ઈન્ડિયન મોટિવેશનલ માર્કેટ
ભારતમાં સૌથી વધુ યુવા વયના નાગરિકો છે. આ વિધાન સાથે સરેરાશ દર બીજા અતિથિવિશેષના વ્યાખ્યાનની શરૂઆત થતી હોય છે. ભારતમાં યુવાનોની સંખ્યા વધુ છે એ હકીકત ભારતના ફાયદા તરીકે વર્ણવવામાં આવે છે. પણ સવાલ એ છે કે જો ભારતમાં યુવાધન આટલું પ્રબળ હોય તો એને આટલા બધા ઉછીના મોટિવેશનની જરૂર કેમ છે ? દર ચાર રસ્તે એક મોટીવેશનલ પ્રોગ્રામની જાહેરાતના ચોપાનિયાઓ છપાતા હોય છે અને વહેંચાતા હોય છે.
મોટીવેશનલ સેમિનારોમાં કદાપિ મંદી આવતી નથી. યુવાનોમાં જુસ્સો જગાવવાનું કથિત સેવાભાવી કામ કરનારા લોકોને એ પૂછવું રહ્યું કે ભારતનો યુવાન આટલો બધો દિશાહીન છે કે તેને કેમ જીવવું એ સલાહો આપવી પડે? બધા પ્રકારના ગેજેટ્સની સાથે જીવતા યુવાનની જિંદગીમાં એવું તો શુ ખૂટે છે કે તેનામાં જીજીવિષા ભરવા માટે આવા ભાષણો આપવા પડે ?
ઉત્તર ધુ્રવને સર કરનારો રોબર્ટ પિયરી હતો. દક્ષિણ ધુવને પ્રથમ વખત સર કરનારો રોનાલ્ડ આમુનસન હતો. માઉન્ટ એવરેસ્ટ સર કરનારા પહેલા માણસો તેનસિંગ અને હિલેરી હતા. દુનિયાની પ્રદક્ષિણા કરનારો મેગેલન અને ભારત શોધવા કોલંબસ નીકળેલો. આ બધા લોકોમાં સામ્ય શું? આ કોઈએ મોટીવેશનલ સેમિનાર એટેન્ડ કર્યા ન હતા.
પોતાની અંદરથી આવેલા જુસ્સાને કારણે તેઓ અભૂતપૂર્વ કામ કરી શક્યા. સફળતા હંમેશા અંદરના કરેલા કામથી આવે, બહારથી નહીં. આજકાલ પાટનગર નવી દિલ્હીમાં મોટિવેશનલ સેમિનારોની ધૂમ મચી છે. દિવાળી પછીના વિન્ટર સેશનમાં તો હજુ ઔર ગરમી આવશે. દેશમાં દર દસ વક્તાઓમાંથી સાત વક્તા હવે મોટિવેશનની વારતા કરનારા છે. આ એક નવો પ્રલય છે જે આથક મંદી અને બેરોજગારીના આ સમયમાં ખુશનુમા લાવવાની મથામણ કરે છે.
ત્રણ-ચાર વર્ષ પહેલાનો સમય યાદ કરો. આખા દેશમાં સ્ટાર્ટ અપની હવા હતી. કેટલા બધા યુવાનો સ્ટાર્ટ અપનું સાહસ ખેડી રહ્યા હતા. સરકારે સ્ટાર્ટ અપ ઇન્ડિયા પ્રોજેકટ હેઠળ સમારંભો કર્યા. સ્ટાર્ટ અપ ઉપર પચાસથી વધુ પુસ્તકો બહાર પડયા. જુદી જુદી યુનિવસટીઓમાં સ્ટાર્ટ અપના ખાસ સેલ શરૂ થયાં.
યુવાનો આઈઆઈએમ છોડીને પોતાના સ્ટાર્ટ અપ બાજુ વળ્યાં હોય એવી સ્ટોરી સાંભળવા મળી. આજે પરિસ્થિતિ શું છે ? લાખો અને કરોડો યુવાઓ બેકાર છે, અડધોઅડધ સરકારી પરીક્ષાની તૈયારીમાં લાગ્યા છે. યુવાનોમાં જે એકસમયે આત્મવિશ્વાસ હતો એ ફક્ત સોશ્યલ મીડિયાની દીવાલ ઉપર દેખાય છે. રાજસ્થાનના કોટામાં અત્યાર સુધી માત્ર પ્રવેશ પરીક્ષાઓ અને ગવર્નમેન્ટ જોબ માટેના ક્લાસિસ જ ચાલતા હતા, ત્યાં પણ હવે મોટિવેશનના નવા સંસ્થાનો ચાલુ થયા છે.
ખરા મોટિવેશનના તીર્થસ્થળ તરીકે ઘરની જ પ્રમુખ પ્રતિા છે. સંતાનો જે કંઈ સત્ત્વતત્ત્વ ગ્રહણ કરે છે એ ગંગા ઘરના વાતાવરણમાંથી જ વહે છે. શાળાઓએ વિદ્યાર્થીઓને ઈતર વાંચનની ટેવ છોડાવી દીધી છે. મહદ અંશે શિક્ષકો પણ સંદર્ભ વાંચન કે ઈતર વાંચનથી મુક્ત છે. આ સંયોગોમાં વિદ્યાર્થીઓને પ્રેરકપાઠ ક્યાંથી મળશે એની ચિંતા કરવાનો યુગ હવે સમાપ્ત થઈ ગયો છે કારણ કે દેશના તરુણો અને યુવાનોની આંગળીઓના ટેરવે આખું જગત ઈન્ટરનેટ દ્વારા આવી પહોંચ્યું છે.
એનો અર્થ છે કે મોટાભાગના લોકોને તો મોટિવેશન ગુરુઓ એ જ ભણાવે છે જે તેઓ જાણી ચૂક્યા છે. પુનરાવર્તનના ત્રાસની મુખ્ય ધારા જ હવે મોટિવેશનલ વારતાઓ છે. બેંગ્લોર અને પૂના પણ હવે કોટાની સાથે રેસમાં ઉતર્યા છે. બેગ્લોરનો પ્રોબ્લેમ એ છે કે રસ્તા પર વાહનો ઊભા જ રહે છે, ચાલતા નથી. અતિશયોક્તિ છે પરંતુ હકીકત છે કે દરરોજ ચાર-ચાર કલાકના ટ્રાફિક જામ અહીં થાય છે. બેંગ્લોરમાં વિદ્યાર્થીઓને ઘરે મોટિવેશનલ ટયુશનની નવી ફેશન શરૂ થઈ છે.
અધ્યાપકોનો એક વર્ગ કે જે કોલેજોમાંથી ફાજલ થયેલો છે તે ઘરે ઘરે જઈને મોટિવેશનલ ટયુશન આપે છે. કેટલાક અધ્યાપકો તો માતાપિતા અને સ્ટુડન્ટ બધાને સાથે લેક્ચર આપવામાં આવે છે. બેગ્લોરની મમ્મીઓએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે આવા ટયુશન પેરેન્ટસ્ને ડિપ્રેશનમાં બહુ મોટી રાહત આપે છે.
જો કે આનો અર્થ એ નથી કે વિદ્યાર્થીઓને મોટિવેશનલ દુનિયા ઉપકારક નથી. કદાચ કોઈકને ક્યારેક એક ચિનગારી હૃદયમાં લાગી જાય તો એની જિંદગી નવી ઊંચાઈઓ સર કરવા લાગે છે. કોને કઈ ચિનગારી ક્યારે અને ક્યાંથી સ્પર્શ કરશે એ તો અદ્યાપિ એક રહસ્ય જ છે.