Get The App

અર્થતંત્રમાં વસંત ક્યારે ?

Updated: Apr 14th, 2019

GS TEAM

Google News
Google News
અર્થતંત્રમાં વસંત ક્યારે ? 1 - image



કેન્દ્રમાં કોઈ પણ સરકાર આવે, અત્યારે તો ભારતીય અર્થતંત્રને ઉપકારક નીવડે એવું ચિત્ર ભાજપ કે કોંગ્રેસ કોઇ પાસે નથી. દેશમાં જે પ્રાદેશિક પક્ષો છે જેઓ આ વખતે ટેકાની મહત્વની ભૂમિકા અદા કરવાના છે, તેમની પાસે તો રાષ્ટ્રીય કક્ષાનું આથક કોઈ વિઝન જ નથી. તેઓ સહુ પોતપોતાના કૂપમા મંડુકાવતાર લઈને કૂદાકૂદ કરી રહ્યા છે. 

ભાજપ કે કોંગ્રેસ બેમાંથી કોઈ પણ સરકાર સત્તા પર આવે એનાથી અર્થતંત્રને હવે તો નુકસાન થવાનું નક્કી જ છે, કારણ કે જે રીતે મતદારોના મત ખરીદવા માટે બંને રાજકીય  પક્ષોએ સરકારી તિજોરીની છુટ્ટે હાથે એડવાન્સ રોકડ જયાફત ઉડાવી છે તે જોતા ભારતીય અર્થતંત્રના મૂળભૂત માળખાને ગંભીર હાનિ થવાની છે.

જતાં જતાં એનડીએ સરકારે જેટ એરવેઝ જેવી ખાનગી કંપનીઓને ખોળે બેસાડીને ભારતીય બેન્કોના કરોડો રૂપિયાની ધિરાણના પેકેજિંગમાં કદી પાછા ન ફરનારા નગદનાણાંની લ્હાણી જ કરી છે. જેટ એરવેઝ એક નામી કંપની છે અને એને ઉગારવા માટે વડાપ્રધાન મોદીના કાર્યાલયમાં આજકાલ સતત ધમાલ ચાલે છે. વડાપ્રધાન કાર્યાલયની સૂચના પ્રમાણે જેટ એરવેઝને કરોડો રૂપિયાનું નવું ધિરાણ હજુ પણ મળી રહ્યું છે.

નામી ન હોય તેવી પણ દેશમાં કેટલીક ખાસમખાસ કંપનીઓ છે જે ભાજપ મુખ્યાલયમાં 'લિસ્ટેડ' છે. આ કંપનીઓને પણ કરોડોના ધિરાણો મળતા રહે છે. એનો સરવાળો જ્યારે પ્રજા સમક્ષ આવશે ત્યારે લોકો સ્તબ્ધ થઇ જશે. વિજય માલ્યા અને નીરવ મોદી જેવા મગરમચ્છ ઉપરાંત નામી ન હોય તેવા મોટા માછલાઓને ભાજપ શા માટે પાળી અને પંપાળી રાખે છે તે એક કોયડો છે.

ગુજરાત સરકાર અને ભારત સરકાર આસમાનને આંબે એટલા દેવામાં ગળાડૂબ છે. જે દેવું ઊભું કરવાની પ્રવૃત્તિ મોદીએ ચાર્વાકનીતિ પ્રમાણે ગુજરાતમાં દાખલ કરી એ જ પદ્ધતિનો છેલ્લા પાંચ વરસમાં ભારત સરકારને પણ 'લાભ' મળેલો છે.

એટલે કેન્દ્રમાં જે નવી સરકાર આવે એના હાથમાં ભયાવહ આથક ભારણ ધરાવતો વારસો આવવાનો છે. હજુ તો સરકારની રચનાને બહુ વાર છે, તો પણ નવી સરકારના સંભવિત બજેટ પરના તમામ સંભવિત ભારણો અને એના કારણો લોકોને આજથી જ દેખાવા લાગ્યા છે. આમાં બહુ સરળતાથી અર્થતંત્રનો ઉદ્ધાર થાય એવી કોઈ જ શક્યતા નથી. ફૂલગુલાબી આથક વસંતતુ માટે ભારતે રાહ જોવી પડશે. 

નવી સરકારે સામાન્ય રીતે તો પાછલી સરકારના આથક સુધારાઓ આગળ વધારવાના હોય છે. પરંતુ લોકસભાની ચૂંટણી પછી હવે જે સરકાર રચાય એણે તો ભારતીય અર્થતંત્રમાં સુધારણાનો નવો એકડો ઘૂંટવાનો છે. આર્થોેપેડિક મેડિકલ સાયન્સમાં હેન્ડ એન્ડ શોલ્ડર સિન્ડ્રોમની થિયરી છે. કોઈક વિરલ અકસ્માતમાં વ્યક્તિ લખવાનું ભૂલી જાય છે.

એણે એકડે એકથી કક્કો અને બારાખડી શીખવા પડે છે. પાછલા પાંચ વરસમાં અરૂણ જેટલી 'આણિ' મંડળીએ ભારતીય અર્થતંત્રને પ્રયોગશાળાનો દેડકો માનીને એના પર બહુ અખતરાઓ કર્યા છે. ભારતીય વેપારીઓની અભૂતપૂર્વ કુનેહ, શાણપણ અને પરંપરાગત ડહાપણને કારણે જ આપણો દેશ ઊંડા ખાડામાં જતા બચી ગયો છે.

ભારત સિવાયનો દુનિયાનો કોઈ પણ દેશ હોત તો મહામંદીના વેરાન વગડામાં ફસાઈ ગયો હોત. ભારતીય પ્રજાએ નોટબંધી અને જીએસટીના આકરા સંકટ વખતે જે વિચારશીલ ધીરજ દાખવીને પરસ્પરની હૂંફમાં એ દુ:ખ પસાર કર્યુ છે એણે આપણી પ્રજાની પુખ્તતાનો પણ પરિચય આપ્યો છે. કોઈ એકલ દોકલ તઘલખી શાસકો દેશને વેરવિખેર કરવા ચાહે તો પણ રાતોરાત ભારતને વિચ્છિન્ન કરી શકાય એમ નથી. 

દેશના અર્થતંત્રનો ખાત્મો બોલાવવાના જો કોઈ સો નુસખા હોય તો તેમાંથી નવ્વાણુ તો અરૂણ જેટલી અજમાવી ચૂક્યા છે.

જે રીતે ખાનગી કંપનીઓના કલ્યાણાર્થે એનડીએ સરકાર કામ કરી રહી છે તે જોતાં સરકારી સસ્તી અને રાહતદરની સેવાઓ પર મોટી ઘાત છે. બીએસએનએલ તો એનો છેલ્લો નમૂનો છે. જિયોને જીવાડવા માટે બીએસએનએલની કૂણી ડોક મરડવાની કેન્દ્ર સરકારની ચાલાકી લોકનજરથી અજ્ઞાાત નથી.

એક તો આપણા દેશમાં મોબાઈલ ફોન સેવાઓના ઓપરેટરો જ ઓછા છે અને નહિવત હરીફાઈ છે, એને કારણે ગ્રાહકો બેફામ લૂંટાઈ રહ્યા છે. સરકારની જવાબદારી આવા સંજોગોમાં બજારમાં હસ્તક્ષેપ કરી ઉત્તમ અને વાજબી દરની સેવાઓનો હાઈટેક વિકલ્પ આપવાની છે, એને બદલે સરકાર ખુદ પીછેહઠ કરીને પસંદીદા ઉદ્યોગપતિઓને લૂંટ માટેના મેદાન ફાળવે છે.

આવું લગભગ બધા જ ક્ષેત્રોમાં છે. ઉર્જા ક્ષેત્રમાં પણ ભાજપે પોતાની પ્રિયતર કંપનીઓના લાભાર્થે વીજવપરાશી ગ્રાહકોને લૂંટવાનો મુક્તમાર્ગ, સેઈફ પેસેજ આપેલો છે. શાળા-કોલેજોની ફી અંગેના ધોરણો અંગે પણ આ જ નીતિ છે. ભાજપે ગુજરાતમાં તો વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચે લાંબી ચાલે એવી દુશ્મનાવટ ગોઠવી આપી છે. 

એનડીએ સરકારની તમામ આથક અણસમજનો પડછાયો લોકોની પારિવારિક જિંદગી, વ્યાવસાયિક અને વ્યાપારિક પ્રવૃત્તિ તથા બજાર પર પડે છે. એટલે જે નવી સરકાર આવશે એણે પહેલા તો બહુ જ બુદ્ધિપૂર્વક દેશમાં આથક અને વ્યાપારિક ક્ષેત્રે લાગેલા આઘાતોનું હળવે હળવે રિપેરિંગ કરવું પડશે. ઉપરાંત બજારને પ્રોત્સાહક નીવડે એવા નવા ધારા-ધોરણો ઘડવા પડશે.

નવી સરકાર પણ ભલે ભાજપની હોય કે કોંગ્રેસ હોય કે પછી જેની દહેશત છે એવી કોઈ વઘારેલી ખિચડી હોય, તે નવોદિત સરકાર આવતાવેંત બુલંદ અવાજમાં માત્ર હવાઈ વાર્તાઓ જ કરશે અને જો નવા નાણામંત્રી માં પણ કોઈ પણ પ્રકારની દ્રષ્ટિ સંપન્નતા નહીં હોય તો છેલ્લા પાંચ વર્ષનું જ પુનરાવર્તન થશે અને બજારને વધુ ગંભીર ફટકાઓ સહન કરવાના આવશે.

આજે સામાન્ય રોકાણકારનો અનુભવ બહુ દુ:ખદ છે, કારણ કે સમાચારોમાં એ જુએ છે કે શેરબજારમાં તેજી ફૂંફાડા મારી રહી છે, પરંતુ તેના પોર્ટફોલિયોમાં જે શેર છે તેનો ભાવ તો દસ પૈસા પણ વધતો હોતો નથી. કૃત્રિમ તેજીના વાદળો ભારતીય શેરબજાર પર છવાયેલા છે. રોકાણકારો માટે પણ આ સમય સખત સાવધાનીનો છે. 

Tags :