Get The App

જળ એ જ જોખમ .

Updated: Feb 14th, 2019

GS TEAM

Google News
Google News
જળ એ જ જોખમ                                 . 1 - image



સમગ્ર ઉત્તરપ્રદેશમાં પીવાના પાણીની ચિંતા પ્રલયની જેમ ફેલાઈ રહી છે. એક તરફ પ્રદેશમાં આગામી લોકસભા ચૂંટણીના જંગના ખાંડા ખખડી રહ્યા છે ને તમામ મતવિસ્તારોમાં રાજનેતાઓના પ્રવાસોની ધૂમ મચી છે ત્યારે જ પ્રદેશના ૫૪ જિલ્લાઓના હેન્ડપમ્પને લોક કરવાનો હુકમ થયો છે કારણ કે હવે એના ભૂતળમાંથી આવતું પાણી મોતનો પયગામ બની ગયું છે.

અહીં જળ એ જ જોખમ છે. વાતાવરણમાં બાહરી રાજકીય ઉત્તેજના છે પરંતુ લાખો નાગરિકો પર અણધારી હિજરત તોળાઈ રહી છે. અનેક વરસોથી આ પ્રદેશના વિવિધ પેયજળ સંબંધિત પરીક્ષણોના પરિણામો સાવધાનીની ઘંટડી તો વગાડતા જ રહ્યા છે પરંતુ એ સાંભળે કોણ ? આપણે ત્યાં રાજકીય વાજા વગાડવા ને રાજકીય ઢોલ સાંભળવા એ એક જ પ્રવૃત્તિ હોય એમાં પીવાના પાણીની વાત કોણ કાને ધરે ? શાને ધરે ? 

આ વખતે ઉત્તર પ્રદેશમાં પેયજળની ગુણવત્તા એટલી હીન સાબિત થઈ છે કે એને ઝેરી પાણી તરીકે જ જાહેર કરવામાં આવ્યું છે. જેઓ પાણી ખરીદીને પી શકે છે તેઓ બચી શકે પરંતુ ઉત્તર પ્રદેશમાં જનજીવનનું આથક ધોરણ એવું તો નથી કે મિનરલ વોટર બધાને પોસાય. આજકાલ જો કે દેશમાં મિનરલ વોટર સામેની નવી જાગૃતિ ઝુંબેશ પણ ચાલુ થઈ છે.

કેટલાક બિન સરકારી સંગઠનો કુદરતી જળ અભિયાન ચલાવી રહ્યા છે. આ મિનરલ વોટરમાં પીવાના પાણી માટે જે સત્ત્વતત્ત્વ હોવા જોઈએ તે પૂરતી માત્રામાં હોતા નથી. પાણીને સ્વાદિષ્ટ બનાવવા માટે મિનરલ વોટર કંપનીઓ જે પ્રમાણે ટીડીએસના લેવલ સેટ કરે છે તે આરોગ્ય માટે ગંભીર ખતરો નોંતરે છે.

આજે દેશના મહાનગરોમાં અનેક દર્દીઓ એવા છે જેઓ વિટામીન બી-૧૨ના ઇન્જેક્શન લેવાની સ્થિતિએ પહોંચી ગયા છે. જેઓને શરીરમાં સાંધાના વાંધા હોય તેમાંના કેટલાક કિસ્સામાં તો મિનરલ વોટર પીવાની (કુ)ટેવ  જ જવાબદાર માનવામાં આવે છે.

ઉત્તર પ્રદેશમાં કુદરતી જળ જ ઝેરી થવા લાગ્યું છે એટલે ડોક્ટરો ત્યાં મિનરલ વોટરની હિમાયત કરવા લાગ્યા છે. કેન્દ્રના પેયજળ અને સ્વચ્છતા મંત્રાલયે હમણાં જાહેર કરેલા રિપોર્ટમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે પશ્ચિમ ઉત્તર પ્રદેશના ૧૫૪ વિસ્તારોમાં જેઓ આ પાણી પીશે તેમને જીવલેણ રોગ થશે.

પરિસ્થિતિ અત્યારે એવી છે કે નાગરિકો ન તો પોતાનું વતન છોડી શકે છે અને ન તો શુદ્ધ જળ મેળવી શકે છે. આને કારણે આવનારા દિવસોમાં તેના ગંભીર પરિણામો દેખાશે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ પાઠવીને આ અંગે તાત્કાલિક પગલાં લેવાની સૂચના આપી છે પરંતુ એ નોટીસ પણ મુખ્યમંત્રી કાર્યાલયમાં ક્યાં ખોવાઈ જશે તે નક્કી જ છે.

આજ સુધીની કોઈ સરકારે પેયજળમાં ધ્યાન આપ્યું નથી એને કારણે સંબંધિત વિસ્તારોની પ્રજા એ જ ઝેરી જળ પીવા વિવશ છે. સરકારના ખોટા અગ્રતાક્રમો પ્રજાને હવે મોતના મુખ સન્મુખ લઈ આવ્યા છે. 

પશ્ચિમી ઉત્તર પ્રદેશના મોટા ભાગના ભૂતળમાં એક તો પાણી ઊંડે ઉતરી ગયા છે અને એ પાણી હવે વિષયુક્ત છે. જેઓ વધુ ઊંડા ભૂતળમાંથી પાણી મેળવે છે તેઓને પણ વિષયુક્ત જળ પ્રાપ્ત થવા લાગ્યા છે. પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં ઓછા ઊંડા અને વધુ ઊંડા એમ બે પ્રકારના જળના સ્તર છે અને બન્નેમાં ઝેરી જળ છે.

આ જળમાં ઓર્સેનિક, ફ્લોરાઈડ, સિસું, તાંબુ, લોહ અને કેડેમિયમ જેવા તત્ત્વોની માત્રા ખતરનાક સ્તરે છે. ઉપરાંત મુખ્યમંત્રી મિસ્ટર આદિત્યનાથના વતન ગોરખપુરમાં તો ભૂતળના જળ સૌથી વધુ ઝેરી છે. પશ્ચિમી ઉત્તર પ્રદેશની આટલી મોટી જનસંખ્યા રાતોરાત તો સ્થળાંતર કરવાની નથી. ઉપરાંત લાખોની વસ્તી માટે સરકાર પણ તાકીદના કોઈ પગલા લઇ શકે એમ લાગતું નથી. એને કારણે માનવ જીવનની એક એવી હોનારત રહેવાની છે જે જોઈને દેશ અને દુનિયા સ્તબ્ધ થઇ જવાની દહેશત છે. 

સૌથી ગંભીર વાત એ છે કે ઉત્તરપ્રદેશની જનતાને ખબર જ નથી કે આટલા બધા મોટા વિસ્તારના ભૂતળના જળ ઝેરી બની ગયા છે. અત્યારે તો મુખ્યત્વે પશ્ચિમી ઉત્તર પ્રદેશની હાલત જ ઝેરી જળથી ઘેરાયેલી છે, પરંતુ નજીકના ભવિષ્યમાં જ સમગ્ર ઉત્તર પ્રદેશની પરિસ્થિતિ આવી જ થઈ જવાની છે.

સરકારે તાત્કાલિક આ દિશામાં રાષ્ટ્રીય સ્તરનો સંશોધન પ્રોજેક્ટ શરૂ કરવાની જરૂર છે. કારણ કે એ રહસ્ય હજુ તો કોઈ જાણતું જ નથી કે ભૂગર્ભના જળ ક્યાં ગતિ કરી રહ્યા છે અને જે છે એ કેમ પ્રદૂષિત થઇ રહ્યા છે? આ કામ કોઈ એકલ-દોકલ સંસ્થાઓ કે વ્યક્તિ કરી શકે નહિ આ માટે સરકારે નવું જ મિશન ચાલુ કરવું પડે.

અત્યારે તો મિશન ૨૦૧૯માં સહુ વ્યસ્ત છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે હજારોની સંખ્યામાં જે હેન્ડપમ્પ લોક કરવાનો હુકમ કર્યાે છે એનો જ્યારે વ્યાપક અમલ થશે ત્યારે ખરેખરા સ્થળાંતરો શરૂ થશે. આદિત્યનાથની સરકાર પાસેથી તે આ દિશામાં કંઈક કામ કરે એવી અપેક્ષા તો બહુ વધારે પડતી કહેવાય.

Tags :