બ્લેન્ક માઈન્ડ પ્રિયંકા
ભારતીય રાજકારણમાં નેતાઓના ઉદય અને અસ્ત તો થતા રહે છે, પરંતુ દરેક પાસે એના પોતાના આગવા વિચારોનું એક આભામંડળ હોય છે.
ભલે તેઓ સદાય સાચા ન પડતા હોય તો પણ જેને રાજનેતા કહેવાય એ તો સદાય પોતાની વિચારધારા સાથે જ પ્રગટ થાય છે અને લોકો તેઓના વિચારો પર મુગ્ધ થવા લાગે છે. કોંગ્રેસના મહાસચિવ, પશ્ચિમી ઉત્તર પ્રદેશના પ્રભારી અને નહેરુ-ગાંધી પરિવારના પુત્રી કઈ વિચારધારા સાથે ભારતીય રાજકારણમાં આજકાલ અભ્યુદય પામ્યા છે તે રહસ્ય કોઈ જાણતું નથી.
શું તેમની પાસે, દરેક રાષ્ટ્રીય નેતા પાસે હોય છે એવી કોઈ નયા ભારતની વિભાવના છે? જે રીતે વાજપેયી-અડવાણીના ભાજપમાં નરેન્દ્ર મોદીએ જેવી છે તેવી પોતાની થિયરી અને પોતાની પ્રેક્ટિસ દાખલ કરી તે રીતે કોંગ્રેસમાં પોતાની અભિનવ દ્રષ્ટિ સંપન્નતા દાખલ કરવાની વૈચારિક સમૃદ્ધિ પ્રિયંકામાં છે?
કારણ કે જે મદાર પર કોંગ્રેસે આ વખતની ઈલેક્શન-૨૦૧૯ નામની 'ફિલમ'માં 'ઈન્ટ્રોડયુસિંગ પ્રિયંકા ગાંધી' નામની એક લાઈન લગાવી છે તે જોતાં જો ખરેખર જ લોકો ધારે છે એવી નિર્ણયાત્મક, ઇનોવેટિવ અને ત્વરિતપ્રભાવ ક્ષમતા પ્રિયંકા ગાંધીના વ્યક્તિત્વમાંથી નહિ મળી આવે તો અત્યારે બાહ્યાચારથી દેખાતી નવા નેતૃત્વની વાહવાહી કદી પણ પશ્ચિમ ઉત્તર પ્રદેશની સીમાઓને ઓળંગી શકશે નહિ.
ખુદ કોંગ્રેસના મોવડી મંડળમાં પણ પ્રિયંકાના પ્રોજેક્શન અંગે અનેક પ્રકારની દ્વિધા દેખાય છે. પૂર્ણિમાની રાત્રિએ ક્યારેક ચંદ્રની આડે કોઈ નાનકડી વાદલડી આવી જાય તો ચંદ્ર થોડીવાર માટે છુપાઈ જાય છે. જો લોકોની અપેક્ષા પ્રમાણે પ્રિયંકા ગાંધીમાં સર્વ રાજવિદ્યાલક્ષી સામર્થ્ય હશે તો તેઓ ચોક્કસ જ રાહુલ ગાંધીના ચંદ્રતેજને ઢાંકી દેશે. પરંતુ જો એ વિદ્યા અને સમજ તેમનામાં નહિ હોય તો તેઓ હવાની એક લહેર જેમ પરિણામો બાદ વીસરાઈ જશે.
ભારતીય પ્રજા પ્રયોગશીલ છે. એનડીએ સરકારે દેશની અનેક મહત્ત્વની બંધારણીય સંસ્થાઓના આત્માને હણવાની ખતરનાક ચેષ્ટા કરી છે. પાંચ વરસ એક પછી એક સંસ્થાનોને લુણો લગાડવામાં તેમનો જોટો જડે એમ નથી.
છતાં ભારતીય પ્રજાએ શાંત ચિત્તે બધું જોયું છે. પ્રજા પાસે વિકલ્પો મર્યાદિત છે. અમેરિકા અને બ્રિટનની લોકશાહીમાં પણ આ જ સ્થિતિ છે. નહિવત્ કે ઓછા રાષ્ટ્રીય કક્ષાના રાજકીય પક્ષો એ લોકશાહીની એક એવી પરાવલંબિતા છે જેમાં પ્રજાએ 'ઓછા ખરાબ' પક્ષને શોધીને એને પ્રમોટ કરવાનો દુ:ખદ પ્રસંગ આવતો જ રહે છે.
પ્રિયંકાનો દેશની રાજકીય ક્ષિતિજે ઉદય થતાંવેત પ્રજાએ એમને હર્ષભેર આવકાર્યા છે તે તો ભારતીય આશાવંત જનસમુદાયનો સ્વભાવ છે, પરંતુ નરેન્દ્ર મોદી ખુદ પ્રજાની અપેક્ષાઓમાં ઉણા ઉતર્યા એટલું જ નહિ, પ્રજાએ કદી કલ્પના જ કરી ન હતી તેવા કેટલાક 'અભિજાત લક્ષણો' પણ એમનામાં જોવા મળ્યા જે એક રીતે સૂક્ષ્મ અર્થમાં તો રાજકીય હોનારત જ કહેવાય, તેવી કોઈ નવી થાપ ખાવા માટે પ્રજા હવે તૈયાર નથી.
વિરાટ ભારતના નકશામાં જુઓ તો પશ્ચિમી ઉત્તર પ્રદેશ એક નાનકડો વિસ્તાર છે, મોકાનો છે, મહિમાવંત છે, પરંતુ મર્યાદિત છે. કોંગ્રેસે પ્રિયંકાના નેતૃત્વની ત્યાં અજમાયશ કરવાનો નિર્ણય કર્યો છે અને સાવધાની પૂર્વક રાહુલ ગાંધીના પક્ષમાં પોઝિશન નંબર વન અબાધિત રાખી છે.
આ સંયોગો વચ્ચે પ્રિયંકા ગાંધીએ મૌનનો મલાજો કેમ પાળી રાખ્યો છે તે એક કોયડો છે. તેઓ પોતે કોંગ્રેસને એક રાજકીય કે ઐતિહાસિક પક્ષથી વિશેષ શું માને છે તે તેઓએ કહ્યું નથી. જે દાદીમા ઈન્દિરાજીનો અણસાર પોતાના મુખારવિંદ પર ધારણ કરીને તેઓ આવ્યા છે તે જ અણસાર સાથે પ્રજાચિત્તે પ્રદીપ્ત થયેલી મહામેધાવી પ્રતિભાની અપેક્ષામાં તેઓ કેટલા પાર ઉતરે છે તે જોવાનું રહે છે.
રોડ શૉ એક પ્રકારનો દર્શનદાયી અથવા તો શક્તિપ્રદર્શનનો કાર્યક્રમ હોય છે, એ કદી વ્યક્તિત્વનો પરિચાયક ન બની શકે, જ્યારે કે ઉત્તર પ્રદેશ અને દેશના ઈતર જિજ્ઞાાસુ જનસાગરને અત્યારે પ્રિયંકા ગાંધીના વિચારો અને વિચારો જ જાણવામાં રસ છે, જે હજુ પણ અપ્રગટ રહ્યા છે!
ભારતીય મતદારોના રાજકીય નેતાઓ અંગે નિર્ણય લેવાના ધારાધોરણમાં કેટલી વૈજ્ઞાાનિકતા કે તાર્કિકતા પ્રવેશી છે તે અભ્યાસનો વિષય છે. ઈ.સ. ૨૦૧૪માં મિસ્ટર મોદીના બાહ્યાડંબરને આપણે મેજિક કહેતા હતા. બોફોર્સ પૂર્વેની રાજીવ ગાંધીની આવૃત્તિને આપણે મિસ્ટર ક્લિન કહેતા હતા.
આ યાદી બહુ લાંબી છે, જેમાં ભારતીય પ્રજાએ સમયાંતરે વ્યવસ્થિત રીતે અને સ્વનિર્ણયથી ગોથા ખાધા છે. આગામી લોકસભાની ચૂંટણીઓ નેતાઓ માટે તો ઠીક છે, ભારતીય પ્રજા માટે જ મોટો પ્રશ્નાર્થ છે. જ્યાં સુધી સજ્જન અને નિષ્કલંકિત ઉમેદવારને શાસન વ્યવસ્થામાં મોકલવાનો હઠાગ્રહ પ્રજાનો નહિ હોય ત્યાં સુધી મિલાવટી ચરિત્રો અને મિલાવટી પક્ષોની ખિચડી પાકતી રહેવાની છે!