મુંબઈની નાણાં ભીડ .
મુંબઈમાં ભીડ તો છે જ અને એમાં હવે નાણાંભીડ ઉમેરાઈ છે. મુંબઈની બજારો હવે બહુ ચેતીને ચાલે છે. લોખંડ બજાર અને કાપડ બજારમાં પણ ધંંધો પછી, પણ પહેલા સાવધાની. મુંબઈના નાગરિક જીવન પર એનો ઘેરો પ્રભાવ દેખાવા લાગ્યો છે. આજ સુધી મુંબઈની પ્રજાએ કદી પણ ગમતી વસ્તુ માટે પૈસાનો વિચાર કર્યો નથી પણ હવે મુંબઈની ખરીદ શક્તિ એકાએક જ ઘટી ગઈ છે.
મુંબઈની રિટેલ માર્કેટમાં પણ ડિમાન્ડ ઘટી રહી છે. આ બધું મુંબઈ શબ્દ જે જે અર્થચ્છાયાઓ ધરાવે છે તેનાથી વિરુદ્ધ છે. મન વિમાસણ કે ધન વિમાસણ મુંબઈને કદી માફક આવે નહિ. મુંબઈનો દરિયો મસ્તીનો છે. ગુજરાતના વિરાટ સાગર કિનારાને બદલે એક ટુકડો ચોપાટી ને એના પરનું એક ટુકડો આકાશ ગુજરાતી પ્રજાને એટલા વહાલા છે કે તેઓ આયુષ્યની એકેએક ક્ષણ મુંબઈમાં જ જીવવા ચાહે છે. અનેક અરાજકતાઓની વચ્ચે પણ અહીંના દરેક ગુજરાતીમાં મુંબઈ ધબકે છે.
મુંબઇનું ગુજરાતી નામકરણ ગુજરાતી સાહિત્યના ઇતિહાસના મૂર્ધન્ય સાહિત્યકાર રમણભાઈ નીલકંઠે મોહમયીનગરી એવું કર્યું હતું. મુંબઇ નગરીનો મોહ પ્રત્યેક ભારતીયને હોવાનું કારણ એ શહેરની ગ્લેમર કે આધુનિકતા કે ફિલ્મ ક્ષેત્ર નથી. મુંબઇ ચુંબકની જેમ સૌને આકર્ષે છે એનું કારણ ત્યાંનું મજબૂત અર્થકારણ છે.
મુંબઇને એક સમયના રોમ સાથે સરખાવાય છે. રોમ એટલું સમૃદ્ધ શહેર હતું કે ત્યાં કલા-સાહિત્ય-સંગીતનો સુપેરે વિકાસ થયો હતો. સામુહિક રીતે પૈસા જેટલું ઉચ્ચતમ સર્જનાત્મક ટોનિક બીજું એકેય નથી હોતું. મુંબઇની ચીરકાલીન સમૃદ્ધિના પાયામાં ગુજરાતીઓ, મારવાડીઓ અને પારસીઓના પરસેવાની કમાણી રહેલી છે. દોઢસો વર્ષ પછી પણ મુંબઇવાસીઓએ પૈસાનો વારસો જાળવી રાખ્યો છે. પરંતુ પૈસો હોવો અલગ વાત છે અને ખર્ચશક્તિ એ ભિન્ન બાબત છે.
ખર્ચશક્તિ કોઈ શહેરના અર્થતંત્રમાં તો જ દેખાય જો નગરવાસીઓની ઈચ્છાશક્તિ બળવત્તર હોય. ઈચ્છા સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક પરિબળો પર આધાર રાખતી લાગણી છે જે છેલ્લા થોડા સમયથી મુંબઈવાસીઓમાં ઘટતી જોવા મળે છે. ગઈ સાલની મુંબઇની દિવાળી છેલ્લા દસ વર્ષની સૌથી ઝાંખી દિવાળી સાબિત થઈ હતી.
'માર્કેટ ઠંડુ છે' જેવા વિધાનો ત્યારે કાને અથડાય જ્યારે ફક્ત ગ્રાહકો નહીં પણ વેપારીઓમાં પણ નિરુત્સાહ પ્રવર્તતો હોય. જોખમ ખેડવાની વૃત્તિમાં ઘટ આવે એની સીધી અસર બજાર પર દેખાય અને માટે લોકો પાસે નાણું હોવા છતાં ખિસ્સા તંગ થઈ જાય. મુંબઇ જેવું મેટ્રોપોલીટન શહેર હવે ફક્ત ખરીદ-વેચાણ ઉપર ટક્યું નથી હોતું. ત્યાંના અર્થતંત્રનો પચાસ કે તેથી વધુ ટકા હિસ્સો સવસ સેકટરમાંથી નીપજતો હોય છે.
પાળેલા કૂતરાને રોજ સાંજે આંટો મરાવી આપે એવા સ્ટાર્ટ-અપ પણ ત્યાં વર્ષેદહાડે લાખો રૂપિયા કમાતા હોય છે. પરંતુ છેલ્લા ત્રણેક વર્ષથી એવો માહોલ છે કે સવસ સેકટર પણ નીચું જઇ રહ્યું છે. લોકો મજા કરવાના કરકસરયુક્ત વિકલ્પો શોી લે છે. કંઈ અટકતું નથી તો કંઈ આગળ પણ ધપી રહ્યું નથી.
દેશની આથક રાજધાનીમાં રહેતા લોકોના 'અર્થમાનસ'માં આવો ધરખમ ફેરફાર આવતો હોય તો એ ચિંતાજનક વાત છે. પણ નવી દિલ્હીના નિર્મલા સીતારામન સહિતના સર્વે સત્તાધીશો અત્યારે ઠંડીના ચમકારાની અસર નીચે લાગે છે માટે મુંબઇની ચિંતાના ચમકારા તે લોકો સુધી પહોંચે એવું લાગતું નથી.
મુંબઈમાં એક પ્રકારે નવી ડિમાન્ડનો દુષ્કાળ છે. એમાં કેન્દ્ર વિરોધી ગઠબંધન સરકાર મહારાષ્ટ્રના નવા સુકાની તરીકે છે. એટલે કેન્દ્ર, જેનાથી મરાઠી પ્રજાનું કલ્યાણ થાય એવી કેટલીક કડવી ઔષધિઓ પણ મરાઠી પ્રજાને પીવડાવશે. મુંબઈ મંદીના અરધા વાસ્તવિક અને અરધા કપોળકલ્પિત ભય તળે ભીંસાઈ રહ્યું છે. શેર બજાર અને અન્ય બજારો વચ્ચે કોઈ તાલમેલ નથી.
દેશમાં મંદી હોય ત્યારે બજાર ઊંચા કૂદકા લગાવે અને સરકાર બાંધકામ ક્ષેત્રમાં પચીસ હજાર કરોડ રૂપિયા ઠાલવે ત્યારે ઈન્ફ્રાસ્ટ્રકચર કંપનીઓના શેર ગગડે. સામાન્ય માણસ માટે બજાર માપન પ્રક્રિયા જ બદલાઈ ગઈ છે. એવા સંજોગોમાં મુંબઈની પ્રજામાં એક એવી અસમંજસ આકાર લઈ રહી છે કે સ્તબ્ધતા જ સ્થાયીભાવ છે. મુંબઈએ બહુ રૂપિયો જોયો છે ને રૂપિયાની રોશનીમાં જિંદગીને જોઈ છે. દેશનું આ એકમાત્ર મહાનગર છે જેણે રૂપિયો જાતમહેનતે કમાઈને પછી એ જ રૂપિયાને પચાવી જાણ્યો છે. રૂપિયો પચાવવો આસાન નથી.