Get The App

ટોપી પહેરવાની તૈયારી

Updated: Aug 16th, 2018

GS TEAM

Google News
Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર ૨૦૧૧માં એક મુસ્લિમ સૂફી સંત કક્ષાના નાગરિકે અર્પણ કરેલી ટોપી પહેરવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. આજે મોદીમીડિયા ટુકડીનો ભાગ બની ગયેલી ચેનલોએ એ સમયે મોદીએ નહિ પહેરેલી ટોપીને ચર્ચાને ચાકડે ચડાવી ભાજપની પાઘડી ઉછાળી હતી. દિલ્હી જઈને અખંડ હિન્દુસ્તાનનો સાક્ષાત્કાર કર્યા પછી અને ઈ.સ. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં સંભવિત ઘટતી બેઠકોની પરિપૂર્તિ કાજે વડાપ્રધાને હવે ટોપી પહેરવાની તૈયારી કરી લીધી હોય એવો અણસાર ભાજપના મુખ્યાલય નજીકથી આવે છે.

આમ તો એ જાણીતી વાત છે કે મિસ્ટર મોદી સત્તામાં ટકી રહેવાનું ટોનિક શોધતા-શોધતા હવે સંઘ અને ભાજપના મૂળભૂત એજન્ડાથી બહુ દૂર નીકળી ગયા છે. તેઓ હવે એક એવા સર્વતોમુખી, સર્વપ્રસન્નોસ્તુ રસાયણની શોધમાં છે જે તેઓને યાવતચંદ્ર આ દેશના વડાપ્રધાનપદે ટકાવી રાખે. દેશના તમામ હિન્દી ભાષી રાજ્યો એમને સાવ શરૃઆતમાં પ્રધાનમંત્રી કહેતા હતા પરંતુ ગુજરાતીને કારણે હવે હિન્દીમાં પણ તેઓને બડાપ્રધાન કહેવામાં આવે છે. આ બડ્ડપન કે વડપણ નિભાવવા માટે તેઓએ બહુ દીર્ઘ વ્યૂહરચના સાથે ટોપી પહેરવાની હવે તૈયારી કરી લીધી લાગે છે.

આમ તો વડાપ્રધાને આ પ્રકારનો આત્મસુધારણાનો માર્ગ ઈ.સ. ૨૦૧૬ના સપ્ટેમ્બરમાં કેરળ જઈને પસંદ કરેલો છે. જ્યાં તેમણે કોઝિકોડમાં આયોજિત ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં દિનદયાળ ઉપાધ્યાયના ઉચ્ચારોને ટાંકતા કહ્યું હતું કે મુસ્લિમોને ન પુરસ્કૃત કરો, ન તિરસ્કૃત કરો, પરંતુ એમને પરિષ્કૃત કરો. એ સમયે નરેન્દ્ર મોદીના આ વિધાનો સાંભળીને ભાજપ અને સંઘના જૂના નેતાઓ સ્તબ્ધ થઈ ગયા હતા! પરંતુ પછી તબક્કાવાર તેઓને ખ્યાલ આવ્યો કે હવે પક્ષીય વિચારધારાનો ઢળતો ઢાળ કઈ તરફ છે! જો કે વડાપ્રધાનની કાર્યશૈલી સદાય ચોક્કસ વ્યૂહરચના સંદર્ભે જ હોય છે, તેઓ કદી કોઈ ઉતાવળા વિધાનો કરતા નથી, એટલે જ તેઓ દેશના એવા પ્રથમ વડાપ્રધાન છે જેઓ પત્રકાર પરિષદનો સામનો કરવાથી ડરી રહ્યા છે.

કેરળથી ઉડીને દિલ્હી આવ્યા પછી તુરત તેમણે દેશભરમાં ૧૦૦ મુસ્લિમ પંચાયતો (જેને પ્રોગ્રેસિવ પંચાયતનું નામ આપવામાં આવ્યું છે)નું સ્ટ્રક્ચર તૈયાર કર્યું. વડાપ્રધાને પ્રસંગોપાત એમ પણ કહ્યું છે કે મુસ્લિમોને મતની દુકાન-વૉટશૉપ ના માનો, તેમને તિરસ્કારો નહિ, તેમને ચાહો અને અપનાવો. અન્ય રાજકીય પક્ષોએ દેશના મુસ્લિમોના મનમાં ભાજપ પરત્વે ભયની લાગણી સન્ક્રાન્ત કરીને પોતાના પક્ષની સાથે રાખ્યા છે પરંતુ આપણે એમનો વિશ્વાસ જીતીને હવે આપણી સાથે રાખવાના છે.

ભાજપ અને મોદીની મુસ્લિમ રણનીતિમાં છેલ્લા ત્રણેક વરસથી ઘણું પરિવર્તન આવ્યું છે. પ્રોગ્રેસિવ પંચાયતો માટે દેશના ૧૫ રાજ્યોની ૧૦૦ મુસ્લિમ બહુસંખ્ય ટેરિટરીને પસંદ કરવામાં આવી છે. કેન્દ્રીય અલ્પસંખ્યક મંત્રાલય કહે છે કે અમે મુસ્લિમોના તુષ્ટિકરણ વિના સશક્તિકરણ માટે કામ કરી રહ્યા છીએ. એની સામે અસદુદ્દીન ઓવૈસી જેવા નેતાઓ કહે છે કે ભાજપની કથની અને કરણીના તફાવતને જોવો પડશે.

અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટી અને જામિયા મિલિયા ઈસ્લામિયાનો લઘુમતિનો દરજ્જો ભાજપના આ જ નેતાઓએ રદ કરાવ્યો છે. ઈ.સ. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં મુસ્લિમ મતદારોનો ઝુકાવ કઈ તરફ રહેશે એ હજુ અનિશ્ચિત છે. ઉપરાંત દેશમાં દરેક રાજ્યના મુસ્લિમોનો અભિગમ જુદો પડવાની પણ શક્યતા છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સામે દક્ષિણમાં રામરાંગણ જેવું વાતાવરણ છે, એની સામે ઉત્તર અને પૂર્વ-પશ્ચિમ ભારતમાં કંઈક સમતોલ અને અણધારી સ્થિતિ છે. આ સંજોગોમાં પોતાની સરકારની નીતિઓમાં એનડીએ કેવો વળાંક લાવી શકે છે તેના પર પણ મુસ્લિમ મતદારોની નજર રહેશે.

ભાજપની સર્વકાલીન વૉટબેન્ક ગણાતા હિન્દુઓમાં પણ કેન્દ્ર અને રાજ્ય સરકારોની નીતિને કારણે અભિગમ બદલાઈ ગયા છે અને હિન્દુ મતોનું પણ વિભાજન થવાની શક્યતા છે. આ વિભાજન ઝડપી બનાવવા માટે કોંગ્રેસે ઘણા લાંબા સમયથી મંદિરોની યાત્રા શરૃ કરી છે, કોંગ્રેસને વળી એવો આત્મબોધ લાધ્યો છે!

Tags :