રાફેલમાં મોદી ગાફેલ .
આપણે એક એવા દેશના નાગરિક છીએ જે દેશના અત્યંત મહત્ત્વના સંરક્ષણ કરારો સર્વોચ્ચ અદાલતના આંગણા સુધી પહોંચે છે. તબક્કાવાર બોફોર્સ કક્ષા સુધીના વિવાદે પહોંચેલા રાફેલ વિમાનોનું પ્રકરણ હવે નવા વળાંકે પહોંચ્યું છે.
બોફોર્સ અને રાફેલ- ભારતીય સમયરેખાના બે જુદા જુદા બિંદુઓ છે, છતાં એક જ હોય એવો આભાસ સામાન્ય નાગરિકને થવા લાગ્યો છે.
વડાપ્રધાન મોદીની એક મર્યાદા છે કે તેઓ પોતાની ક્ષમતાઓ પર વધારે પડતા મુસ્તાક છે. રાફેલ પ્રકરણે હવે તેમના કાબુ બહાર આગળ ધપી ગયું છે. કોંગ્રેસ અને તેના નેતાઓએ રાફેલ કરાર અંગે પ્રશ્નો ઉઠાવ્યા પછી એક તબક્કો એવો હતો કે તેઓ તમામ વિપક્ષને વિશ્વાસમાં લઈને આ સંરક્ષણ કરારની ગોપનીયતાને બરકરાર રાખી શક્યા હોત, પરંતુ એનડીએ સરકાર તથા ભાજપની છાવણીએ આ લડાયક વિમાનો અંગે ઉડાઉ જવાબો આપવાનો જ ઉપક્રમ જાળવી રાખ્યો છે. એનું પરિણામ હવે એ આવ્યું છે કે એનડીએ સરકાર તરફ કોઈ મોટા કૌભાંડની આશંકા દેશમાં સાર્વત્રિક થઈ ગઈ છે.
પહેલી વાત તો એ છે કે આ પ્રકારના સંરક્ષણ સોદાઓ સર્વોચ્ચ અદાલત સુધી જવા જ ન જોઈએ. જનહિતની અરજી અનુસંધાને અદાલતી પ્રક્રિયા તો આગળ વધવાની જ છે, પરંતુ મોદી સરકારે રાફેલ પ્રકરણ પર આજ સુધી જે નિરુત્તરતા દાખવી છે તેનો હવે છેદ ઉડી જશે. આ રાફેલ કરાર અદાલત સુધી પહોંચવાના કારણમાં સરકાર જ વધુ જવાબદાર છે ! રાહુલ ગાંધી આણિ મંડળીએ પહેલા એ હવા ઊભી કરી કે મોદી સરકારે રાફેલ દ્વારા એક બહુ જ ઊંચા ભાવનો અકારણ સોદો કર્યો છે.
એનો જવાબ સંરક્ષણ પ્રધાન કે વડાપ્રધાન આપી ન શક્યા. પછીના તબક્કામાં એ વાત સાબિત કરવાનો વિપક્ષે પ્રયત્ન કર્યો કે સરકારી કંપની એચએએલની ઉપેક્ષા કરીને અનિલ અંબાણીની નવોદિત કંપની રિલાયન્સ ડિફેન્સને લાભ કરી આપવામાં આવ્યો છે. એનો પણ કોઈ જવાબ મોદી સરકાર આપી શકી નથી. પરંતુ દેશના નાગરિકો માટે આ એક આઘાતજનક હકીકત જેવા વૃત્તાંત છે અને એનો ચોક્કસ પ્રભાવ છે.
રાહુલ ગાંધીની પૂર્ણકાલીન વર્તમાન પ્રવૃત્તિને એક જ શબ્દમાં વર્ણવવા માટે રાફેલ શબ્દ કાફી છે. તેઓએ રાફેલનું જે પૂંછડું પકડયું છે તે ઇ.સ. ૨૦૧૯ના અંત સુધી તો મૂકવાના નથી. કારણ કે રાફેલના બહાને વડાપ્રધાનની અમર્યાદિત ટીકા કરતા રહેવાનું કામ તેમણે અદ્યાપિ ચાલુ રાખ્યું છે. વળી પોતાની આક્રમક રજૂઆતમાં તેઓ ક્રમશઃ મરીમસાલા પણ ઉમેરતા જાય છે.
સર્વોચ્ચ અદાલતે રાફેલ કરાર સંબંધિત જે માહિતીની સરકાર પાસેથી ઝંખના રાખી છે એ માહિતી સંપુટ જો સરકાર આપે તો વાત જુદી છે, પરંતુ કેન્દ્ર માટે વિકટ ઘડીની હવે જ શરુઆત છે. અત્યારે તો એ કહેવું અઘરું છે કે, રાફેલ વિમાન કરાર અદાલતમાંથી પસાર થયા બાદ તત્ સંબધિત રાજકીય ગરમા-ગરમીને કોઈ ઠંડક વળશે કે નહિ ! સરકાર જો રાફેલ પ્રકરણને હવે માત્ર એક અદાલતી કેસ તરીકે જ જોશે તો દરરોજનો ભાજપની પ્રતિષ્ઠાને લાગતો ઘસારો અવિરત ચાલુ રહેવાનો છે. અને અત્યારે તો ભાજપના નેતૃત્વની કેન્દ્ર સરકારનો ઇરાદો રાફેલને વધુમાં વધુ એન્ગલથી પોતાના મહામૌનના વાદળાઓમાં ઢાંકી રાખવાનો જ દેખાય છે.
વડાપ્રધાન મોદી રાફેલ અંગે જે ખુશનુમા ખ્યાલમાં હોય તે અભિવ્યક્ત કરવાની મોસમ હવે આવી ગઈ છે. સરકાર પાસે સંરક્ષણ સંબંધિત ખરીદીઓની બાબતમાં ગોપનીયતાના અનેક પ્રકારના વિશેષાધિકારો છે. પરંતુ એ અધિકારોનો વિનિયોગ કરવાની અનિવાર્યતા સર્જાય એ કક્ષાનો રાફેલ ખરીદી કરાર છે કે નહિ એની તો સરકારે ચોખવટ કરવી પડે એ મુહૂર્ત પણ હવે બહુ દૂર નથી.
સમગ્ર રાફેલ ડિલમાં જવાબ આપવા પરત્વેની મોદી સરકારની નિષ્ક્રિયતાએ ભાજપને જે નુકસાન કર્યું છે તે નોટબંધીના છબરડા કરતાંય અનેકગણું મોટું નુકસાન છે. અને નવાઈની વાત એ છે કે આ નુકસાન વેઠવાની તૈયારી સાથે જ ભાજપે સોનાની સોય અને રૂપાની દોરીથી પોતાના હોઠ સિવી રાખેલા છે. ભાજપ સદાય કોંગ્રેસને રાફેલ અંગે એમ કહે છે કે, આ પ્રકરણમાં કોંગ્રેસ અમારો દુષ્પ્રચાર કરે છે. પરંતુ એની સામે જે સત્પ્રચાર કરવા સત્ય ઉચ્ચારવું જોઈએ તે તો ભાજપની છાવણીમાંથી કોઈ કહેતું જ નથી.
રાફેલ કોઈ સામાન્ય પ્રકારનું યુદ્ધવિમાન નથી. ભારતીય હવાઈદળની એ અતિપ્રિય પસંદગી છે. કલાકના ૨૫૦૦ કિલોમીટરની ગતિથી આકાશ ભેદતી વેળાએ આ વિમાન અંદાજે ૪૦૦૦ કિલોમીટર દૂરના નિશાન પર મિસાઇલનો પ્રહાર કરીને વિનાશ વેરી શકે છે. એક જ મિનિટમાં એ ૬૦,૦૦૦ ફૂટની ઊંચાઈએ પહોંચી જાય છે.
ભારતીય હવાઇ દળના એરોનોટિકલ એન્જિનિયરો અને ફ્યુચર વોરફેર નિષ્ણાતોએ રાફેલની ડિઝાઇનમાં કેટલાક મહત્ત્વના ફેરફારો સૂચવેલા છે જે ભવિષ્યના કોઈ પણ યુદ્ધને ધ્યાનમાં રાખીને દાખવવામાં આવેલી અગમચેતી છે. મોદીનું મૌન અને રાહુલના વાણી વિલાસે ભારતીય હવાઈ દળની મઝા મારી નાખી છે એમ તો ન કહેવાય પરંતુ આ પ્રકારના લડાયક વિમાનો લાવવાનો નિર્ણય હવાઈ દળમાં એક મહાન ઉત્સવ જેવો હોય છે, આપણા રાજકારણીઓ તેમનું રાજકારણ સિવિલિયન ક્ષેત્ર સુધી મર્યાદિત રાખે અને કૌભાંડોને સૈન્ય પરિક્ષેત્રમાં ન લઈ જાય તે જરૂરી છે.