Get The App

બેન્કોની આર્થિક તંદુરસ્તી

Updated: Nov 13th, 2018

GS TEAM

Google News
Google News
બેન્કોની આર્થિક તંદુરસ્તી 1 - image

કેન્દ્રની એનડીએ સરકાર કોઈ પણ રીતે બેન્કોને સીધી આર્થિક મદદ કરવા ચાહે છે અને એમાંથી પ્રાપ્ત અપયશનો વિષકુંભ ગટગટાવી જવા તૈયાર છે એવું દેખાય છે.

રિઝર્વ બેન્ક સાથે અરૂણ જેટલીની અથડામણના મૂળમાં પણ આ જ કારણ છે. બેન્કોના પુનઃ મૂડીકરણની યોજના અંતર્ગત નાણાં પ્રધાન જેટલી વધારાના ૨૦ હજાર કરોડ રૂપિયા બેન્કોને તરતના ભવિષ્યમાં આપવા ચાહે છે.

એનો અર્થ એ છે કે રાષ્ટ્રીયકૃત બેન્કોએ કરેલી ભૂલોની સજા સરકારી નાણાં ભંડોળને એટલે કે દેશના આમજને હવે ભોગવવાની આવી છે. બેન્કોના આ છબરડાઓ એના ટોચના મેનેજરોએ એકલે હાથે કર્યા નથી, એની સાથે પાછલી યુપીએ સરકાર અને અગાઉના રિઝર્વ બેન્કના નિયામકો - સંચાલકો પણ જોડાયેલા છે.

રિઝર્વ બેન્કની ગંભીર ભૂલ એટલી જ કે એની નજર સામે જ બધું બનતું રહ્યું છતાં એણે સમયસર નીતિ-નિયમોનું ઘડતર કર્યું નહિ જેને કારણે બેન્કોના બાકી લ્હેણાં આસમાનને આંબી ગયા અને નવા નવા ઉદ્યોગપતિઓ બેન્કોને લૂંટતા જ રહ્યા.

એનડીએ સરકારે સત્તા ગ્રહણ કર્યા પછી એટલે કે અંદાજે પાંચેક વરસ પહેલા બેન્કોની હાલત સુધારવા માટે હસ્તક્ષેપ કર્યો પરંતુ ત્યારેય મોડું તો થઈ જ ગયું હતું. વળી અરૂણ જેટલી બેન્કોના જે લોનધારકો હતા એના પર પગલા લેવામાં બહુ જ ઠંડા રહ્યા.

તે એટલી હદ સુધી કે હજુ આજે પણ બેન્કોના નાણાં ડૂબાડનારાઓ પર ફોજદારી ફરિયાદની શરૂઆત થઈ નથી. દેશની પ્રજાને એ જ સમજાતું નથી કે પ્રજાના નાણાંની ઊઘાડી લૂંટ ચલાવનારાઓ પર કેન્દ્ર સરકાર કેમ હજુ પણ કુણુ વલણ દાખવે છે !

ગયા વરસે અરૂણ જેટલીએ એવી જાહેરાત કરી હતી કે બેન્કોની હાલત સુધારવા માટે બે લાખ અગિયાર હજાર કરોડ રૂપિયાની સહાય કરવામાં આવશે, ત્યારે જ દેશ આખો સ્તબ્ધ થઈ ગયો હતો કે સરકારી કોષમાંથી આટલા અધધ નાણાં બેન્કોને આપીને સરકાર કોને છાવરવા ચાહે છે ? ઉદ્યોગપતિઓ સાથેની મિત્રતા ભાજપને બહુ મીઠી લાગે છે પરંતુ દેશને અને સરકારી તિજોરીને હવે એ ભારે પડી રહી છે.

અત્યારે પણ એ કહેવું તો કઠિન છે કે સરકારે ક્યાં સુધી બેન્કોને સહાયતા કરતી રહેવી પડશે ! બેન્કોની આજ સુધી કાયમ માટે 'ગયા ખાતેની' રકમ એટલે કે પરમેનન્ટ લોસ તો આઠ લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે. બેન્કોની આર્થિક તંદુરસ્તી સાવ ખાડે ગઈ છે. એ વાત અલબત્ત, હવે નક્કી છે કે ફરી વાર બેન્કો પોતાના આટલા જંગી નાણાં ડૂબવા નહિ દઈ શકે કારણ કે રિઝર્વ બેન્કે અંકુશાત્મક નવા પગલાઓ લીધા છે.

એમાંય ભાજપને તો તકલીફ જ પડી છે કારણ કે ઉદ્યોગપતિમિત્ર એવી આ સરકારને ઉદ્યોગપતિઓની મિત્રતા નિભાવવામાં તકલીફ પડી રહી છે. રિઝર્વ બેન્કના ગવર્નર હવે ભાજપને આંખમાં કાચના કણાની જેમ ખટકવા લાગ્યા છે. જેઓ ખરેખર તટસ્થ, સિદ્ધાન્તવાદી અને ખરા દિલથી રાષ્ટ્રપ્રેમી છે એની સાથે ભાજપને શત્રુતા થતાં વાર લાગતી નથી. ભાજપે એમ માન્યું હતું કે ઉર્જિત પટેલના ગળામાં પટ્ટો બાંધીને રિઝર્વ

બેન્કને ઉદ્યોગપતિઓની ઈચ્છાનુસાર નચાવી શકાશે પરંતુ ઉર્જિત પટેલે એવી ભ્રષ્ટાચારી હદની આજ્ઞાાંકિતતા સ્વીકારી નથી એને કારણે એમની ટર્મ પૂરી થાય એ પહેલા જ નાણાં મંત્રાલયે ડૉ. પટેલની વિજાયના વાજા વગાડવાની જાતે જ શરૂઆત કરી દીધી છે.

અરૂણ જેટલી હવે રિઝર્વ બેન્કનો વાંક દર્શાવવા લાગ્યા છે કારણ કે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને સમગ્ર દેશની પ્રજાના મનમાં વર્તમાન કેન્દ્ર સરકારે કરેલા આર્થિક છબરડાઓને કારણે સખત ખિન્નતા પ્રવર્તે છે. હકીકત એ છે કે ભારતીય રિઝર્વ બેન્ક પાસેની સત્તાની અનેક મર્યાદાઓ છે.

દેશ અત્યારે સમયના પહાડની એક એવી ધાર પર ઊભો છે કે જ્યાં અત્યન્ત સાવધાનીની જરૂર છે. આ એવો સમય છે જ્યારે રિઝર્વ બેન્ક અને કેન્દ્ર સરકારે સંપીને દેશને પ્રગતિનો નવો વળાંક આપવાનો હોય છે, પરંતુ આવા તંગ સમયમાં જ નાણાં મંત્રાલય અને રિઝર્વ બેન્ક વચ્ચે ખુલ્લંખુલ્લા સંઘર્ષની શરૂઆત થઇ ગઇ છે. અરૂણ જેટલીએ તો પરદા પાછળથી રિઝર્વ બેન્કના નવા ગવર્નર અંગેની વિચારણા પણ શરૂ કરી દીધી છે.

વડાપ્રધાન મોદીની એ જૂની ઉક્તિ કે ખાતો નથી અને ખાવા દેતો નથી હવે સાવ હાસ્યાસ્પદ સાબિત થઇ છે. કારણ કે મોદીના સત્તાકાળમાં દેશમાં બિલ્ડરો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને લુચ્ચા દુષ્ટ અધિકારીઓની એક એવી નવી જમાત પેદા થઇ ગઇ છે જે દેશને બેન્કોના માધ્યમથી ફોલી ખાવા માટે સતત પ્રવૃત્તિમય રહે છે.

મોદી સરકારના શાસનકાળમાં જ બેન્કોએ સવા ત્રણ લાખ કરોડ રૂપિયાનું લ્હેણું ઉડાડીને એ એકાઉન્ટ ક્લોઝ કરીને રકમ માંડવાળ કરી દીધી છે. આજે તો જે નાણાં હવે બેન્કોને પાછા મળવાના જ નથી એ આઠ લાખ કરોડ સુધી પહોંચી ગયા છે. દેશમાં લોન આપી આપીને તગડા થયેલા બેન્ક મેનેજરોની પણ એક ફોજ છે જેને જેલમાં ધકેલવા માટેના પેપર્સ નાણાં પ્રધાનના ટેબલ પર રહસ્યમય  કારણોસર ધૂળ ખાઇ રહ્યા છે.

Tags :