મહારાષ્ટ્રની દાઝેલી ખિચડી
મહારાષ્ટ્રમાં બધા જ અધૂરા ઘડા છલકાયા, બહુ છલકાયા, પણ કોઈનીય છાલક વિધાનસભાના પટ સુધી ન પહોંચી. સત્તાના લટકતા ગાજરે અનેક 'અશ્વો'ને દોડાવ્યા ને મૂર્ખ પણ ઠરાવ્યા પણ પરિણામ ઠેરના ઠેર. ક્ષમતા કરતાં વધારે ઊંચો કૂદકો મારવા જતાં બધા જ રાજકીય પક્ષો પછડાયા. સરકારમાં, વ્યાપારમાં કે અંગત જિંદગીમાં ટેકો એક કરૂણ અધ્યાય હોય છે.
ટેકો દેવો સારો પણ લેવો સારો નહિ. મહારાષ્ટ્રની ખિચડી બની તો નહિ પણ એની સુગંધ બહુ પ્રસરી ગઈ એટલે છેવટે રાજ્યપાલના અહેવાલને આધારે કેન્દ્રીય કેબિનેટની ભલામણને આધારે રાષ્ટ્રપતિ કોવિંદે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનનો હુકમ કર્યો, એ જાણી-માણીને વડાપ્રધાન ઓન ધ સેઈમ ડે બ્રિક્સ દેશોના સંમેલનમાં વળી એક નવા પ્રભાવનું સર્જન કરવા ઠાઠમાઠથી તૈયાર થઈને બ્રાઝિલ તરફ ઉડ્ડયન કરી ગયા.
દક્ષિણ ભારતમાં અને મહારાષ્ટ્રમાં પણ પોતાની બિનસાંપ્રદાયિક આબરુને અવશેષ રૂપે જાળવવા કોંગ્રેસે સાવ ઝૂકી ગયેલી શિવસેનાને બેઠી ન કરી અને છેક છેલ્લી ઘડી સુધી મગ કે મરી બેમાંથી એકેયનું નામ જ ન પાડયું. શિવસેના પર એના પાટવી કુંવર આદિત્યને ઘોડે ચડાવવાની ધુન હતી એમાં એનું જે જૂનું અરધું રાજપાટ હતું તેય રોળાઈ ગયું. કોયલ જેવી ચતુરાઈ કરવા જતા શિવસેનાએ પાછળથી મળેલા અને કામમાં ન આવે એવા જ્ઞાાનમાં ડૂબકી મારવાનો વારો આવ્યો છે.
એનસીપી અને કોંગ્રેસ જેવા રાજકીય કાગડાઓના માળામાં શિવસેનાએ પોતાના સપના સેવવા મૂક્યા. કોઈ રાજનેતા થોડો સમય હાંસિયામાં ધકેલાઈ જાય એટલે એની લુચ્ચાઈ શિયાળથીય ઓછી થઈ જાય એવું તો ચાણક્ય, વિદુર કે આચાર્ય વિષ્ણુ શર્માએ કદી કહ્યું નથી. તો પણ શિવસેનાએ એમ માની લીધું અને શરદ પવારને પોતાના પરદા પાછળના સલાહકાર તરીકે સ્વીકારી લીધા.
ભાજપને તો એ જ જોઈતું હતું. ભાજપને ખબર હતી કે શિવસેનાને કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એટલે કે એનસીપી કઈ રીતે બેવકૂફ બનાવશે. ભાજપને પણ પાછળથી જ એ જ્ઞાાન થયું કે એણે આ વખતે શિવસેના સાથે ચૂંટણી જોડાણ કરવાની જરૂર ન હતી. પણ એ જ્ઞાાન નોટબંધી જેવું છે. મોડે મોડે ભાન થાય એનાથી શો ફેર પડે ? ભાજપની મેલી મુરાદ એક જ હતી અને હજુ છે કે શિવસેનાને ઈતિહાસના પાનાઓમાં ધકેલી દેવી.
શિવસેના મૂળભૂત રીતે તો મરાઠાવાદમાંથી જન્મેલી પાર્ટી છે અને મુંબઈ સહિતના મહારાષ્ટ્રના ગુજરાતીઓની જાહોજલાલીથી વિરુદ્ધ છે. ગુજરાતીઓ મુંબઈમાં કંઈ પેરેશુટમાં ઉતર્યાનથી. ગુજરાત અને મહારાષ્ટ્રના સ્વતંત્ર અસ્તિત્વ પહેલા મુંબઈ રાજ્ય આખું ગુજરાતી અને મરાઠીનું સંયુક્ત રાજ્ય હતુ. ત્યારે પણ મુંબઈમાં ગુજરાતીઓનો ડંકો જ હતો. આજે તો ગુજરાતી અને મરાઠી પ્રજા દૂધ-સાકર જેમ એવી હળીમળી રહે છે કે બેયને એકબીજા વિના ન ચાલે.
મરાઠી-ગુજરાતીના વિદ્વંસક પ્રયાસોમાં શિવસેના બહુ ન ફાવી એટલે એણે હિન્દુવાદ ઝડપી લીધો. હિન્દુવાદે સેનાના મૂળ ઊંડા અને છાંયો ઘટાટોપ કરી આપ્યો. ઈતિહાસ પ્રમાણે તો ભાજપ અને શિવસેનાને પૂર્વે સ્નાનસૂતકનોય સંબંધ ન હતો. જુના પાના ઉથલાવો તો ખબર પડે કે શિવસેના તો કોંગ્રેસના ખોળામાં જ હતી. ઇન્દિરા ગાંધીએ કટોકટી જાહેર કરી ત્યારે એની ભરપૂર પ્રશંસા શિવસેના અને એના તત્કાલીન સુપ્રિમો બાલ ઠાકરે એકલાએ જ કરી હતી.
એ સિવાય પણ શિવસેના અનેકવાર કોંગ્રેસની પંગતમાં બેઠી છે ને એ દાસ્તાન બહુ લાંબી છે. ભાજપનો એ મુખ્ય એજન્ડા છે કે દેશમાં હિન્દુવાદ તેની એકની પાસે જ રહે. એટલે જ એણે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, વિવિધ અખાડાઓ અને પીઠ-પીઠાધિશ્વરોને કદ પ્રમાણે વેતર્યા છે અને હવે ભાજપ પ્રથમ શિવસેનાને મહારાષ્ટ્રના રાજકારણમાંથી અને પછી હિન્દુવાદમાંથી હાંકી કાઢવા ચાહે છે. જો કે શિવસેના કંઈ બકરી કા બચ્ચા નહિ કિ દૌડા ઔર પકડ લિયા.
ભાજપ એ ભૂલી જાય છે કે બાબરી મસ્જિદ તૂટી ત્યારે એની જવાબદારી લેતા સહુ અસમંજસમાં હતા ત્યારે પોતાનો એક પણ કારસેવક ન જોડાયો હોવા છતાં બાલ ઠાકરેએ છેવટે જાહેર કર્યું હતું કે આ દેશમાં જો એ જવાબદારી લેવા કોઈ તૈયાર ન હોય તો હું કહું છું કે મસ્જિદ મેં અને શિવસેનાએ તોડી છે. મહારાષ્ટ્ર કોંગ્રેસને અત્યારે શિવસેનાનો આ ઈતિહાસ જ નડે છે.
એટલે શિવસેના બાલ ઠાકરેની ચિરવિદાય પછી ય હજુ ભાંગ્યું તોય ભરૂચ છે. ભાજપના સાણસામાં એ બહુ ઝડપથી ન આવે તો પણ આવતા પાંચ વરસ તેને માટે અઘરા છે. રાહુલ કોંગ્રેસ ઘરાનાના લાડકા છે પણ મેળ પડતો નથી. એવું જ શિવસેના ઘરાનામાં આદિત્ય ઠાકરેનું છે કે લાડકા છે પણ મેળ પડતો નથી. મેદાનમાં હતા એ બધા જ ખેલાડીઓ હવે પેવેલિયનમાં છે. ભાજપની એક માસ્ટરી અહીં ફરી દેખાઈ, જે દૂઘ એ પોતે ન પી શકે એ દૂઘ ભાજપ ઢોળી નાંખે છે.