રાજકીય ફિલ્મોનો ખેલ .
પ્રચાર નિષ્ણાત રાજકીય પક્ષ તરીકે જેની ગણના એશિયામાં વારંવાર થાય છે તે ભાજપે હવે આગામી લોકસભાની ચૂંટણી જીતવા માટે ફિલ્મોને પ્રચારનું માધ્યમ બનાવવાની શરૂઆત કરી છે. ફિલ્મમાં મનોરંજન પ્રાણતત્ત્વ છે. ફિલ્મના પરદા પર વર્તમાનતત્ત્વ કે સમાચારતત્ત્વ બહુ ચાલતા નથી. મીડિયા નિષ્ણાત માર્શલ મેકલુહાને ફિલ્મને 'કુલ' મીડિયા તરીકે ઓળખાવ્યું છે.
છતાં દુનિયામાં રાજકીય ફિલ્મોનો એક સિલસિલો છે, જેણે ઘણી લોકપ્રિયતા પ્રાપ્ત કરેલી છે. તાજેતરમાં રીલિઝ થયેલી 'ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' ફ્લોપ જવાનું મુખ્ય કારણ એક જ છે કે જે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પર આધારિત આ ફિલ્મ છે, એ વડાપ્રધાનના એ જમાનાને લોકો અત્યારે સન્માનથી જુએ છે. એ વાત ભાજપ અને મિસ્ટર મોદી પણ જાણે છે.
યુપીએના એક દાયકાના સળંગ સત્તાકાળને દેશની પ્રજા 'આર્થિક સુશાસન' તરીકે યાદ કરે છે, અને એ જ સમયે ભાજપના નિર્દેશથી પ્રોપેગન્ડા ટુલ તરીકે રજૂ થયેલી આ ફિલ્મનો હેતુ માત્ર મનમોહનસિંહની 'ફિલમ' ઉતારવાનો જ છે જે લોકોને પસંદ પડયો નથી.
ફિલ્મમાં અતિશયતા હોવાને કારણે દર્શકને આશ્ચર્ય થાય છે અને વાત ગળે ઉતરતી નથી. ઇ.સ. ૧૯૭૫માં આવેલી ફિલ્મ 'આંધી' કંઈ ઇન્દિરાજીની બાયોપિક ન હતી, પરંતુ ઇન્દિરાજીનો પડછાયો એમાં દર્શકોને દેખાયો અને ગુલઝારના દિગ્દર્શનની કમાલ જ એ હતી કે કલાત્મક રીતે એમણે કરેલા સંકેતો ભારતીય દર્શકો પામી ગયા અને ફિલ્મને જબરજસ્ત સફળતા મળી. ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર ફિલ્મ તો જૂની રંગભૂમિના યુગ પહેલાના જમાનાની સીધી રજૂઆત જેવી ફિલ્મ છે, જેમાં કલાતત્ત્વ તો નથી પરંતુ માત્ર કોંગ્રેસ પરનું એક અજાયબ આરોપનામુ જ છે.
કોંગ્રેસનો પતંગ કાપવામાં વડાપ્રધાન મોદીએ બહુ વધારે પડતો સમય આપી દીધો. એટલો સમય એમણે પોતાના પતંગને ઊંચે લઈ જવામાં ધ્યાન આપ્યું હોત તો તેઓએ વધુ માઇલેજ કવર કર્યા હોત. આ ફિલ્મ પણ કોંગ્રેસની રેખાને ટૂંકી કરવાનો ભાજપનો એક ઔર પ્રયાસ છે. ફિલ્મનો હેતુ રાજકીય છે અને મનમોહનસિંહની આજ્ઞાાંકિતતાને એટલી બધી ચરમસીમાએ બતાવવાનો પ્રયાસ થયો છે જેથી સામાન્ય દર્શકને આ ફિલ્મમાં મનોરંજન તો ઠીક કોઇ મેસેજ પણ નથી મળ્યો.
વિજય રત્નાકર ગુટ્ટેએ કોઇકના કહેવાથી ફિલ્મ બનાવી 'આપી' હોય એવું દેખાય છે. એક વાક્યની કથાવસ્તુ એટલી જ આ ફિલ્મ કહે છે કે મનમોહનસિંહના સત્તાકાળના બધા નિર્ણયો સોનિયા ગાંધી અને તેમની આજુબાજુની મંડળી જ લેતી હતી, મનમોહનસિંહ જાતે કોઇ નિર્ણય લેતા ન હતા. દિગ્દર્શકે જો દિલથી આ વિષય પર પણ ઉત્તમ ફિલ્મ તરીકે ફિલ્મ બનાવી હોત તો, મનમોહનસિંહની 'ફિલમ' ઉતારવા જતા નિર્માતા-દિગ્દર્શકની પણ જે 'ફિલમ' ઉતરી ગઈ તે ન ઉતરી હોત !
બોલિવુડમાં આજકાલ બાયોપિકનું ચલણ વધ્યું છે, તે એક સારી બાબત પણ છે. અનેક ખેલાડીઓ, ફિલ્મ સિતારાઓ, અપરાધીઓ, મોટા મોટા કારભારીઓ પરની ફિલ્મો પણ હિટ નીવડી છે. દર્શકોની આ પરિપકવતા છે. લાયબ્રેરીમાં જેમ ચરિત્રગ્રંથો એનું શ્રેષ્ઠ આભૂષણ છે તેમ બાયોપિક ફિલ્મો લોકશિક્ષણનું એક સાથે ઘણું મોટું કામ પાર પાડે છે.
અપરાધીઓની બાયોપિક પરથી સમાજ શીખે છે કે જિંદગીમાં કયા રસ્તે ન જવું. ભારતીય દર્શક હવે કોઈ પરીકથાનો દર્શક નથી. એ બધું સમજે છે અને કથાનકનું મૂલ્યાંકન કરી તથા એ અંગેની સામાજિક સંપ્રજ્ઞાતા પણ આત્મસાત કરે છે. મનમોહનસિંહ પર બીબાઢાળ અને માત્ર ભાજપની સ્તુતિ કરવા જ ફિલ્મ બનાવનાર દિગ્દર્શક વિજય રત્નાકર ભારતીય દર્શકને જેવા નાસમજ, ભોળા અને જે કહો તે સાચુ માની લે એવા તો નથી જ.
ભાજપના મીડિયા સેલ દ્વારા આજકાલ અઢારથી પાંત્રીસની વય ધરાવતા યુવામાનસ માટે સોશ્યલ મીડિયામાં પ્રચારનો ઝંઝાવાત શરૂ થયેલો છે, જેમાં મહદંશે ગપ્પાબાજી જ છે. ઉદાહરણ તરીકે એક પોસ્ટમાં એ મીડિયા સેલ લખે છે કે વડાપ્રધાન મોદીના પ્રયાસોથી યુનેસ્કોએ ભારતના રાષ્ટ્રગીતને વિશ્વનું શ્રેષ્ઠ રાષ્ટ્રગીત જાહેર કર્યું છે.
હકીકતમાં આપણું રાષ્ટ્રગીત આપણે માટે શ્રેષ્ઠ છે એમ સહુને માટે તેમનું પોતપોતાનું. અને યુનેસ્કોએ તો આવી કોઇ જાહેરાત કરી જ નથી. ૧૮ થી ૩૫ની વયમાં ગપ્પાબાજી ચલાવવાને કારણે ભાજપ ભેખડે ભરાતુ જાય છે, કારણ કે આ યુવામાનસ હવે દરેક બાબતની સચ્ચાઇ જાણવા ડિટેઇલ સર્ચ કરે છે અને પછી જ સ્વીકારે છે.
વડાપ્રધાન મોદી પોતે જ ભાજપના પ્રચાર વિભાગના સીઈઓની કામગીરી વર્ષોથી નિભાવે છે અને એ પ્રમાણે તેમણે ફિલ્મના માધ્યમનો પ્રચારના નવા માધ્યમ તરીકેનો જે અખતરો કર્યો તે ફલોપ ગયો છે.
ભારતીય પ્રજા હજુ પણ પ્રચારની માયાજાળમાં ફસાઇ જાય તેવી છે એવી વડાપ્રધાનની માન્યતા સાવ તો ખોટી નથી, ફેર એટલો છે કે છેલ્લા પાંચ વરસમાં જેમ ભાજપનો વિકાસ થયો એમ પ્રજાની બુદ્ધિમત્તાનો પણ વિકાસ તો થયો હોય ને ? જો તમે મનમોહનસિંહને એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર કહો છો તો જે વ્યક્તિ ધારાસભ્યના અનુભવ વિના મુખ્યમંત્રી બને અને સંસદસભ્ય તરીકેના અનુભવ વિના વડાપ્રધાન બને એને શું કહેશો ?