Get The App

હવાની સફાઈ .

Updated: Jan 17th, 2019

GS TEAM

Google News
Google News
હવાની સફાઈ                                          . 1 - image


કેન્દ્ર સરકારના પર્યાવરણ મંત્રાલયે એક નવા અધ્યાયની શરૂઆત કરી છે. નેશનલ ક્લિન એર પ્રોગ્રામ કઈ રીતે કારગત નીવડશે એની કોઈ સ્પષ્ટતા સરકારે કરી નથી. દેશના સોએક મોટા શહેરોનો આ યોજનાના પહેલા પગલે સમાવેશ છે એના પછી બીજા બી કેટેગરીના શહેરો સમાવાશે.

બી કેટેગરી એટલે જેના નાગરિકોને ખબર નથી કે તેઓ શ્વાસ ઓછો અને ધૂમાડો વધુ લઈ રહ્યા છે તેવા શહેરો. એનડીએ સરકારે જતાં જતાં જે કેટલાક બાકી કામ ઝડપથી પુરા કરવાનો ધમધમાટ ચાલુ કર્યાે છે તેમાં હવે હવાની સફાઈ આવી છે. સરકાર પાસે આ કામ પાર પાડનારા નિષ્ણાતો હશે તો જ અમલ થશે.

આગામી પાંચ વરસમાં નવી દિલ્હી અને કલકત્તા તો ત્યાંના નાગરિક એટલે જ રોગિષ્ટ એ સ્ટેટસમાં આવી જશે. સરકારની પ્રદૂષણમાં જવાબદારી મર્યાદિત છે. કારણ કે આ તો બૃહદપટ પરના લોકભાગીદારીના કાર્યક્રમો છે.

આપણે ત્યાં વરસાદના પાણીથી કૂવા રિચાર્જ કરવાની શરૂઆત પાંડુરંગ શાસ્ત્રીના વચનોથી થઈ અને પછી એ ઝુંબેશે એકાએક એવી ઝડપ પકડી કે એ આજે સુગમ-સરળ મહાન લોકવિદ્યાની પરંપરા બની ગઈ. એવી રીતે જ જો મહાનગરોમાં પ્રદૂષણ ઓછું કરવા માટે નાગરિકોમાં કોઈક સ્વયંચેતના જાગે તો જ આ ઉપાધિ કે જે આધિ અને વ્યાધિને લઈ આવે છે તે કંઈક ઓછી થાય છે.

સામાન્ય રીતે આપણે ઘરમાં કે આંગણામાં જેમ સફાઈનો એક ચોક્કસ સમય હોય છે એમ કુદરતે પણ સફાઈનો કાર્યક્રમ હવામાં ગોઠવેલો જ છે. ઈસરોના કર્ણાટકી મહાન હવામાન શાસ્ત્રી અને વૈજ્ઞાાનિક પ્રો. પિશારોટ્ટીએ કહ્યું છે કે અમદાવાદમાં કુદરતનો હવા-સફાઈ કાર્યક્રમ દરરોજ રાત્રે બે વાગ્યાથી પાંચ વાગ્યા સુધીનો હોય છે.

એટલે કે એ સમયમાં અમદાવાદ પરનું વિરાટ આકાશ નવા પવનોથી છલકાઈ જાય. પરંતુ ક્રમશઃ પ્રદૂષણ વધતા હવે એ સમય કલાકથીય ઓછો થવા તરફ છે. દિવસભરના પ્રદૂષણ પર 'સંજવારી' વાળવા માટે રાત્રે જ્યારે જનજીવન થંભી જાય ત્યારે વનવગડાઉ પવનને પ્રવેશવા મળે. દિવસની યાતાયાત ઓછી થવાની હવે કોઈ સંભાવના નથી.

કેન્દ્ર સરકારની યોજના પ્રમાણે મહાનગરોના પ્રદૂષણમાં ત્રીસ ટકાનો ઘટાડો કરવાની નેમ છે છતાં આ આયોજન પણ અવાસ્તવિક છે. કેન્દ્ર સરકાર દ્વારા સંબંધિત રાજ્યોને એ મહાનગરોની હવા પરિશુદ્ધ કરવા વિશેષ ફંડ ફાળવશે. પહેલી નજરે જ આ પ્રોજેક્ટ કહેવા ખાતરનો હોય એવા તમામ લક્ષણો એમાં દેખાય છે. સફળતાનો એક ટકા ચાન્સ એ છે કે આ એક હવા સફાઈની શરૂઆત તો શરૂઆત બને અને પછીના કોઈક વળાંકે એનો ઉકેલ મળી આવે.

પેટ્રોલિયમ પેદાશોના ભાવો જ્યારે આસમાને આંબી ગયા હતા ત્યારે કોણે વાહન ચલાવવામાં સંયમ દાખવ્યો ? કોઈએ નહિ. કારણ કે મહાનગરની ઘટમાળ જ એવી છે કે કોઈને વાહન વિના ન ચાલે. સીટી બસ એક પ્રાથમિક ઉપાય છે પણ કારગત નથી. ગયા સપ્તાહે મુંબઈએ બેસ્ટની હડતાળનો વસમો અનુભવ કર્યાે. 

ગ્રામજીવનની વિશુદ્ધ હવા અને લીલોતરીની સુગંધ સાથે પૂર્ણ ઊઘાડ સરીખો પવન તો મહાનગરો માટે આપણે ત્યાં તો એક સપનું છે. ચીને શેનઝેન શહેરનું નિર્માણ કરતા પહેલાં વિદ્વાન પર્યાવરણ એન્જિનિયરોને એક વરસ સુધી એ પ્રોજેક્ટ પર બેસાડયા હતા. આજે શેનઝેન દુનિયાના ચોખ્ખાચણક શહેરોમાં પહેલી હરોળમાં છે.

ભારતે ભવિષ્યનો વિચાર કરીને ઉદિત થઇ રહેલા નવા નગરો તરફ ધ્યાન આપવાની જરૂર છે. જે ગીચ શહેરો રચાઈ ગયા તે તો સમસ્યા છે જ પણ એની પાછળના ક્રમે વિકસતા નવા શહેરોનો ઘાટ અત્યારથી જ ઘડવાની જરૂર છે. મહારાજાઓના સમયના કેટલાક રસ્તાઓ અને નગર રચના આજે પણ એ વાતની પ્રતીતિ કરાવે છે કે તેઓ કેટલા દીર્ઘદ્રષ્ટિ ધરાવતા હતા. 

હકીકત એ છે કે શુદ્ધ હવા માટેની માણસ જાતની તરસ માત્ર ભોગવાદી છે. એ માટે પોતાના તરફથી કોઈ સમર્પણ કરવા તે તૈયાર છે. માણસ આજ સુધી એમ જ માનતો આવ્યો છે કે મને ગમ્મે તેમ હું રહું. એટલે પ્રકૃતિએ હવે કરવટ બદલીને કહ્યું છે કે મનેય જેમ ગમે તેમ હું વર્તુ.

માનવજાત અને પ્રકૃતિ વચ્ચેનો સંવાદ તો આધુનિક યુગના પ્રારંભથી જ તૂટવા લાગ્યો હતો જે હવે પરાકાષ્ટાએ પહોંચતા એના પરિણામો દેખાવા લાગ્યા છે. હજુ પચાસ વરસ માનવજાત કુદરતની ઉપેક્ષામાં પસાર કરશે પછી એને ભાન આવશે. વર્લ્ડવોચ સંસ્થાના અહેવાલ પ્રમાણે આજના મહાનગરો આવતીકાલે માત્ર મોહે-જો-ડેરો જેવા અવશેષો થવાના છે. 

Tags :