Get The App

અમેરિકાનું ઘોર મિથ્યાભિમાન

Updated: Jun 16th, 2019

GS TEAM

Google News
Google News
અમેરિકાનું ઘોર મિથ્યાભિમાન 1 - image



અમેરિકા આજકાલ એશિયન પ્રયોગશાળાના દેડકા તરીકે ભારતનો ઉપયોગ કરતું હોય એમ લાગે છે. અમેરિકાની વ્યાપારિક લડાયક વૃત્તિ હવે પરાકાષ્ઠાએ છે અને એના આજ સુધીના તમામ પ્રમુખોએ પોતાના કે પારકાનો ભેદ રાખ્યા વિના વિશ્વ સમુદાયના વિવિધ દેશોના હિતો પર સતત છરી ચલાવી છે. અતિ સમૃદ્ધિ અને વિવિધ પ્રકારના અતિશય રિઝર્વને કારણે અમેરિકાનું આ દુનિયામાં કોઈના પર પણ પરાવલંબન નથી. છતાં તે પારસ્પરિક વ્યવહારમાં માત્ર રિઝર્વ સાયકલને નિભાવવા માટે જ સક્રિય રહે છે.

અમેરિકાના અભિમાનને પડકારનારા અનેક દેશો મેદાનમાં આવ્યા છે પણ છેવટે પૂંછડી દબાવીને તેમણે પીછેહઠ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પ તો મિત્ર-શત્રુની કોઈ જ મર્યાદા સમજ્યા વિના સતત ઘુરકતો રહેતો રાષ્ટ્ર પ્રમુખ છે. એના મનઘડંત તરંગો હવે ભારતને ઠેબે ચડયા છે. ભારતની પરંપરાથી ચાલી આવતી બિનજોડાણવાદી ભલે આરંભ બિંદુ તરીકે નહેરુને આભારી હોય પરંતુ વડાપ્રધાન મોદીએ એને પોતાની રીતે મોડિફાઈડ પણ કરી છે. ભારતે ત્રીસેક અમેરિકન વસ્તુઓ પર આયાત ડયુટી વધારવાની જાહેરાત કરી છે. જો કે અમેરિકા જેવા હાથી માટે એ કીડીનો ચટકો માત્ર છે.

અમેરિકાની હાલત અત્યારે ચોરની મા જેવી છે. પાકિસ્તાનને પોતાના દત્તક રાષ્ટ્ર તરીકે ઉછેરીને અબજો ડોલરની નદીઓ વહાવી અમેરિકાએ એક એવી ગુપ્ત પાયમાલી ભોગવી છે કે એનું દુઃખ તો એ જ જાણે. દાયકાઓ સુધી અમેરિકાને બેવકૂફ બનાવી અસ્ત્ર-શસ્ત્ર અને નાણાંનું ભરપૂર દોહન કર્યા પછી પાકિસ્તાને પાટો બદલાવીને ચીની શાસકોને પોતાના નવા ગોડફાધર જાહેર કર્ર્યા છે. અમેરિકાની રાજનીતિને આવી રીતે આજ સુધી કોઈએ ઊંધી પાડી નથી.

પાકિસ્તાન પ્રત્યેની ખિન્નતા હજુ અમેરિકાએ છુપાવી રાખી છે પરંતુ દૂરના ભવિષ્યમાં અમેરિકા અને ચીનનો એક જંગ તો પાકિસ્તાનમાં જ ખેલાશે એમાં કોઈ શંકા નથી. ભારત એક વિકસતી અર્થ વ્યવસ્થા છે. ભારત વિરોધી તમામ તત્ત્વોને આશ્રય આપવા માટેના કાયદાઓ બ્રિટને આદિકાળથી ઘડી રાખ્યા છે. આલ્યા-માલ્યા તો હમણાંના છે, અલગ ખાલિસાતાનની ચળવળ ચલાવનારાઓના એક મોટા અપરાધી ભારતદ્રોહી જૂથને બ્રિટને ખુલ્લંખુલ્લા સમર્થન અને પનાહ આપેલા છે.

બ્રિટન એવી માનસિકતા ધરાવે છે કે ભારત કદી પણ ઊંચે ન આવે. યુરોપીય સમુદાયમાં બ્રિટિશ પ્રજાને સૌથી લુચ્ચી અને દંભી પ્રજા માનવામાં આવે છે. બ્રેક્ઝિટ પ્રકરણમાં દૂધ અને સાકર સરળતાથી ન ભળવાનો જે વિવાદ છે એના મૂળમાં બ્રિટિશરોનું મિથ્યાભિમાન જ કારણરૂપ છે.

બ્રિટન અને અમેરિકા બન્ને ભારતના એવા હિતશત્રુઓ છે જેમણે સદાય મિત્રતાના મહોરા ધારણ કરી રાખ્યા છે. છેલ્લા દસ વરસ દરમિયાનના બન્ને દેશોના વિદેશ પ્રધાનોના ભારત સંબંધિત વલણો અને ઉચ્ચારો પર જરાક આંખકાન થંભાવો તો ખ્યાલ આવે કે ભારતની કોઈ પણ સકારાત્મક બાજુથી તેઓ હાડેહાડ બળતરા અનુભવી રહ્યા છે. વડાપ્રધાન મોદી માટે આ બીજી ઈનિંગ કસોટીથી ભરપુર છે. અગાઉના પાંચ વરસમાં તેમણે જે સમતોલ વિદેશનીતિના પ્રયોગો કર્યા તે સફળ નીવડયા નથી.

જો કે એના કોઈ વિપરીત પરિણામો પણ આવ્યા નથી. પરંતુ વિદેશનીતિમાં અગાઉ જેવી જ સંદિગ્ધતા દાખવવામાં આવશે તો ભારત કોઈક એવા ત્રિભેટે અટકી રહેશે જ્યાંથી રશિયા, અમેરિકા અને ચીન તરફના ત્રણેય રસ્તાઓ અનુપયોગી નીવડશે. વડાપ્રધાન મોદી પાસે હવે આથક ઉદારીકરણ અપનાવવાની એક નવી તક છે.

તેમની સામે અમેરિકા-ચીનનું ખતરનાક વ્યાપાર યુદ્ધ છે અને એના દુષ્પ્રભાવથી સ્વદેશને ઉગારી લેવાનો પડકાર પણ છે. અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ બહુ ટૂંક સમયમાં ભારતીયો માટેની નવી વિઝાનીતિ ફરી નવેસરથી જાહેર કરશે. તેમનું નિશાન મોદીના ગૌરવ કે સ્વાભિમાનનું ખંડન કરવાનું હશે. હર હાલતમાં અમેરિકાએ પોતાની સર્વ દુષ્ટતાઓ જાળવી છે ને એટલે હજુ પણ જાળવશે.

આંતરરાષ્ટ્રીય પરિદ્રશ્યના બદલાતા રંગોના આ સમયમાં મનોમન ખિલખિલ હસવાનું કારણ રશિયા પાસે છે. રશિયા અમેરિકાને એકલું પાડી દેવા માટે ભારત અને ચીનના નવા અને અકલ્પિત મૈત્રીયુગની પ્રતીક્ષા કરે છે. રશિયા ચાહે છે કે કંઈ નહિ તો માત્ર વ્યાપારિક હેતુઓ માટે ભારત અને ચીન સંપીને ચાલે. તો અમેરિકાને કોર્નર કરવાનું કામ ઘણું આસાન રહે.

ભારતનો કેટલોક લશ્કરી વિકાસનો સ્વાર્થ અમેરિકા સાથે જોડાયેલો છે. પરંતુ એ એક જ વાતનો લાભ લઈને અમેરિકા જાતે જ ભારતની વિદેશનીતિ નક્કી કરે તે નવી દિલ્હીને મંજુર નથી. ભારત પારિશ્રમિક દેશ છે. એશઆરામમાં ડૂબેલો અહીં કોઈ ન તો રાજા છે કે ન તો પ્રજા છે. જે દેશ જીએસટી અને નોટબંધી જેવા કારમા આઘાતમાંથી સ્વયં બેઠો થઈ શકવાની તાકાત ધરાવતો હોય એને અમેરિકાની ધમકીઓની શી તમા હોય ? 

દેશના સકળ ઘરેલુ ઉત્પાદન અને સેવાઓનો વિકાસદર ભલે દેખીતી રીતે નીચે આવતો હોય પરંતુ એનો અર્થ એ તો નથી કે ભારત લુચ્ચા અમેરિકાની તાબેદારી સ્વીકારે. કદાચ રશિયા અને ભારતની જુગજુની દોસ્તીને પુરબહારમાં સજીવન કરવાના દ્વાર અજાણતા જ અમેરિકા હવે ખોલી રહ્યું છે. હજુ તો તેલ જુઓ તેલની ધાર જુઓની ભૂમિકામાં ભારત છે.

ડોનાલ્ડ ટ્રમ્પ એના સ્વભાવ પ્રમાણે જતાં જતાં અમેરિકા માટે અથડામણના અનેક નવા મોરચાઓ ખોલતા જવાના છે. ચીન સાથેનો વ્યાપાર સંઘર્ષ એક ઠંડા યુદ્ધ જેવો જ નવો અધ્યાય છે. અમેરિકાના અર્થતંત્રને ઘસારો પહોંચાડવામાં ચીને આમ તો કંઈ બાકી રાખ્યું નથી અને હવે જે બાકી છે તે આ ટ્રેડવોરમાં પૂરું થઈ જશે. 

Tags :