભાવે ઓનલાઈન માલ વેચે છે. એટલે એમને હજારો કરોડની ખોટ ભોગવવાની આવે છે જે તેઓ હરખથી ભોગવે છે. કારણ કે અફીણનો નશો એનો રંગ બતાવ્યા વિના રહેતો નથી.

આજે ભારતીય બજારોમાં ઓનલાઈન શોપિંગની વૃત્તિ ધરાવતા જનમાનસને કારણે વિકરાળ પરિણામો હવે સપાટી પર જોવા મળવા લાગ્યા છે. આપણા દેશમાં આમ તો છેલ્લા બે-ત્રણ વરસથી ઓનલાઈન શોપિંગ સામે સ્થાનિક વેપારીઓના દેખાવો અને નિવેદનો થતા રહ્યા છે પણ એનાથી કોઈ ફેર પડયો નથી અને પડવાનો નથી. એ માટે કેન્દ્ર સરકારે કેટલાક આકરા નીતિગત નિર્ણયો લેવા પડે એમ છે જે હજુ પેન્ડિંગ છે.

દેશમાં રાજકારણ એની તમામ મર્યાદાઓ ઓળંગીને લોકજીવનમાં હદ કરતાં વધારે પ્રવેશી ગયું છે. લોકમાનસ પર વિકાસ કે નવોન્મેષને બદલે રાજકારણની જબરજસ્ત પક્કડ છે. લોકો રાજકીય વિચાર, પ્રચાર અને વાર્તાલાપમાંથી ઊંચા જ આવતા નથી. કોઈ વાર એમ લાગે કે આ દેશમાં જાણે કે એક રાજકારણ જ ચાલે છે અને બાકી બધું સ્થગિત છે. અથવા તો રાજકારણના હસ્તક્ષેપ વિના કોઈ પણ ક્ષેત્રમાં કંઈ ચાલતું નથી અને બધું જ સ્થગિત છે.

છતાં આને અતિશયોક્તિ માની લઈએ તોય દેશના કરોડો દિશાશૂન્ય બેરોજગારો પર નજર કરો ત્યારે અંદાજ કંઈક સાચો લાગે. ભારત બહુરત્ના વસુંધરા ધોરણસરનો દેશ છે અને પ્રતિભાઓ ઠેર ઠેર વેરાયેલી પડી છે. એને મુખ્ય પ્રવાહમાં લાવીને સકારાત્મક રીતે સક્રીય કરવામાં જો વર્તમાન કેન્દ્ર અને રાજ્ય સરકારો વિફળ જશે તો રાજનેતાઓના ખેલ બહુ લાંબા ચાલવાના નથી એ હકીકત છે.

કારણ કે દરરોજ સાંજે ઘરમાં પરિવારના બધા સભ્યો એકછત્ર હેઠળ ટોળે વળે છે અને આથક ઉદ્ધાર સંબંધિત વિમાસણમાં પડે છે. પરિવારના નવી પેઢીના યુવક-યુવતીઓને રોજગારી અપાવવી એ સહુથી મોટો પડકાર છે. દેશમાં બેરોજગારીના નવા નવા આંકડાઓ છપાતા રહે છે અને હજુ એ તો સમયાંતરે પ્રગટ થતા જ રહેવાના છે. કેન્દ્ર સરકારની એક બહુસંખ્ય અધિકારી તથા નેતૃત્વની ટુકડી પાકિસ્તાન વિરુદ્ધ પ્રચાર કરવામાં એટલી બધી વ્યસ્ત છે કે વતન ભારતની સમસ્યાઓ તરફ તેઓ ભાગ્યે જ કોઈ ઉદગાર અભિવ્યક્ત કરી શકે છે.

પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય તખ્તા પર પૂરતી બદનામી આપણે અપાવી છે જે હકીકત પણ છે અને પાકિસ્તાનમાં એક આતંકવાદી રાષ્ટ્ર તરીકેની સર્વ (અ)યોગ્યતા વિદ્યમાન છે. પરંતુ એનો અતિરેક થઈ રહ્યો છે અને ઘરઆંગણાના પ્રગતિશીલ કાર્યો પડતર રહી ગયા છે જેનો પણ બેરોજગારી અભિવૃદ્ધ કરવામાં પરોક્ષ ફાળો છે. એટલું જ ધ્યાન દેશના બેરોજગારો પર આપવામાં આવે તો સમગ્ર ભારતીય અર્થતંત્રને નવજીવન મળી શકે એમ છે.

હમણાં કર્ણાટકની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો આવ્યા જેમાં કોંગેસ બહુ આગળ છે અને ભાજપ પાછળ છે. ભાજપની એક સારા શાસનકર્તા તરીકેની મુદ્રા ઝાંખી પડતી જાય છે. દક્ષિણ ભારતમાં ભાજપની ઈમેજ વિવિધ કારણોસર ખરડાતી જાય છે. એ સિવાયના રાજ્યોમાં પણ ભાજપના કાર્યકર્તાઓના ગોરખધંધાઓ પર પક્ષનો કાબૂ ન હોવાથી લોકમાનસમાં ચિત્ર કથળી ગયું છે.

હવે કોંગ્રેસને એનો લાભ મળવાની શરૂઆત થઈ છે. આ ભાજપ માટે ચેતવણીની ઘંટડી છે. પણ ચેતવું એના માટે મુશ્કેલ એટલે છે કે સર્વાધિક સફળતાનો રાજકીય ઘમંડ એને ભરડો લઈ ગયો છે. કેન્દ્રના લગભગ દરેક ખાતાના પ્રધાનો મીઠી મધુર વાતોના વાર્તાકાર બની ગયા છે. તળ જમીન પર એમના ચરણ જ નથી. વાસ્તવિકતાથી વિમુખ રહેવાનો આજકાલ ભારતીય રાજનેતાઓ વિક્રમ સર્જી રહ્યા છે.

Tags :