હાથી મેરે સાથી?
ભારતીય પ્રજાનો હાથી સાથેનો સંબંધ સદીઓ અને સહસ્ત્રાબ્દિઓ જૂનો છે. આ સંબંધમાં હવે એક વળાંક આવ્યો છે અને સંઘર્ષની પ્રાથમિક શરૃઆત થઈ છે. એશિયા અને આફ્રિકામાં હાથીઓ ફેલાયેલા છે, ભારતમાંથી તેઓ બસ્સો કે ત્રણસો વરસમાં વિદાય લેશે.
મનુષ્ય અને હાથી વચ્ચેની અથડામણના કિસ્સાઓ હવે પૂર્વ અને દક્ષિણ ભારતમાં તો રોજિંદી ઘટના કક્ષાએ પહોંચવા લાગ્યા છે. આ વરસના વરસાદને કારણે વનરાજિ ખીલી છે પરંતુ સરેરાશ જંગલો તો કપાતા રહ્યા છે. માનવ વસાહતો પર હાથીઓના ઝુંડનું આક્રમણ શરૃ થયું છે. હાથી એક ગંભીર પ્રકૃતિ ધરાવતુ અભિમાની, આત્મગૌરવયુક્ત જંગલી પ્રાણી છે. તેનામાં શક્તિ સાથે સમજણ પણ છે.
પોતાની આસપાસની બધી જ પ્રવૃત્તિઓ અને સ્થિતિની તેને પૂરેપૂરી ખબર હોય છે. છેલ્લા કેટલાક દિવસોથી હાથીના ટોળાઓએ આખું આસામ માથે લીધું છે. ગ્વાલપાડા જિલ્લાના ગ્રામ અને વન અડોઅડ હોય તેવા વિસ્તારોમાં હાથીઓ તોફાને ચડયા છે. આસામના ચાર-પાંચ જિલ્લામાં ગ્રામવાસીઓ ભયભીત છે.
ગઈકાલે જ ૩૦ જેટલા હાથીઓએ ગ્વાલપાડાના અંતરિયાળ વિસ્તારોમાં ધમાલ મચાવી દીધી. હાથીને બહુ ધીમી ગતિએ ચાલતા આપણે જોયા હોય છે એટલે એની આક્રમણવેળાની ગતિનો અંદાજ ખોટો પડે છે. આજ સુધી જોવામાં આવ્યું છે કે હાથી જેનો પીછો કરે છે તેના પર દંતશૂળથી હૂમલો કરીને જ રહે છે. હાથીના બાહ્યવર્તન પરથી પણ ખ્યાલ આવતો નથી કે તે શું કરવા જઈ રહ્યો છે એને કારણે અણધારી રીતે જ નાગરિકો ફસાઈ જાય છે અને હવે તો તેમાંના કેટલાક મોતને ઘાટ ઉતરવા લાગ્યા છે.
તમે એક ફાર્મ હાઉસમાં બે-ચાર પરિવારો સમી સાંજે ભોજન કરતા હો અને એકાએક વીસ હાથી આવી જાય અને ચારે બાજુથી ઘેરી લે તો શું થઈ શકે ? ધારો કે કોઈને ઝાડ પર ચડવાનું ફાવે તો એનો શો અર્થ? ભારતમાં હાથીઓની સંખ્યા પ્રાચીનકાળ કરતાં તો અલ્પ છે પણ તોય ૨૭૦૦૦ થી વધુ છે.
એક જમાનામાં ભારતીય ઉપખંડમાં ચોતરફ હાથીઓના વિરાટ સૈન્ય હતા, જંગલોમાં વિશાળ ઝુંડ હતા. તબક્કાવાર હાથીદાંતના અલંકારોની બજાર ઊંચે જતા એના હત્યાકાંડ શરૃ થયા જેની કથા ઈ.સ. ૧૯૭૩ની ફિલ્મ 'હાથી મેરે સાથી'માં છે. પાકિસ્તાનની ક્રૂરતાએ તો એક પણ હાથીને જીવતો રહેવા દીધો નથી. અત્યારે ત્યાં જે હાથી છે તે માત્ર પ્રાણી સંગ્રહાલયના બંધનમાં છે. ભારતના પડોશી બાંગ્લાદેશમાં પણ એ જ સ્થિતિ થવાની છે.
અત્યારે બાંગ્લાદેશના જંગલોમાં બસો-સવા બસો હાથીઓ છે. જેના તરફ પણ શિકારીઓની નજર છે. શ્રીલંકાએ હાથીઓને સંભાળવા માટે અનેક કાયદાઓ ઘડયા છે. એથી ત્યાં બચી ગયેલા ૨૦૦૦ થી વધુ હાથીઓ જંગલોમાં સ્વૈરવિહાર કરે છે, વિશાળ સરોવરોમાં સ્નાન કરે છે અને લીલ્લા ઘાસચારા વચ્ચે મહાલે છે.
ભારતમાં હાથીઓ ખોરાકની શોધમાં ભટકતા-રખડતા માનવ વસાહતોમાં આવી ચડે છે. પરિતૃપ્ત હાથીઓ તોફાને ચડતા નથી. શતરંજની રમતમાં જુઓ, ઘોડો, હાથી અને ઊંટ જ રાજા અને વજીરના સહાયક સાથીદારો છે.
અસલમાં પણ માણસજાતે આ ત્રણેય પશુઓની મદદથી પૃથ્વી પર પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો છે. જેમ જેમ વિકલ્પો મળતા થયા તેમ તેમ આ મહાન માનવમિત્ર સરીખા પ્રાણીઓ કાળની થપાટો ખાઈ ખાઈને લુપ્ત થતા રહ્યા. મનુષ્યનો સંગાથ કરવાનું પરિણામ એ આવ્યંિ કે આજે મનુષ્યે એનો સાથ છોડી દીધો.
હાથી સામાન્ય રીતે વરસે ૩૦૦ થી ૩૫૦ કિલોમીટરમાં હરતો-ફરતો રહે છે, એનો જ્યાં જન્મ થયો હોય ત્યાંથી એ બહુ દૂર જતો નથી, પરંતુ હવે એની સ્થળાંતરણ પ્રક્રિયા આ સીમાને ઉલ્લંઘી ગઈ છે અને તે ફાવે તેમ વિહાર કરે છે. દક્ષિણ ભારતમાં વિવિધ ૨૮ ક્ષેત્રોમાં હાથીઓ વસે છે, મધ્યભારતમાં એવા જુદા જુદા પચીસ પડાવો છે અને પૂર્વ પટ્ટીમાં બંગાળથી ઉપર અરૃણાચલ સુધીમાં અન્ય ૨૫ જેટલા હસ્તિક્ષેત્રો છે.
આ તમામ વિસ્તારોમાં હાથી પર ભીંસ વધતી ગઈ છે. વસાહતોમાં હાથીઓએ મચાવેલા તોફાનોને કારણે નાગરિકો શત્રુ જેમ વર્તવા લાગ્યા છે. ત્રિપુરામાં સિપાહીજાલા અભયારણ્યમાં બે દિવસ પહેલા એક મહાવત હાથીને ઘાસ ખવરાવતો હતો ત્યારે એકાએક જ હાથીએ હૂમલો કરતા એ મહાવતનું મૃત્યુ નીપજ્યું હતું.
પ્રવાસના અને પ્રકૃતિના શોખીનો માટે પૂર્વ અને દક્ષિણ ભારતના કેટલાક જંગલ વિસ્તારો હવે જોખમી છે. સ્હેજ જ ઉતાવળા કે રમતિયાળ નિર્ણયને કારણે જિંદગીથી હાથ ધોઈ નાંખવા પડે છે ! પૂર્વ અને દક્ષિણ ભારતના અનેક રસ્તાઓ એવા છે જ્યાં હાથીઓ આવી જતાં બન્ને બાજુ ટ્રાફિક જામ થઈ જાય છે.
જંગલખાતાના અધિકારીઓ પાસે આ હાથીઓને નાથવાનો સીધો તો કોઈ ઉપાય નથી. ક્યારેક હાથીને બેહોશ કરવા માટેનું ગન ઈન્જેકશન આપવામાં આવે છે પરંતુ હાથી ભાનમાં આવતા જ રમખાણ શરૃ થઈ જાય છે.
બેહોશ હાથીને ટ્રકમાં કેમ ચડાવવા ? કેમ ખસેડવા ? એનો જવાબ જંગલખાતા પાસે ન જ હોય ને ! કારણ કે હાથી, હાથી હોય છે. ગત વરસે યુનાઈટેડ નેશન્સે વિશ્વ વન્યજીવન દિનની ઉજવણી વખતે જાહેર કર્યું હતું કે હવે હાથીઓ એના અસ્તિત્વના છેલ્લા સંઘર્ષ સુધી આવી પહોંચ્યા છે અને હાથીનું અસ્તિત્વ આપણા હાથમાં છે.
ભારતમાં જંગલી હાથીઓ કેમ તોફાને ચડયા છે તે અભ્યાસનો વિષય છે પરંતુ કેન્દ્રના પર્યાવરણ ખાતો કહ્યું છે કે દેશમાં ચિત્તા, દીપડા અને સિંહ દ્વારા જેટલા લોકો મૃત્યુ પામે છે એનાથી ક્યાંય અધિક હવે હાથીઓ દ્વારા મનુષ્યો હણાતા જાય છે. હાથી-માનવ સંઘર્ષનું આ એક નવું કરૃણ પ્રકરણ છે.
ભારતમાં સરેરાશ દર વરસે ૪૦૦ મનુષ્યો હાથીઓ દ્વારા મૃત્યુ પામે છે અને એની સામે ૭૦થી ૯૦ હાથીઓને મનુષ્યો હણે છે. ભીષણ સંઘર્ષ ચાલુ થઈ ગયો હોવાના આ એંધાણ છે અને હાથી-મનુષ્યના પારસ્પરિક મૃત્યુ આંકની આ જ સરેરાશ છેલ્લા પાંચ વરસથી જળવાયેલી છે. હાથીને નવેસરથી મેરે સાથી કહેવા માટે અને એને ટકાવવા માટે સરકારે ઘણું કામ કરવાનું બાકી છે.