મંદીનો સ્વીકાર કેમ નહિ?
પ્રવર્તમાન ભારતમાં મંદીનો માહોલ ચાલે છે કે ઉદ્યોગ-ધંધા ઠંડા પડી ગયા છે એ મતલબનું એક પણ વિધાન ભાજપનો એક પણ નેતા ઉચ્ચારી શકતો નથી. પક્ષે એમના પર એવી કોઈ વાત બોલવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાલ મેઘરાજાની કૃપાદ્રષ્ટિ વિશેષ છે અને એ વરસાદની સાથે સાથે જ બિલાડીના ટોપની જેમ ઘરગથ્થુ અર્થશાસ્ત્રીઓ ફૂટી નીકળ્યા છે. આ નવાનક્કોર અર્થશાસ્ત્રીઓ વોટ્સએપના ઓટલે રાતભર જાગીને આડું-અવળું કંઈક ભણ્યા પણ છે.
તેઓ ભારતના અર્થતંત્રનું મનોરમ્ય વર્ણન કરવામાં પાવરધા છે. આપણા કાયદામંત્રી શ્રી રવિશંકર પ્રસાદે ગાંધીજયંતિના દિવસે કહ્યું કે ત્રણ ફિલ્મોએ એકસો વીસ કરોડનો નફો કર્યો છે માટે ભારતમાં મંદી છે એવું ન કહી શકાય. દર વર્ષે અર્થસ્ત્રમાં નોબેલ પ્રાઈઝ અપાય છે. જો તેની વિરુદ્ધમાં અર્થશાને વિકૃત કરવા માટે કોઈ એન્ટી-નોબેલ રેન્કિંગ આપવાનું થાય તો વર્તમાન ભારતમાં તેના ઘણા પ્રબળ દાવેદારો મળી શકે.
એક સમય હતો જ્યારે યુવાનો એવી ગેરસમજમાં રહેતા કે શેરબજાર એ અર્થતંત્રનું બેરોમીટર છે. પણ આજે એવો સમય આવ્યો છે કે ભાજપના પ્રવક્તાઓ પોતાના ગપ્પાને જ અર્થતંત્રની ફાઇનલ વ્યાખ્યા માને છે. મોલમાં ઉભરાતી ભીડ ઉપરથી મંદી નથી એવું નક્કી થાય છે. દિવાળી કે સાતમ-આઠમ ઉપર રસ્તાઓ ઉપરની ધસારો જોઈને ભારતીય અર્થતંત્ર ઉત્તુંગ શિખરો સર કરી રહ્યું છે એવા મેસેજ ફેલાવવામાં આવે છે.
ઓટોમોબાઇલ ક્ષેત્ર આઈસીયુમાં છે અને બીજા ઘણા ધંધાઓ ધીમા પડી રહ્યા છે એ હકીકત આંખ સામે હોવા છતાં મોદી સરકારે આંખ આડે અદ્રશ્ય પાટા બાંધી દીધા છે. અત્યારે મિસ્ટર મોદી તામિલનાડુના દરિયાકિનારે કચરો વીણીને પ્લાસ્ટિક બેગમાં ભરીને પોતાની સિદ્ધિઓનો પોર્ટફોલીયો બનાવવામાં વ્યસ્ત છે પણ અર્થતંત્રમાં વ્યાપી રહેલા રાજરોગને કેમ અટકાવવો એનો ઈલાજ કે કોઈ પ્લાન તેઓની પાસે હોય એવુ લાગતું નથી.
નિર્મલા સીતારામન કઈ યોગ્યતા ઉપર રક્ષામંત્રી હતા એ કોયડો ભારતીયો ઉકેલી શકે તેની પહેલા જ તેમને નાણામંત્રી બનાવવામાં આવ્યા. લાગે છે કે નિર્મલાજીના કેરી-કારેલા બજેટથી ત્રસ્ત થઈને લોકો સ્વ. અરુણ જેટલીજી અને તેમની આથક નીતિઓની પ્રશંસા કરવા મંડે એ આ સરકારની નેમ છે.
ભારતીયો અત્યારે બેવડો માર સહન કરી રહ્યા છે. એક તરફથી મંદીનો માર અને બીજી તરફ મોંઘવારીનો માર. મોદી સરકાર ભારતીયોના જમણનું મેન્યુ સતત બદલતું રહે એ તકેદારી રાખે છે. દર પખવાડિયે એક શાક કે ભાજીના ભાવ આસમાને પહોંચે છે અને કરોડો ઘરોના રસોડામાં એ શાક કે ભાજીના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકાઈ જાય છે.
રાફેલ વિમાનની ડિલિવરી આવી અને રાજનાથસિંહે વિમાન ઉપર લીંબુ-મરચા લટકાવ્યા એ તસ્વીર જોઈને ઘણા ભારતીયોએ મહિના પછી લીંબુ અને મરચાના દર્શન કર્યા એવું બન્યું. ઘણી ઓફિસોમાં કર્મચારીઓની છટણી થઈ રહી છે. ખેડૂતોને એના પાકના ટેકાના ભાવ મળે છે કે નહીં તે નક્કી નથી. કારખાનામાં કામ કરતા મજૂરો કે માણસોને છુટા કરવામાં આવે છે. છતાં પણ સરકાર ભક્તો અખાત્રીજ ઉપર વેચાયેલા સોનાના જથ્થાના આંકડાઓ કહીને મંદીનો શિરચ્છેદ ઉડાડવા તૈયાર છે.
આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે હમણાં જે વિધાનો કર્યા એનો અર્થ છે કે આપણું અર્થતંત્ર ખાડે ગયેલું હતું અને એમાં મંદી આવી એટલે સૌથી ગંભીર અસર ભારતને થવાની છે. એ તો જાણીતી વાત છે કે અઢાર મહિનાથી મંદીના પ્રવાહો ચાલુ છે અને એ ક્યાં જઈને યુ ટર્ન થશે એ કોઈ જાણતું નથી. છેક રઘુરામ રાજનના જમાનાથી રિઝર્વ બેન્ક પર કબજો જમાવવાની મિસ્ટર મોદીની નેમ હતી જે હવે પાર પડી છે.
રિઝર્વ બેન્કમાં હવે રિઝર્વ શું છે એ અભ્યાસનો વિષય છે અને એ પણ નક્કી જ છે કે મિસ્ટર મોદી આણિ મંડળી એમાં એક પાઈ પણ રહેવા દેશે નહિ. એનડીએ સરકારે રિઝર્વ બેન્કની તિજોરીમાં હાથ અડાડયો પછી અનેક કરન્સી એક્ષચેન્જ સેન્ટરોએ આઈએનઆર એટલે કે ભારતીય ચલણ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે. આ તો હજુ પ્રારંભિક હોંગકોંગ અને સિંગાપોર એક્ષચેન્જના અહેવાલો છે પરંતુ સરકારની આવી જ અણઘડ નીતિ ચાલુ રહેશે તો ભારતીય રૂપિયાનું ઘટેલું મૂલ્ય હજુ વધુ ઝડપે પતન પામશે.
દેશનું અર્થતંત્ર ભાજપના નેતૃત્વની એનડીએ સરકારથી પાટે ચડે એવી શક્યતા હવે નહિવત છે. કારણ એક જ છે કે આખી કેન્દ્ર સરકાર અત્યારે તેજી હોવાની વાત પ્રજાને મનમાં ઠસાવવા પર એકાગ્ર છે. મંદી એક સત્ય છે અને આ સત્ય સ્વીકારવાની ભાજપની તૈયારી નથી.
જે રીતે નોટબંધીની નિષ્ફળતા અને પ્રજાપીડનને ભાજપે સ્વીકારવાની ના પાડી, જે રીતે દેશના બેરોજગારો અંગેના આંકડાઓ તથા વર્ગીકૃત માહિતી છુપાવવા માટે ભાજપના નેતાઓએ ભારત સરકારના અદભુત અને પ્રતિતિ આંકડાશાસ્ત્રીય વિભાગોને પાણીપુરીની લારી જેવા બનાવી દીધા એ જ રીતે અત્યારે દેશના નાણાં પ્રધાન ખુદ મંદી વિશે હાસ્યાસ્પદ વાતો કરે છે અને જ્યાં મોકો મળે ત્યાં તેજીની ગુલબાંગ ચલાવે છે. પ્રજાએ જોવાનું જ છે. ભાજપને આત્મજ્ઞાાન થાય અને વાસ્તવિકતા સ્વીકારવાની આવડત કેળવાય તો તે સારી વાત છે. પણ ભાજપમાં જ અહંકારનો પ્રભાવ એવો છે કે યોગીથી ત્યાગી સુધી મંદીની વાસ્તવિકતા કોઈ સ્વીકારે નહિ. એથીય પરિસ્થિતિ વધુ ગંભીર બનવાના અણસાર છે.