ટાઈમ કિલિંગ મશિન .
બાળક શિશુઅવસ્થા અને કિશોરાવસ્થાની વચ્ચેની ઉંમરનું હોય ત્યારે અમુક તોફાન શીખી ગયું હોય. શાળાએ ન જવા માટે પેટમાં દુઃખવાનું નાટક શરૂ કરે. આખા ઘરનું ધ્યાન એની તબિયત તરફ જાય. શાળાએ જવાનો સમય જેવો પૂરો થાય એવો દુખાવો ગાયબ થઈ જાય અને ધમાલ ચાલુ થઈ જાય. અત્યારે આખો દેશ આવા નટખટ બાળકના વાલીની ભૂમિકામાં છે.
બાળક ધ્યાન ખેંચવા માટે અવનવા પેંતરા અજમાવે અને આપણું ધ્યાન ત્યાં જાય એમ જ આખો દેશ ભળતીસળતી અને દમ વિનાની વાતોનો ઇસ્યુ બનાવીને સમય પસાર કર્યા કરે છે. વડાપ્રધાનના પૂર્વ આર્થિક સલાહકાર જ્યારે એવું કહે કે દેશની આર્થિક સ્થિતિ આઈસીયુમાં છે તો પણ તે વાતને ગંભીરતાથી લેવામાં આવતી નથી. નાગરિક સંશોધન ખરડો પસાર થયો એમાં પૂર્વ ભારતમાં તણાવ વધતો જાય છે.
આ અને આવી અનેક બાબતોને એનડીએ સરકારે ટાઈમ કિલિંગ મશિન તરીકે ઉપયોગમાં લીધી છે. ભારતના બીજા કેટલા બધા ગંભીર મુદ્દાઓને એ રીતે તેઓ ઢાંકી દે છે. મીડિયા મેનેજમેન્ટ અને માર્કેટીંગ સ્ટ્રેટેજીમાં અવ્વલ એવી મોદી-શાહની જોડી ખરા પડકારો ઉપર બે વિધાનો પણ કરતી નથી.
નહેરુ ઉપર દોષારોપણ કરવામાં અમુક મિનિસ્ટરો જે જુસ્સો બતાવે છે એની થોડીક જ ઉર્જા દેશ માટે વાપરે તો પણ ઘણી સમસ્યાઓનું સમાધાન આવે. ભારત વૈશ્વિક મીડિયામાં હવે સ્ત્રીઓ પરના અત્યાચારોથી ઓળખાતો થઈ ગયો છે. દરરોજ બળાત્કાર અને ઘાતકી ખૂનના બનાવો બને છે. ન્યાય મળે અને ગુનાખોરી ઘટે એના માટે કોઈ જ પ્લાનીંગ નથી.
મંદિરોમાં સ્ત્રીઓને પ્રવેશ મળવો જોઈએ કે નહીં, મંદિરનું અને રજસ્વલા નારીઓનો પક્ષ ખેંચતા વ્યક્તિઓનું રાજકારણ શું છે, સરદાર પટેલના વિરાટ સ્ટેચ્યુનો પ્રવેશખર્ચ તાજમહાલના પ્રવેશખર્ચ કરતા વધુ હોવો જોઈએ કે ઓછો, કચ્છના રણોત્સવમાં કેટલા વિદેશી પર્યટકો આવવા જોઈએ, રાષ્ટ્રગીત પિક્ચર શરૂ થતા પહેલાં વગાડવું જોઈએ કે નહીં, સાવરકર વીર હતા કે નહીં, રાહુલ ગાંધીએ સાવરકરનું અપમાન કર્યું કે નહીં, ગોડસેને દેશભક્ત ગણવાનો કે હિન્દુવાદી ગણવાનો. દેશનું ધ્યાન આવા મુદ્દાઓ તરફ જ ખેંચવામાં આવે છે. સરકારે જાહેર કર્યું કે આઝાદી પછી પહેલી વખત આખા દેશમાં વીજળી પહોંચી ચૂકી છે. નાના ગામડાઓની વાત જવા દઈએ, મોડેલ રાજ્ય ગણાતા રાજ્યના મોટા શહેરોમાં પણ વીજળી કાપ નિયમિત હોય છે. પાણીકાપ તો અત્રતત્ર સર્વત્ર છે.
આર્થિક પરિસ્થિતિની વાત કરીએ તો સરકાર વારંવાર વાર્ષિક ઘરેલું ઉત્પાદન અર્થાત જીડીપીની વ્યાખ્યા ગણતરી સહિત બદલાવી નાખે છે. પાંચ ટકાથી નીચેના દરે જીડીપી આવી પહોંચે તો પણ એ મુખ્ય મુદ્દો બનતો નથી. દેશ આખો ન દેખાય એવા સળિયા વાળી જેલમાં તબદીલ થઈ ન જાય એ જવાબદારી શાસકોની છે.
કેનેડાથી લઈને બ્રિટન સુધીના દેશો ત્યાં સ્થાયી થવા ઇચ્છુક ભારતીયો માટે પ્રવેશવાના દરવાજા બંધ કરી રહ્યા છે અને અહીં હોનહાર વિદ્યાર્થીઓની મહેનતનો સતત ભોગ લેવાય છે કારણ કે સરકારી પરીક્ષાઓના પેપર ફૂટી જાય છે. કોઈ અવરોધ વિના સરકારી પરીક્ષાઓમાં ગેરરીતિનો ધસમસતો પ્રવાહ બધાને તાણી રહ્યો છે પણ સરકારને એની પડી નથી એવું લાગે છે.
સ્થાનિક ચૂંટણી નજીક આવી એટલે હેલ્મેટ ઉતારી મુકવામાં તેઓ પોતાની સિદ્ધિ સમજે છે. થોડા અઠવાડિયા પહેલા સરકારે જાહેર કર્યું કે સરકારી શાળાના અમુક ધોરણ સુધીના બાળકોને અપાતા નિઃશુલ્ક ભોજનની યોજના સફળ રહી છે ત્યારે જ સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાનો રિપોર્ટ આવ્યો કે હવે બાળકોમાં કુપોષણનું કેન્દ્ર આફ્રિકા નહીં પણ ભારત બની ગયું છે.
દિલ્હીના પેયજળને જ્યારે પ્રદુષિત અને અમુક અંશે ઝેરી છે એવું જાહેર કરવામાં આવ્યું ત્યાં તો રાતોરાત દિલ્હી જળ બોર્ડે તેને નકારી કાઢયું અને એવું નિવેદન આપ્યું કે મોટાભાગેના યુરોપિયન શહેરો કરતાં દિલ્હીમાં શુદ્ધ પાણી મળે છે. ભારતના કામેડિયનોના રોટલા ઉપર આ સરકાર વખતોવખત પાટુ મારી રહી છે.
બેકારોની સંખ્યા ક્યાં પહોચશે એ રામ જાણે. અમુક વિદેશી ન્યુઝ એજન્સીએ કાશ્મીરમાં સામાન્ય માણસોને તકલીફ પડે છે કે હિંસાનો સામનો કરવો પડે છે એવી વાત કરી જ્યારે મોદી સરકાર કાશ્મીરમાં ૩૭૦ મી કલમ રદ થઈ ત્યારથી સંપૂર્ણ શાંતિભર્યા માહોલનું વાજું વગાડે છે. વાજાના સૂરમાં જો કોઈ ક્ષતિ આવે તો સરકાર કહી દે છે કે આ તો સિત્તેર વર્ષ જૂનું વાજિંત્ર છે.
ભારત-પાકિસ્તાન વચ્ચેનો બોર્ડર ઇસ્યુ કેમ સોલ્વ ન થઈ શકે ? દુષ્કાળ, લીલો દુકાળ, ખેડૂતોની સ્થિતિ, વેપારીઓની દયનીય સ્થિતિ, બેકાબુ બનેલું પ્રદુષણ, પર્યાવરણની તબાહી, ઝેરી નદીઓ, વસ્તીવધારો વગેરે ખરી સમસ્યાઓ પ્રત્યે ગંભીરતાથી કેમ કોઈ કામ નહીં ? કારણ કે બાળકને દુઃખે છે પેટ, કુટે છે માથું અને ડોક્ટરનું ધ્યાન પેટને બદલે માથા તરફ જ છે.