રડારેન્દ્ર મોદીનું (અ) જ્ઞાાન
છેલ્લા બે-ત્રણ દિવસથી વડાપ્રધાન મોદી પોતાના એ મીડિયા સલાહકારને શોધી રહ્યા છે જેણે એમને ટેલિવિઝન ચેનલોને ઇન્ટરવ્યૂ આપવાની સલાહ આપી છે. વડાપ્રધાને જ્યારે પણ સ્ટુડિયોમાં ટેલિવિઝન ચેનલના પત્રકાર સાથે વાત કરી છે ત્યારે છબરડો થાય જ છે. દેશના લાખો-કરોડોની મજાક ઉડાવતું પકોડા પ્રકરણ પણ તેમણે ટેલિવિઝન ઇન્ટરવ્યૂમાં જ પોતાના નૂતન વિઝન સ્વરૂપે રજૂ કર્યું હતું.
વડાપ્રધાન મોદીના મનમાં શરૂઆતથી જ એક એવી ગેરસમજ પ્રવર્તે છે કે એક સારા વડાપ્રધાને દેશને પોતાની મજાક અને ઉપહાસ કરવા માટેની પૂરતી સામગ્રી પૂરી પાડવી જોઇએ. તેમના અનેક વિધાનો અતાર્કિક અને સમય રેખા પરની ઇસવીસનોના મેળ વિનાના હોય છે. ભારતમાં એરપોર્ટની સંખ્યાથી વડનગરના રેલવે સ્ટેશન સુધીના મિસ્ટર મોદીના છબરડાઓ સોશ્યલ મીડિયા પર મનોરંજનની એક નવી જ આબોહવા આપી છે અને તેમાં ક્યારેક તો તેમણે બુદ્ધિજીવીઓને ખડખડાટ હસાવ્યા છે.
છતાં તેઓ થાક્યા નથી અને હજુ પણ અતાર્કિક ઉપરાંત અવૈજ્ઞાાનિક વાતો વહેતી રાખવાનો ક્રમ ચલાવતા રહે છે. હમણાં ગત શનિવારે આપણો દેશ નેશનલ ટેકનોલોજી ડે ઉજવી રહ્યો હતો અને એ જ દિવસે વડાપ્રધાન એક ટેલિવિઝન ચેનલના સ્ટુડિયોમાં ઇન્ટરવ્યૂ આપી રહ્યા હતા.
છેલ્લા પાંચ વરસ સળંગ તેઓ પ્રેસ કોન્ફરન્સ યોજવાથી કેમ નાસતા ફરતા હતા તેનું રહસ્ય હવે સમજાય છે. એ ઇન્ટરવ્યૂમાં વડાપ્રધાને કહ્યું કે વરસાદ અને વાદળો હતા એટલે મેં કહ્યું કે આપણને એનો બેનિફિટ મળશે, આપણા લડાયક વિમાનો પાકિસ્તાનના રડારમાં દેખાશે નહિ ! રડાર અંગેનું આવું ઘોર અજ્ઞાાન આટલા ઊંચા આસને બેસીને તેમણે પ્રગટ કર્યું તે તેમનો તો કદાચ સ્વભાવ છે પરંતુ એક પરમાણુશસ્ત્રસંપન્ન રાષ્ટ્રના વડાના અજ્ઞાાન તરીકે દેશ માટે લાંછનરૂપ છે.
વાત બહુ ટૂંકી છે, પરંતુ છબરડો બહુ મોટો છે. એક તો તેમણે એમ કહ્યું કે નિષ્ણાતોએ કહ્યું કે આપણે બાલાકોટ એરસ્ટ્રાઇક માટે તારીખ બદલીએ, એક દિવસ પછી હૂમલો કરીએ. એના પ્રત્યુત્તરમાં મિસ્ટર મોદીએ પહેલો છબરડો એ કર્યો કે વાત કદાચ લિક થઇ જાય ! વડાપ્રધાન કક્ષાની વ્યક્તિ સૈન્ય બાબતોમાં ગોપનીયતા ન જળવાય એવી દહેશત વ્યક્ત કરે છે, એનો અર્થ શું ?
બીજી સમસ્યા એ છે કે લશ્કરી નિષ્ણાતોના અભિપ્રાયને ક્રોસ કરીને તેઓ હુક્મ કરે છે ? પોતે જાણે છે અને ઇન્ટરવ્યૂમાં કબૂલે પણ છે કે આ બાબતોના તેઓ જાણકાર નથી, છતાં નિષ્ણાતોની સલાહને અવગણીને હુક્મ કરે છે ? દુનિયાના કોઈ દેશના વડા એવા હોય ખરા કે તેઓ જેમાં ઝિરો ડિગ્રી નોલેજ એન્જોય કરતાં હોય એમાં નિષ્ણાતોની સલાહ ન માને ? અને એય લશ્કરી બાબતોમાં ? બધો જ યશકુંભ પોતે એકલાએ જ ગટગટાવી જવાની લાલચમાં, ક્રેડિટ લેવાના મોહમાં મિસ્ટર મોદીએ નિરંતર ચાલુ રાખેલા છબરડાઓમાં આ રડારનો છબરડો તો શિરમોર છે.
આ રડારના છબરડાને કારણે મિસ્ટર મોદી જતાં જતાં દેશ અને દુનિયાના રડારમાં તેમના ઘોર અજ્ઞાાન સહિત ઝડપાઈ ગયા છે. તેઓએ એમ માની લીધું કે રડાર કેમેરાથી કામ કરે છે, એમાં લેન્સ હશે, દૂરબીન જેવું કંઇક હશે ? હકીકતમાં રડાર શબ્દનો પહેલો અક્ષર જ રેડિયો તરંગો માટે છે.
રેડિયો ડિટેકશન એન્ડ રેન્જિંગના ટૂંકા સ્વરૂપ તરીકે અમેરિકી નૌકાદળે ઇ.સ. ૧૯૪૦માં રડાર શબ્દનો પહેલીવાર પ્રયોગ કર્યો હતો. એ તો ભલે તેઓ ન જાણતા હોય પરંતુ ભારતીય હવાઈ દળ પાસે દુનિયાની શ્રેષ્ઠ રડાર ટેકનોલોજી છે અને સમગ્ર દક્ષિણ એશિયાના આકાશ પર ભારતની નજર હોય છે. એમાંના અતિમૂલ્યવાન રડાર તો જામનગર એરબેઝ પર છે, જે રાજ્યમાં તેઓ વર્ષો સુધી મુખ્યમંત્રી રહ્યા.
જે દિવસે વડાપ્રધાને આ છબરડો કર્યો તે અટલ બિહારી વાજયેપીના સત્તાકાળમાં પોખરણ-ટુ તરીકે ઓળખાતો મહાન દિવસ હતો, એ જ કારણે આપણે દર વરસે અગિયારમી મે નેશનલ ટેકનોલોજી ડે તરીકે ઉજવીએ છીએ. હવે જ્યારે એ દિવસ ઉજવાશે ત્યારે મિસ્ટર મોદીના વાદળઘેર્યા વિધાનો સહુને ફરી ફરી યાદ આવતા રહેશે, બોલતા બોલતા એવા પાટે ચડી જવું અને પોતાના વિશેના ખુશનુમા ખ્યાલમાં મનઘડંત તરંગો પણ ઉચ્ચારતા રહેવા એને ગુજરાતીમાં દે ધનાધન... પણ કહે છે.
મિસ્ટર મોદીએ તેમના સત્તાકાળ દરમિયાન અનેક વિષયો પર વારંવાર દે ધનાધન પદ્ધતિ અપનાવેલી છે અને જો એનું સ્વતંત્ર દસ્તાવેજીકરણ કરવામાં આવે તો હજારેક પાનાનો દળદાર ગ્રંથ ભેટ મળે ! રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા હળવાશથી જ કહ્યું હતું કે વડાપ્રધાન તરીકેના નરેન્દ્ર મોદીના વર્તનમાંથી હું એટલું શીખ્યો છું કે એક સારા વડાપ્રધાને પોતાના સત્તાકાળ દરમિયાન શું શું ન કરવું જોઇએ, અને શું ન બોલવું જોઇએ. રડાર પ્રકરણમાં મોદીએ રાહુલના એ જ્ઞાાનને પણ પોતાના અજ્ઞાાનથી અભિવૃધ્ધ કરી આપ્યું છે !