ભાજપ ભેખડે ભરાયું .
પૂર્વોત્તર ભારતમાં નાગરિકતા સંશોધન વિધેયકને કારણે સંચારબંધી તોડવા સુધીના તોફાનો થયા છે. જેના વિશે કેન્દ્ર સરકાર સિવાય આખા દેશને ખબર હતી કે આ વિધેયક પસાર થયા પછી પૂર્વ ભારતમાં અગનઝાળ લાગી શકે છે. એટલે કેન્દ્ર સરકારે એને પહોંચી વળવાની કોઈ તૈયારી કરી ન હતી એટલે હવે આકરું પડી રહ્યું છે અને વિરોધ ર્પ્રદર્શન કરતા નાગરિક ટોળાઓ અને સુરક્ષા એજન્સીઓ વચ્ચે ઘર્ષણની શરૂઆત થતાં કેટલાક નિર્દોષ નાગરિકો હણાયા છે.
આ લિધેયકનો વિરોધ દેશ આખામાં પ્રછન્ન છે પરંતુ પૂર્વના રાજ્યોમાં એ શરૂઆતથી છે અને હવે વધતો જાય છે. ભાજપ માટે આ નવી કસોટી છે. ભારત જેવા વિરાટ દેશમાં આ પ્રકારના વિધેયક અલગ અલગ પ્રકારના પ્રત્યાઘાતો જન્માવે તે લોકશાહી રાષ્ટ્રમાં સામાન્ય છે પરંતુ રાષ્ટ્રપતિની સહીથી કાયદો બની ગયા પછી પણ શાસકો પ્રજાને કઈ રીતે વાત ગળે ઉતારે છે તેના પર ત્વરિત પ્રગટેલા વિવાદનું આયુષ્ય નક્કી થતું હોય છે.
પૂર્વોત્તર ભારત સામાજિક રીતે બહુ જ આંટીઘૂંટી ધરાવતો સરવાળે વિશાળ પ્રદેશ છે. ભલે એ સાત-આઠ રાજ્યોમાં ખંડ ખંડ વહેંચાયેલો હોય તો પણ એના કેટલાક પ્રશ્નો અને સમસ્યાઓ સમાન છે. એને કારણે આ સુધારા વિધેયક સામેની આગ ફેલાતી જાય છે. પૂર્વ ભારતની કેન્દ્ર વિરોધી કોઈ પણ ચિનગારીને હવા આપવાનું કામ ચીની એજન્ટો કરે છે અને હાલ ભભૂકેલી જ્વાળામાં પણ ચીની એજન્ટોની સક્રીયતા છાની રહી શકી નથી. વિધેયક સામેના કેટલાક પ્રશ્નો છે પરંતુ દેશની નાગરિકતા અને નાગરિકતાની મર્યાદાઓને ફરીથી વ્યાખ્યાયિત કરવાનો ભાજપનો આ ઉપક્રમ નાનોસૂનો નથી.
અગાઉથી જ સહુ એમ સમજતા હતા કે આ સુધારા વિધેયક ખરેખર તો આસામના સિટીઝન રજિસ્ટરનો જ રાષ્ટ્રીય વિસ્તાર છે. એને કારણે અગાઉ જે કંઈ આસામમાં થયું એનું કમસેકમ ત્યાં તો પુનરાવર્તન થવાનું નક્કી જ હતું. એક માન્યતા એવી પણ હતી કે આસામના સિટીઝન રજિસ્ટરથી જે અસંગતતાઓ ઊભી થયેલી છે એનું અમુક હદ સુધીનું સમાધાન આ સુધારણા વિધેયક આપશે.
પૂર્વોત્તરને બહુ શરૂઆતથી ભાજપે પોતાનો ગઢ બનાવવાનો નિર્ધાર કરેલો છે. પરંતુ પાસા અવળા પડતા રહ્યા છે. ભાજપની એક પેટા શાખા જેવા ખરીદ-વેચાણ સંઘથી અનેક રેડીમેડ નેતાઓને ભાજપે પડખે લીધા છે. પરંતુ એ નેતાઓનું અસ્તિત્વ લોકોની લાગણી આધારિત છે એટલે મુખ્યમંત્રી કદના નેતાઓ પણ લોકજુવાળ સામે થઈ શકે એમ નથી. જો આ આંદોલન લાંબુ ચાલશે તો પ્રજાના આવેગ તરફી ઝુકાવ દાખવીને નેતાઓ એક પછી એક રાજીનામા ધરવા લાગશે.
આંદોલન એ રીતે ભડક્યું છે કે જાણે બહુ લાંબા સમયથી એની તૈયારીઓ લોકોએ કરી રાખી હોય. ભાજપ એ વાત સારી રીતે જાણે છે કે પૂર્વોત્તર ભારત સાપના બારા જેવું છે, જો ધ્યાન ન રાખો તો એક પછી એક બધા અંકુશમાંથી છટકી જાય. પૂર્વોત્તર ભારતમાં સમાજના નાના નાના અનેકાનેક સમુદાયો છે અને તેમાંના દરેક પોતાની જાતિગત ઓળખ માટે બહુ સંવેદનશીલ છે. ઉપરાંત દેશનો આ એ પ્રદેશ છે જ્યાં પાડોશી બાંગ્લાદેશથી ઘુસણખોરી આપણે માનીએ છીએ એનાથી ક્યાંય વધુ થઈ છે.
આ ઘુસણખોરો બધી રીતે અ-સામાજિક પરિબળ છે. કેન્દ્ર સરકાર એક તો હજુ એમને હાંકી ને હદપાર કરી શકી નથી ત્યાં ઈસ્લામેતર ઘુસણખોરોને ભારતીય નાગરિકનો દરજ્જો આપી દેવાની સરેઆમ સગવડ આપતું વિધેયક વિરોધનું કારણ બન્યું છે. ઇન્દિરા ગાંધીના પ્રાચીન દ્રષ્ટિકોણથી જુઓ તો ભાજપને આમાં પોતાની નવી વોટબેન્કનું સર્જન કરવાનો પણ મોહ છે.
જો સુષમા સ્વરાજ અત્યારે હયાત હોત તો એમણે એમ કહ્યું હોત કે આપણી સંસ્કૃતિ સદાય પોતાનાઓને પોતાના ઘરમાં ફરી આશ્રય આપવાની વાત કહે છે. હવે વિવાદ એ છે કે 'પોતાનાઓ' નક્કી કરવા માટે માત્ર ધર્મને આધાર ન બનાવાય.
અહીં ભાજપ ભેખડે ભરાઈ ગયું છે. કારણ કે બંધારણ ધર્મ નિરપેક્ષતાની આધારશીલા પર રચાયેલું છે. ભાજપે નાગરિકતા સુધારણા વિધેયક દ્વારા સાહસ મોટું કર્યું છે પરંતુ બકરીને પ્રવેશ આપતી વેળાએ ઊંટ પ્રવેશી ન જાય એની સાવધાની રાખવા જતાં ધામક ભેદભાવ દેખાઈ જાય છે જે સર્વોચ્ચ અદાલતના આંગણે અને અન્યત્ર પણ ભાજપને તકલીફમાં મૂકશે. કારણ કે દેશના શાસકો કોઈને ઊંટ અને કોઈને બકરી માનીને ચાલે તે લોકશાહી રાષ્ટ્રમાં સર્વમાન્ય ન ઠરે.
કેન્દ્ર સરકારે આ વિધેયક, હવે એ કાયદો બની ગયો હોવા છતાં, હજુ અનેક પૂર્વોત્તર રાજ્યોને વિશ્વાસમાં લેવા પડશે. આસામ જેવા રાજ્યો કે જ્યાં વિદેશી ઘુસણખોર નાગરિકો સામેના આંદોલનોનો એક લાંબો ઇતિહાસ છે એને તો આ સુધારણા વિધેયકથી બહુ આઘાત લાગ્યો છે.
સરકારની દલીલ એવી છે કે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધામક દમનને કારણે જે છ ધર્મનાં લોકો સંબંધિત દેશોમાં ગુજારાયેલા અત્યાચારોથી ત્રાસીને ભારત આવી ગયા છે અને ઈ. સ. ૨૦૧૪ અગાઉથી અહીં વસે છે તેમને પનાહ તો ભારતે આપેલી જ છે, હવે એને સર્વકાલીન નાગરિકતા પણ આપવી. પૂર્વોત્તર ભારતમાં અનેક જનજાતિઓ છે જે હવે ભાષા અને બોલીઓના આધારે અલ્પસંખ્યકોમાં રૂપાંતરિત થઈ ગઈ છે. વિરોધ કરનારાઓમાં તેઓ પણ જોડાયેલા છે. કારણ કે તેમની આદિ પરંપરાઓ નવાગંતુકો જે છેલ્લાં દસ વીસ વરસમાં અહીં ધામા નાંખીને પડયા છે એમને કારણે વિલુપ્ત થવાને આરે છે.