ફિલ્મો સિવાયની ફિલ્મો
ફિલ્મ એક વિશિષ્ટ માધ્યમ છે. જેમ જેમ યુગ આગળ ધપતો જાય છે તેમ તેમ આ માધ્યમમાં રહેલી અગણિત નવ્ય સંભાવનાઓને એક્સપ્લોર કરનારા નિષ્ણાતો જુદી જુદી રીતે કામ કરતા જોવા મળે છે. એકવીસમી કંઈ એકલો જ એવો કોઈ બદલાતો સમય નથી જેમાં માનવજાત. દરેક સમય બદલતો જ હોય છે. પરંતુ આ બદલતા સમયની મુદ્રા જે રીતે ફિલ્મો ઝિલે છે તે અદ્વિતીય હોય છે.
ફિલ્મમેકિંગ ઉપર ફિલ્મકારો અને દર્શકોની પકડ હવે બેસતી જાય છે એવું એટલે કહી શકાય છે કે વર્તમાનમાં મુખ્યધારાની ફિલ્મો સિવાયની ફિલ્મોની સંખ્યા અને ગુણવત્તા અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચી છે. થિએટરમાં રિલીઝ થતી કોમસયલ ફિલ્મો સિવાય બનતી વિવિધ પ્રકારની ફિલ્મો જેવી કે શોર્ટ ફિલ્મો, ડોક્યુમેન્ટરી, ડોક્યુડ્રામા, એજ્યુકેશન વિડિયોઝ, એનિમેટેડ વિડિયોઝ વગેરેને લોકો માણતા થયા છે. એમાં કેટલીક એડફિલ્મો પણ છે જેમાં ઉચ્ચતમ મૂલ્યબોધ અથવા માનવીય સંવેદના હોય.
ઈ. સ. ૧૯૫૭ માં બાફતા એવોર્ડ જીતેલી એક કેનેડિયન શોર્ટ ફિલ્મ આવેલી જેનું નામ હતું 'ચેઇરી ટેલ'. એક માણસ ખુરશી ઉપર બેસવાનો પ્રયત્ન કરે છે પણ ખુરશી જાણે જીવંત પદાર્થ હોય તેમ નખરા કરે છે અને જ્યારે એ માણસ ખુરશીને મનાવી લે છે પછી જ ખુરશી તેને પોતાની પર બેસવા દે છે.
સત્તા પ્રિય હોવાથી મળી જતી નથી. 'પાવર'ને જ કન્વીન્સ કરવાનો કન્વીન્સિંગ 'પાવર' જેની પાસે હોય તે જ ખુરશી પર બેસી શકે એ વાત દિગ્દર્શકે કહી છે. મિસ્ટર મોદીના સંદર્ભમાં રસિકજનોએ આ ફિલ્મ ફરીવાર જોવી જોઈએ. એ ફિલ્મનું મ્યુઝિક પંડિત રવિશંકરે આપેલું. આ ફિલ્મ આવી ત્યારથી જ ભારતીય દર્શકો અને વિવેચકોને સમજાઈ ગયેલું કે મનોરંજક કોમસયલ સિનેમા સિવાયની બીજી ફિલ્મોમાં હૃદયને સ્પર્શવાની અને રિપિટ થતા સામ્પ્રતને સમજાવવાની કેટલી ક્ષમતા રહેલી છે.
જો કે ભારતની પહેલી ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર પણ શોર્ટ ફિલ્મ હતી. નસીબજોગે તેની પ્રિન્ટ સચવાયેલી છે પણ ભારતની પહેલી બોલતી ફિલ્મ આલમઆરા કોઈએ જોઈ હોય એવો ભાગ્યે જ કોઈ માણસ હયાત હોય. આલમઆરાની એક પણ પ્રિન્ટ સચવાઈ નથી એ હકીકતમાં સરકાર અને પ્રજાની ફિલ્મોને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાની મનોવૃત્તિના દર્શન થઈ આવે છે.
આજે સ્થિતિ એવી છે કે પર્સનલ વિડીયો લેક્ચર આપવા માટેની ઘણી પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ ભારતમાં ખુલી છે. આજે ઘરે રહીને સ્કૂલનો સમગ્ર અભ્યાસક્રમ આવા વિડીયો લેક્ચરમાંથી ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા લાખોમાં છે, આવનારા વર્ષોમાં કરોડોમાં થશે. એનિમેશન વીડિયોનું બાળ શિક્ષણમાં સર્જનાત્મક અને સ્મરણાત્મક એમ બન્ને પ્રકારનું યોગદાન છે.
સુપરસ્ટાર ધરાવતી મુખ્ય ફિલ્મો સિવાયની બીજી ફિલ્મોમાં એક મહત્ત્વનો પ્રકાર ડોક્યુમેન્ટરીનો છે. ફિલ્મના પડદે રચાતી ડોક્યુમેન્ટરી એટલું એટલું મોટું કેનવાસ છે કે તેની કોઈ સામયિકી મર્યાદા હોતી નથી. એક કલાકથી લઈને પચીસ કલાક સુધીની ડોક્યુમેન્ટરી બની છે. લોકોએ ફક્ત એક જ ડોક્યુમેન્ટરી બનાવવા માટે પોતાની જિંદગીના દાયકાઓ ખર્ચી નાંખ્યા હોય છે.
ઓસ્કારની કમિટીએ પણ શોર્ટ ફિલ્મ કે ડોકયુમેન્ટરીની નોંધ લેવી પડે છે અને દર વર્ષે એ બંને કેટેગરીમાં એવોર્ડ આપવો પડે છે. ડોકયુમેન્ટરી એ ફિલ્મ નિર્માણની એ છટા છે કે જેનાથી આપણને દુનિયાના એ રંગો જોવા મળે જે પુસ્તકોમાં કે અન્ય કોઈ પણ માધ્યમમાં ક્યારેય પણ આલેખાયા ન હોય. ફિલ્મ બનાવવા માટે મહેનત અને દ્રષ્ટિ બન્ને જોઈએ. શોર્ટ ફિલ્મ બનાવવા માટે શોખ જોઈએ પણ ડોક્યુમેન્ટરી બનાવવા માટે પ્રતિબદ્ધતા અને સમર્પણ જોઈએ.
યુટયુબ અને બીજી સોશ્યલ નેટવકગ સાઇટ્સના કારણે ફિચર ફિલ્મ સિવાયની ફિલ્મો બનાવવાનું પ્રમાણમાં સહેલું થઈ ગયું છે. એક સમય હતો જ્યારે મુંબઇ ફિલ્મ નિર્માણ ક્ષેત્રે મોનોપોલી ધરાવતી. કોઈને ફિલ્મમાં નાનું કામ પણ કરવું હોય તો મુંબઈ જવું પડતું. ઈન્ટરનેટ અને સ્માર્ટફોને મુંબઇનું એ એકોહમ્ આસન હચમચાવી નાખ્યું છે. હવે સાદો ફોન ધરાવતો કચ્છના ગામડાનો એક માણસ પણ એવી ફિલ્મ બનાવી જાણે છે કે મુંબઇ બેઠેલા પ્રોફેશનલ્સને રંગત લાગી જાય. કોઈ પણ કામ કે બિઝનેસની શરૂઆત માટે વિડીયોની અનિવાર્યતા પ્રસ્થાપિત થઈ ચૂકી છે.
અત્યારે સોશ્યલ સાઇટ્સ ઉપર પિક્સલારની શોર્ટ ફિલ્મો ફેમસ છે. ડિઝનીએ પિક્સલારને ટેકઓવર કર્યું તેના પછી તો ડિઝનીની શોર્ટ ફિલ્મોનો ફેલાવો અને રચનાત્મકતામાં ખાસ્સો વધારો થયો છે. આ કાર્ટૂન ફિલ્મો બાળકોથી લઈને વડીલો સુધીના બધા જોતા હોય છે. ઘણી ફિચર ફિલ્મો સિનેમાના પડદે દેખાડતા પહેલાં શોર્ટ ફિલ્મો દેખાડવાનો રિવાજ ઘણા દેશોમાં હોય છે. કેનેડા શોર્ટ ફિલ્મો અને વેરી શોર્ટ ફિલ્મોને ઉત્તેજના આપવા માટે ઘણા પ્રયત્નો કરે છે. એક સમયે ફક્ત ફિલ્મ ફેસ્ટિવલ પૂરતી જ સીમિત રહેતી આવી ફિલ્મો હવે લોકોના સેલફોન સુધી પહોંચી છે.