Editorial

ભારત-શ્રીલંકા સંબંધચક્ર

By GS Team
14 Feb 20204 mins read
This article was originally published on 14 Feb 2020
ભારત-શ્રીલંકા સંબંધચક્ર

શ્રીલંકાના વડા મહેન્દ્ર રાજપક્ષેની ભારતની મુલાકાત એવા સમયે યોજાઈ છે જ્યારે ચીન પ્રાણઘાતક સંકટોનો સામનો કરી રહ્યું છે. ભારત અને લંકાના સંબંધોમાં ચીને ખલનાયકની અને વિદૂષકની ભૂમિકા અનેકવાર અદા કરી છે. ભારત સાથે એના તમામ પડોશીઓ લડતા રહે એ ચીનનો પ્રાચીન એજન્ડા છે.

શ્રીલંકા એક માત્ર એવો દેશ છે જેણે એક તબક્કે ચીનને કરોડો ડોલરના રોકાણ માટે પોતાની સીમાઓ ખુલ્લી કરી આપી પછી એકાએક બોધિજ્ઞાન લાધતા ચીનને હાંકી કાઢવાની જગખ્યાત ઝુંબેશ આદરેલી છે. તો પણ ચીનના ઉપકારમાંથી લંકા હજુ સાવ મુક્ત થયું નથી. વડાપ્રધાન મોદીએ તેમના પ્રથમ સત્તાકાળમાં લંકાની ઘોર ઉપેક્ષા કર્યા પછી સંબંધો સુધારવાના જે પ્રયત્નો સ્વ. સુષ્મા સ્વરાજ દ્વારા કર્યા એના અનેક સુપરિણામો ભારતીય ઉપખંડને મળ્યા છે અને લંકામાંથી ચીનને જાકારો મળવાની શરૂઆત થઈ છે.

ચીનની હાલત અત્યારે વિચિત્ર પ્રકારના પ્રકારની છે. લંકામાં ચીને રોકાણ કરેલું છે. ચીને એના સ્વભાવ પ્રમાણે આખા એશિયામાં ટુકડાઓ ફેંક્યા છે અને એમાંથી લંકા પણ બાકાત નથી. લંકાની દરિયાઈ સીમાઓ એક સમયે ચીન માટે ખુલ્લી હતી અને શ્રીલંકા ચીનની એડી તળે એટલી હદે દબાવા લાગ્યું હતું કે લંકાના ભારત સાથેના સંબંધો સંબંધિત વિદેશનીતિ પણ બેજિંગથી જ નક્કી થતી હતી. ચીનના વ્યૂહાત્મક દેવા હેઠળ હજુ પણ લંકા દબાયેલું તો છે જ.

જો કે મહેન્દ્ર રાજપક્ષેની સરકારે તકેદારી અને સાવધાની રાખીને ચીનને સૂક્ષ્મ અર્થમાં તે દેશના આંતરિક મામલાઓમાંથી તો હદપાર કરેલું છે. જ્યારથી મહેન્દ્ર રાજપક્ષેએ શ્રીલંકાનું સુકાન સંભાળ્યું ત્યારથી ચીનના સકંજામાંથી મુક્ત થવાની શ્રીલંકાની તાલાવેલી જગજાહેર છે. છેલ્લા કેટલાક વરસોથી ભારતનું આંતરરાષ્ટ્રીય પ્રભુત્વ વધી ગયું છે. બ્રિટન જેવા કેટલાક રાજનીતિજ્ઞા ભારતશત્રુઓએ ભારત વિરુદ્ધ અપપ્રચાર સતત ચાલુ રાખ્યો હોવા છતાં ભારતની હવે કોઈ દેશ ઉપેક્ષા કરી શકે એમ નથી. એ વાત લંકાને પણ સારી રીતે હવે સમજાઈ ગઈ છે. એનું કારણ લોન આપ્યા પછી ચીને કરેલા વ્યાજદરના વધારાઓ છે.

લંકન વડાપ્રધાન રાજપક્ષેની પંચદિવસીય ભારતયાત્રાથી ચીનના પેટમાં તેલ રેડાયું છે. આ પાંચ દિવસની ગાઢ મુલાકાતથી ભારત અને લંકાના સંબંધો પ્રગાઢ બન્યા છે. ભારતીય પરિક્ષેત્રની વર્તમાન સ્થિતિનું જે અર્થઘટન ભારતે લંકાને સમજાવ્યું એ મહત્ત્વનું છે. ભારત આમ પણ ઐતિહાસિક રીતે સદાય શ્રીલંકા સાથે રહ્યું છે. લંકાના આંતરિક પ્રશ્નોમાં લંકન સરકારની પડખે રહેવામાં આજ સુધી ભારતે જે સહન કરવાનું આવ્યું એનો એક અલગ જ ઇતિહાસ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના સમકક્ષ રાજપક્ષે વચ્ચે અનેક પ્રકારની વાટાઘાટો થઈ છે જેમાં વ્યાપાર અને ક્ષેત્રીય સુરક્ષા પ્રમુખ છે. વ્યાપાર એક એવું રસાયણ છે જે બન્ને દેશો વચ્ચે થીજી ગયેલા સંબંધોને પુનઃ પ્રવાહિત કરે છે અને લાંબા ગાળા માટેના પરસ્પરાવલંબનનું નિર્માણ કરે છે જેના પર દ્વિપક્ષીય સંબંધોનો નવો સેતુ રચાય છે.

શ્રીલંકામાં વસતા અને ત્યાંની નાગરિકતા ધરાવતા તામિલ પ્રજાજનોના મુદ્દે પણ બન્ને દેશો વચ્ચે વિશદ વાર્તાલાપ થયા છે. તામિલ ટાઈગરોની લાંબી લડત અને એલટીટીઈના વિનાશ પછી પણ હજુ તામિલોને લંકામાં એ સર્વ અધિકારો મળ્યા નથી જેને માટે તેઓ દાયકાઓથી લડતા આવ્યા છે. ભારત સરકારે આ વખતે લંકન વડાપ્રધાન સમક્ષ તામિલ નાગરિકોને તેમના હક્કો આપવા અંગે ગંભીરતાપૂર્વક રજૂઆત કરી છે.

લંકામાં સિંહાલીઓ અને બૌદ્ધ લોકો જે અધિકારો ભોગવે છે તે તમામ અધિકારો લંકન તામિલોને પણ સમાનતાના ધોરણે મળવા જોઈએ. લંકાના ઉત્તર પૂર્વ પ્રદેશોમાં આજે પણ તામિલો બહુસંખ્ય વસ્તી ધરાવે છે. એક જમાનામાં એ વિસ્તારોને તામિલ ઈલમ જાહેર કરવાનો જંગ ચાલ્યો હતો. હવે એ આંદોલનો અને આંતરયુદ્ધ પૂરા થયા એને પણ એક જમાનો વીતી ગયો છે ત્યારે ભારત સરકારે સમગ્ર પ્રશ્નની નવેસરથી રજૂઆત કરી છે. ભારત સરકાર એમ માને છે કે રાજપક્ષેની સરકાર નજીકના દિવસોમાં લંકન તામિલો માટે કેટલીક સકારાત્મક જાહેરાત કરશે.

આ મહેન્દ્ર રાજપક્ષેના અગાઉના સત્તાકાળમાં પણ ચીને લંકામાં પોતાની ધાક અને પ્રભાવ જમાવ્યા હતા પરંતુ હવે ખુદ રાજપક્ષેની વિચારધારા જ બદલાઈ ગઈ છે. ચીનના કડવા અનુભવોથી લંકાની તંગદિલી વધી છે. લંકા સાથેના સંબંધો જાળવીને ચીન હિન્દ મહાસાગરમાં પણ પોતાનો ડંકો વગાડવા ચાહે છે. લંકા કંઈ સમૃદ્ધ દેશ નથી. એની પ્રજા માટે હજુ સુખનો સૂરજ ઊગવાનો બાકી છે ત્યારે રાજપક્ષેમાં પણ ડોલરની ભૂખ અને તરસ પરાકાષ્ઠાએ છે. ચીનને હાંસિયામાં મૂકવાની લાલચ આપીને વિવિધ ભારતીય રોકાણને પોતાને ત્યાં નોંતરવાની નીતિ પણ રાજપક્ષેએ રજૂ કરી છે જેને અનુસર્યા વિના ભારત માટે કોઈ વિકલ્પ નથી.