Get The App

સોશ્યલ મીડિયાનો 'મત'

Updated: Mar 12th, 2019

GS TEAM

Google News
Google News
સોશ્યલ મીડિયાનો 'મત' 1 - image



લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં દેશના રાજકીય પક્ષોમાં વસંતઋતુના વાયરાઓ વહેતા થયા છે. ચૂંટણીપંચે આ વખતે દરેક અપરાધી ઉમેદવારોને પોતાનો ગુનાઇત ઈતિહાસ સ્પષ્ટ જાહેરખબર સ્વરૃપે સામુદાયિક માધ્યમોમાં પ્રસારિત કરવાની કડક સૂચના આપી છે. પોતાના ફોટોગ્રાફ સાથેના સ્વકર્મ અને કરતૂતો જેઓ જાહેર નહિ કરે તેમની ઉમેદવારી પંચ રદ કરશે. 

ઉપરાંત પંચે તમામ રાજકીય પક્ષોને સૂચના આપી છે કે અપરાધીઓને ટિકિટ આપશો નહિ, પરંતુ એ સૂચના જ છે નિયમ નથી એટલે એનું પાલન થવાનું નથી. ભાજપે કેન્દ્રમાં સત્તા ધારણ કર્યા પછી સોશ્યલ મીડિયાનો ધૂમ પ્રયોગ અને ઉપયોગ કર્યો છે અને હવે આજકાલ તો એ જ સોશ્યલ મીડિયા ભાજપ સામે શૃંગ ઉછાળે છે. કેન્દ્રની એનડીએ સરકાર સામેના આક્ષેપોનો એક મહાનદ ભારતીય સોશ્યલ મીડિયામાં વહી રહ્યો છે.

એની સામે કોંગ્રેસ વિરુદ્ધની વાતોનો પણ એવો જ મોટો પ્રવાહ છે. કેન્દ્ર સરકારની સંખ્યાબંધ બાબતો શંકાના ઘેરાવામાં છે. એનો લાભ લઈને સોશ્યલ મીડિયામાં કેટલીક કટાક્ષયુક્ત જે પોસ્ટસ્ ફરી રહી છે તે એક રીતે તો હળવો હાસ્યનો ખજાનો જ છે. પાંચ વરસ પહેલા કોંગ્રેસના તત્કાલીન ઉપાધ્યક્ષ અને હવે અધ્યક્ષ રાહુલ ગાંધીની મજાક કરવાનો જે સિલસિલો સોશ્યલ મીડિયા પર ચલાવવામાં આવ્યો હતો એમાં મનોરંજનતત્ત્વ પણ હતું.

અત્યારે વડાપ્રધાન મોદી સામે જે અજબ કાર્ટૂનો અને ચાટુક્તિઓ પ્રસારિત થઈ રહ્યા છે તેમાં પણ ભરપુર મનોરંજન છે. થોડા સમય પહેલા એનડીએ સરકારે યોજનાપૂર્વક સોશ્યલ મીડિયામાં પોતાના થતા અપમાનો, અવહેલના અને ઉપેક્ષા રોકવા માટે ઉપભોક્તાઓને ધમકી આપતા મેસેજ વાયરલ કર્યા હતા, પરંતુ નાગરિકો પર એની કોઈ જ અસર નથી. અભિવ્યક્તિના સ્વાતંત્ર્યને પકડીને કેદ કરવાના અનેક સાણસાઓ પાંચ વરસ ઘડયા પછી એનડીએ સરકારે છેલ્લે છેલ્લે વ્હોટ્સએપ પર સ્વતંત્રતા માણતા નાગરિકોને પણ 'આંટી'માં લેવાની વ્યર્થ કોશિશ કરી લીધી છે.

બ્રિટિશ મીડિયાએ આમ તો ભારતની ઈર્ષ્યા કરવામાં કદી પણ અને કંઈ પણ બાકી રાખ્યું નથી. જૈશ-એ-મોહની છાવણીઓ પરના ભારતના હવાઈ હુમલાઓ પરની આશંકાઓનું નેતૃત્વ પણ છેક આરંભથી બ્રિટિશ મીડિયા જ કરે છે. બીજી રીતે ભારતીય સોશ્યલ મીડિયામાં તમામ ભારતીય ભાષાઓ પ્રયોજાય છે તેમાં પરદા પાછળથી આંતરરાષ્ટ્રીય પરંપરિત મીડિયાનો પણ સત્તાવાર પ્રવેશ છે.

એટલે સોશ્યલ મીડિયા દ્વારા આ વખતે ભારતીય નાગરિક માટે મત આપવા અંગેનો જે મત વ્યક્ત થશે એ બહુરંગી હશે, સોશ્યલ મીડિયાનો તળપદી ભાષામાં સમજણ માટેનો અર્થ જ છે રંગરંગીન અભિપ્રાયોની વઘારેલી ખિચડી ! ભાજપને મત આપવા ચાહતા મતદારો અને વડાપ્રધાન મોદીના ચાહકો તો હજુ છે અને સારી એવી સંખ્યામાં છે, પરંતુ ભક્તોની સંખ્યામાં હેવી ડાઉનફોલ આવ્યો છે. ચાહકો રહ્યા છે પરંતુ ભક્તો વાડ ઠેકીને દૂર ઊભા રહી ગયા છે. કેટલાક પ્રશ્નોએ તેમને મુંઝવણમાં મૂક્યા છે જેને કારણે જે કેટલીક એનડીએ સરકાર અંગેની આંખ ઊઘાડક (આઈ ઓપનર) ઘટનાઓ અને એના પરની ચર્ચાઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ એનાથી પૂર્વ ભક્તો સ્તબ્ધ થઈ ગયા છે.

હવે ભારતીય રાજનેતાઓએ પ્રચાર કરતી વેળાએ શેરીઓમાં જે મતદારોને મળવાનું છે તેમાંના મોટાભાગના તો સોશ્યલ મીડિયાથી શિક્ષિત અને દીક્ષિત છે. ભાજપ, કોંગ્રેસ અને વિવિધ પ્રાદેશિક તથા નાના રાજકીય પક્ષોના બી અને સી કેટેગરીના નેતાઓને નાગરિકોના એ પ્રશ્નાર્થોનો સામનો કરવાનું કામ જોખમી નીવડશે.

આનો બીજો અર્થ એ છે કે જો જ્ઞાાતિ-જાતિના આધાર પર મત લઈ આવતા ન ફાવે તો પેલા પ્રશ્નોના સાપોલિયા દરેક ઉમેદવારના પગમાં વીંટળાઈ વળશે. એટલે જ આ વખતની ચૂંટણીમાં જ્ઞાાતિ ફેક્ટરને શાસકો અને વિપક્ષ બન્ને સારી રીતે નેવિગેટ કરશે. ગુજરાત વિધાનસભાની ગઈ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બન્નેના હારેલા ઉમેદવારોના કારણોમાં ઊંડા ઉતરવા જેવું છે. જે નેતાઓએ પોતાની જ જ્ઞાાતિના નવયુવાનોને આડે રસ્તે ચડાવ્યા હતા તેવા મહત્ ઉમેદવારોને એમની જ જ્ઞાાતિના મતદારોએ ઘરે બેસાડી દીધા છે.

એ જ રીતે ભાજપે જેને બહુ જ પ્રોત્સાહન આપ્યું છે તે આયારામ-ગયારામ એટલે કે ધારાસભ્યો અને નેતાઓના ખરીદી અને વેચાણના પ્રત્યાઘાતો મતદારોમાં કેવા રહેશે તે પણ કલ્પનાનો વિષય છે. ભાજપમાં પેરેશુટથી રાતોરાત ઉતરાણ કરીને ઉપરના પગથિયે પ્રગટ થનારા આગંતુક નેતાઓએ મૂળ ભાજપના કાર્યકરોને આઘાતમાં ગરકાવ કર્યા છે એનો બહુ અફસોસ પ્રજાએ એટલે ન કરવો જોઈએ કારણ કે આ જ પ્રવૃત્તિ કોંગ્રેસે પણ કરેલી જ છે.

Tags :