દીપડાનો વ્યાપક આતંક .
હવે ખરેખરા શિયાળાની શરૂઆત થઈ છે. સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. એનાથી રાત્રિઓ અધિક રળિયામણી થઈ છે. આકાશમાં તારલિયાઓની વચ્ચે વચ્ચે નક્ષત્રપતિ ચન્દ્ર સ્વૈરવિહાર કરતો દેખાય છે. વન્ય પશુઓ માટે વધુમાં વધુ ઠંડી રાતમાં શિકારની સર્વાધિક સાનુકૂળતા હોય છે. છેલ્લા પાંચેક વરસથી ગીરના હિંસક પ્રાણીઓ એની કુદરતી સીમાઓનું રહસ્યમય રીતે ઉલ્લંઘન કરી રહ્યા છે.
હમણાં સુધી તો સિંહના અતિક્રમણ અને તેને મનુષ્ય તરફથી જે યાતનાઓ આપવામાં આવતી હતી તેના વીડિયો વાયરલ થયા હતા. આજથી દસેક વરસ પહેલાં ગીરના થોડાક સિંહ પાલીતાણા શેત્રુંજય પર્વતરાજની તળેટીમાં દેખાયા હતા. સિંહને સતત લીલા કે સૂકા ઘાસનો ઓથાર મળે તો એ શિકારની શોધમાં આગેકૂચ કરતા રહે છે. હવે તો સિંહ ગીરના રાષ્ટ્રીય અભયારણ્યમાં છે એટલા જ કદાચ એની બહાર છે. પરંતુ એકાએક જ દીપડાએ વલસાડથી દીવના કિનારા સુધી આતંક મચાવ્યો છે.
છેલ્લા ત્રણ-ચાર માસમાં સંખ્યાબંધ નિર્દોષ નાગરિકોને એણે ફાડી ખાધા છે. સોથી વધુ નાગરિકો મોતના મુખમાં ધકેલાયા પછી રાજ્ય સરકારે દીપડા માટે દેખો ત્યાં ઠારનો હુકમ કર્યો છે. એ હુકમ પણ કોંગ્રેસના ધારાસભ્યોએ બંદૂક હાથમાં લીધી પછી. સરકારના આવા હુકમથી જાનહાનિ અટકી જવાની નથી કારણ કે દીપડાઓની વસ્તી બહુ વધી ગઈ છે.
દીપડો બહુ જ ચાલાક અને ખતરનાક પ્રાણી છે. એ શિકાર કરતા પહેલા રેકી પણ કરે છે. શિકારને વૃક્ષની ઊંચી ડાળે લઈ જઈ નિરાંતે એકાંતિક મિજબાની એનો શોખ છે. દીપડીનો ગર્ભકાળ ત્રણ માસનો હોય છે અને તે એકસાથે બે બચ્ચાંને જન્મ આપે છે. દીપડાંનું અંગત જીવન બારમાસી છે. એનો શિકારનો સમય સાંજથી વહેલી સવાર સુધીનો છે. સિંહના આક્રમણમાંથી ઘણા શિકાર છટકી જાય છે કારણ કે સિંહનું શરીર ભારે છે. દીપડાના ચક્રવ્યૂહમાંથી ભાગ્યે જ કોઈ છટકી શકે.
હજાર સિંહમાં એકાદ સિંહ જ માનવભક્ષી હોય છે જ્યારે દીપડો તો જન્મે માનવભક્ષી હોય છે. મુખ્યત્વે શાકાહારી પ્રાણીઓ એનો ખોરાક છે. શિકાર ન મળે તો એ સરિસૃપ પણ ગળી જાય છે. આજે રાજ્યમાં પરિસ્થિતિ એ છે કે ઘર અને ખેતરની વચ્ચે મધરાતે અવરજવર કરતા ખેડૂતો દીપડાનો આસાન શિકાર બને છે.
એકાદ કિસાન દીપડાથી હણાય પછી જ એ પંથકને ખબર પડે છે કે અહીં દીપડાની આવનજાવન શરૂ થઈ છે. દીપડાંનું શરીર ગરમ ભઠ્ઠી જેવું હોય છે. એને વારંવાર ખોરાકની જરૂર પડે છે. માનવ વસાહતોમાં તે ચૂપકિદીથી પ્રવેશે છે. બાળકોને તે બહુ ઝડપથી ઉપાડી જાય છે. પહેલી તરાપમાં જ તે એવો પંજો પછાડે છે કે શિકારનો શ્વાસ અને અવાજ એકસાથે બંધ થઈ જાય છે. દેશમાં દીપડાઓની વસ્તી જૂની ગણતરી પ્રમાણે દસ હજાર આસપાસની હતી જે હવે બમણી થવા આવી હશે.
સિંહના મહેસૂલી વિસ્તારોમાં અતિક્રમણને દાયકા ઉપરાંતનો સમય વહી ગયો છે છતાં રાજ્ય સરકારે એના પર કોઈ સંશોધન પ્રોજેક્ટ શરૂ કરાવ્યો નથી. સરકાર પાસે ગીરના સિંહના સ્વાભાવિક અને પ્રાકૃતિક પરિવર્તનો વિશે કોઈ સંશોધન આધારિત માહિતી નથી.
અગાઉના મુખ્ય સહિતના અનેક પ્રધાનોએ સિંહને બદલે જમીનોના સંશોધનો જ કર્યા છે અને ગીર નજીકના વિસ્તારોમાં પોતાની વિવાદાસ્પદ અને અપ્રમાણસરની સંપત્તિનો વિસ્તાર કર્યો છે. હાલની ગુજરાત સરકાર પાસે ગ્રાસરૂટ લેવલની માહિતી જ સમયસર પહોંચતી નથી. આખા ગુજરાતે હેલ્મેટ ખરીદી લીધા પછી સરકારે પોતાનું માથું ફેરવી લીધું. એ જ રીતે સંખ્યાબંધ લોકો જેમાં મુખ્યત્વે ખેડૂતો છે એણે જાન ગુમાવ્યા પછી સરકારે દીપડાને ઠાર મારવાનો હુકમ કર્યો.
સમગ્ર એશિયાનું વાતાવરણ દીપડાને અનુકૂળ આવે છે. ગુજરાતમાં રણ સિવાયના તમામ વિસ્તારોમાં દીપડાને ફાવે છે. આ વરસે તો થોડા થોડા અંતરે કુદરતી પાણી પશુઓને મળી રહે છે. નાનામોટા ડુંગરાળ પ્રદેશો પણ એને માફક આવે છે. ગીરકાંઠાના બગસરા વિસ્તારમાં ચોતરફ નાના નદી-નાળા-તળાવ છે અને પાછલા વરસાદને કારણે વનરાજિ પણ ઘટાટોપ ખિલી છે. એને કારણે આજકાલ અહીં એંસીથી વધુ દીપડાંઓનો મુકામ છે. સીમમાં વાડીએ કે ખેતરે હવે કોઈ જઈ શકે એમ નથી.
જૂનાગઢ, અમરેલી અને ગીરસોમનાથ આ ત્રણેય જિલ્લાના તમામ ગામડાંઓમાં સ્વયંભૂ સંચારબંધી લાગુ પડી જાય છે. કારણ કે દીપડો કોઈને એક સેકન્ડ પણ વિચારવાનો સમય આપતો નથી. સરકારે વનખાતાની થોડી ટીમો દોડાવી છે અને એથી ચાર પાંચ દીપડાઓ પીંજરે પૂરાયા છે પણ આ રીતે રેવન્યૂ વિસ્તારમાંથી દીપડાઓ ખાલસા નહિ થાય. હજુ વધુ આક્રમકતા સાથે વન ખાતાએ કામ કરવું પડશે નહિતર આગામી દિવસોમાં વધુ નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાશે.