બાંધકામ ક્ષેત્રમાં તેજી ? .
દેશના બાંધકામ ઉદ્યોગમાં ઘણા લાંબા સમય પછી તેજીનો સળવળાટ દેખાય છે, આ તેજી અન્ય ક્ષેત્રોમાં હોય તેવી ભાવવધારાની તેજી નથી પરંતુ નાણાંની પ્રવાહિતાની તેજી છે.
રઘુરામ રાજનના સમયમાં દેશમાં બેન્કોના ડૂબેલા નાણાં અંગે ખુદ રિઝર્વ બેન્કે જે નવા ધારાધોરણો દાખલ કર્યા અને ગવર્નર તરીકે રઘુરામે દેશની તમામ રાષ્ટ્રીયકૃત બેન્કોની જે કરમકુંડળી ચાંદની ચોકમાં મૂકી આપી એને કારણે સરકાર સહિત પ્રજાનું એ તરફ ધ્યાન ગયું.
સરકાર જાણતી હતી પણ આંખે પાટા બાંધી રાખ્યા હતા. રઘુરામે સરકારની અને પ્રજાની આંખો ઊઘાડી, એ સમયે રઘુરામ રાજને દેશના મોટા આર્થિક ગુનેગારો કે જેમાં ઉદ્યોગપતિઓ અને ટોચના બેન્ક અધિકારીઓના નામો હતા, તેવી યાદી નાણા મંત્રાલયને ઉત્સાહપૂર્વક આપી હતી.
પરંતુ એ યાદીમાં ભાજપને કેટલાક નામો પક્ષના અને સંબંધોના હિતમાં વાંધાજનક લાગતા એના પર કોઈ એકશન લેવાયા નથી. પરંતુ રઘુરામે રિઝર્વ બેન્કના માધ્યમથી દેશની કરેલી સેવા તો લેખે લાગી જ છે. કારણ કે ત્યાર પછીના રાષ્ટ્રવ્યાપી ઊહાપોહને કારણે બેન્કોએ સાચી અને સારી કંપનીઓને અને એ પણ સો ગળણે ગાળીને લોન આપવાની પ્રેકટિસ શરૂ કરી જેને અસલ બેન્કિંગ પ્રણાલિકા કહેવાય.
બીજો ફાયદો એ થયો કે અત્યાર સુધી બેન્કોના હજારો કરોડના ફંડ જે મોટા મગરમચ્છોની જયાફત માટે હતા તે અટક્યા અને એ ફંડ લાખો લઘુ મત્સ્યકુળ તરફ વળ્યા. એટલે કે નાના વેપારી કે નાના વ્યાવસાયિક માટે પોતાના કોઈ સ્વતંત્ર સાહસ માટેની લોન અધિક ઉપલબ્ધ બની. બેન્કોના એનપીએ હજુ ઊંચા હોવા છતાં મોટાભાગની ખાનગી અને સરકારી બેન્કો સરપ્લસ ફંડ ધરાવે છે. આથી હાઉસિંગની લોન વધુ સરળતાથી મળવા લાગી. બાંધકામ ક્ષેત્રમાં અત્યારે એક એવી મોસમ ખિલી છે કે જેને એક ફ્લેટ લેવાનો હ ોય તેને સો વિકલ્પો જોવા મળે છે.
અગાઉ બહુ ઓછા વિકલ્પોમાંથી પસંદગી કરવી પડતી. અત્યારે દંપતીઓ વિવિધ નિવાસી બાંધકામની સાઈટોની મુલાકાતે હરતાફરતા ચોતરફ જોવા મળે છે. રાજ્યમાં બિલ્ડરોએ જૂના તૈયાર બાંધકામોના ભાવો તૂટવા દીધા નથી એ એ માટે વ્યાજખાધની જંગીખોટ સહન કરી લીધી છે તો પણ જે નવા પ્રોજેક્ટસ્ રજૂ થઈ રહ્યા છે તે વાસ્તવિક એ વ્યાજબી ભાવના ધરાતલે હોવાથી વેચાણ-બુકિંગમાં પણ એકાએક વધારો થવા લાગ્યો છે.
ખાનગી સેકટરની બેન્કો તો દસ્તાવેજથી ૧૫૦ ટકા કે ૨૦૦ ટકા સુધી લોન આપતી થઈ તે તો જૂની પેઢીને એક ચમત્કાર જ લાગે કારણ કે આજથી ત્રણ-ચાર દાયકા પહેલા તો દસ્તાવેજની વીસ કે ચાલીસ ટકા લોન પણ માંડ મળતી હતી.જો કે હપ્તાનું ગણિત પણ હવે બદલાયું છે. નાના પરિવારમાં પણ લોનનો હપ્તો ભરવો એ એક એકલવીરનું કામ નથી, ઘરમાં બે, ત્રણ, ચાર પગારદારોનો સંપીલો પરિવાર હોય તો જ નવું મકાન, બંગલો કે ફ્લેટ બુક કરાવી શકાય.
ગુજરાતના મોટા ભાગના શહેરોમાં રીંગરોડના કેટલાક સીધા ક્ષિતિજગામી અને કેટલાક વર્તુળાકાર વિકાસને કારણે લાગત જમીનોના ભાવ પણ ઊંચા ગયા છે. જ્યાં સુધી જમીનની કિંમત ન વધે ત્યાં સુધી બાંધકામ ક્ષેત્રમાં તેજીનો સળવળાટ થતો નથી પરંતુ એની સામે આ ક્ષેત્રની તેજીમાં એક વિરોધાભાસી શરત એ પણ છે કે બાંધકામોના ભાવ વ્યાજબી હોયતો જ તેજી રુખ પકડે છે, જે બન્ને સંજોગો હવે જોવા મળે છે.
રાજ્ય અને કેન્દ્ર સરકારે તો 'રેરા'ના કાયદા દ્વારા બિલ્ડરો માટે જે અંતરાયો ઊભા કર્યા એને કારણે આ તેજીના મંડાણ થવામાં બહુ વિલંબ થયો છે. હજુ પણ નોટબંધી અને જીએસટીના સીધા આકરા પ્રહાર જેણે ઝીલવા પડયા છે તેવા બિલ્ડરોને પૂરેપૂરા બેઠા થતા તો થોડો સમય લાગશે પરંતુ મકાનોની લે-વેચ ચાલુ થતા નાણાંની પ્રવાહિતા વધવાને કારણે હજારો બિલ્ડરોના જીવમાં જીવ આવ્યો છે.
આ વખતે તો વરસાદ પણ સરેરાશ અને પાછલા ત્રણ વરસની તુલનામાં સારો થયો છે. કેટલાક શહેરો તરસ્યા રહી ગયા હોવા છતાં સર્વવ્યાપક સંયોગો સારા છે. જો કે કપાસ જેવા પ્રમુખ પાક માટે તો વરસાદ પછીના હવામાન પર પણ ઘણો આધાર રહે છે, પરંતુ અત્યારના અંદાજ પ્રમાણે દિવાળી પછી તબક્કાવાર જે નવી ફસલ બજારમાં આવશે તે આ બાંધકામ ક્ષેત્ર માટે ઉપકારક નીવડશે.
કેન્દ્રની એનડીએ સરકાર ભારતીય અર્થતંત્ર અને બજાર માટે નકારાત્મક સાબિત થઈ છે. રાજકીય મોરચે ગમે તેવા ઢમઢોલ વાગતા રહે પરંતુ વાસ્તવિકતાની પોલમપોલ દેશના સામાન્ય નાગરિકો સમક્ષ ખુલ્લી પડી ગઈ છે, અનેક મોરચે એનડીએ સરકાર ઘેરાઈ ગયેલી છે છતાં પ્રજા પોતાના આત્મબળે અને સ્વપુરુષાર્થે હવે બેઠી થવા લાગી છે.
રઘુરામ રાજને ઈ.સ. ૨૦૦૮ પહેલાની યુ.પી.એ. સરકાર દરમિયાન બેન્કોના એનપીએ ઊંચા ગયાની વાત કહી તે વાસ્તવમાં એમની વિદ્વતા અન્ે તટસ્થતા છે, જે ભાજપની એમને વિદાય કરવાની મૂર્ખતાની પુન: યાદી આપે છે. રઘુરામ જેવા મહાન અર્થશાસ્ત્રી માટે શું ભાજપ કે શું કોંગ્રેસ ! જે સત્ય છે એનો ઉચ્ચાર કરવાનું જ તો એમનું કામ છે. એનો ભાજપને ચપટીક લાભ મળે તો મળે, પરંતુ ભાજપની એ કેવી દશા કહેવાશે કે જેમને વિદાય કરી દીધા એ રઘુરામને પોતાના પ્રચાર માટે ક્વોટ કરવા પડશે !