Get The App

કોંગ્રેસ યુક્ત ભારત .

Updated: Dec 12th, 2018

GS TEAM

Google News
Google News
કોંગ્રેસ યુક્ત ભારત                                      . 1 - image

વિરોધ પક્ષથી પોતાને સંપૂર્ણ મુક્ત રાખીને લોકશાહી રાષ્ટ્રનું નેતૃત્વ કરવા ચાહતા ભાજપને પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં જે હવા હતી એનાથી ઓછી પછડાટ મળી છે. કોંગ્રેસ અને ભાજપ બન્નેએ આત્મમંથન કરવાનો અવસર આ પરિણામોએ આપ્યો છે.

વિરોધ પક્ષની જીવંતતા જ લોકશાહીનું પ્રાણતત્ત્વ છે. વિરોધ પક્ષ હોવો જ ન જોઈએ એ તો બીજા વિશ્વયુદ્ધ વેળાની જર્મનીની વિચારધારા છે, જેમાં છાને પગલે હવે ચીન અને રશિયા ચાલવા લાગ્યા છે.

ઈ.સ. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલાના કર્ટેઈન રેઈઝર જેવા લોકમત પરીક્ષણમાં ભાજપે સાવ નવેસરથી દાખલો ગણવો પડે એવા સંજોગો છે અને એમાં જો ભૂલ કરશે તો નાપાસ થવાનું જોખમ છે. આ પરિણામોએ ભાજપના દિગ્ગજોને ભારે દ્વિધામાં મૂકી દીધા છે.

તેમને માટે હવે એ સમસ્યા છે કે ઈ.સ. ૨૦૧૯ની પોતાને ન ગમતી કસોટીરૂપ વૈતરણી પાર કરવા માટે વિકાસ નામની ગાયનું પૂંછડું પકડવું કે હિન્દુત્વ નામનું પૂંછડું પકડવું? ભાજપનું હિન્દુત્વ ઢમકઢોલકી હિન્દુત્વ છે, બે વરસ પહેલા એણે પોતાના પક્ષીય ધ્વજમાં ભગવા સાથે લીલો રંગ પણ ઉમેરી દીધો છે, પરંતુ એ જાદુગરી ચાલાકીથી એને ફાયદા કરતાં નુકસાન વધુ થયું છે.

મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપના દોઢ દાયકાના શાસનનો અંત આવ્યો છે. મધ્યપ્રદેશનો પરાજય ભાજપ માટે કારમો ઘા છે. ભાજપ અને કોંગ્રેસને મળેલા મતોનો તફાવત તો ૧.૨૬ લાખ મતનો છે પરંતુ બે માંથી કે અન્યોમાંથી પણ કોઈનેય પસંદ ન કરનારા નાગરિકોના નોટા મત ૪.૫ લાખ છે.

મધ્યપ્રદેશની બિન સરકારી સંગઠનોની આ કમાલ છે. વિવિધ વિધાનસભા ચૂંટણીઓનું સર્વગ્રાહી ચિત્ર જોતાં ભાજપના અને કોંગ્રેસના કુલ વોટશેરમાં પણ ઝીરો પોઈન્ટ પછીનો તુચ્છ તફાવત છે. ભાજપ વિરોધી પવન હતો ને એ પવન પ્રમાણે જેટલી સીટો કોંગ્રેસે આંચકી લેવી જોઈએ તેમ થયું નથી.

નેતૃત્વની કચાશ કોંગ્રેસને અને નેતૃત્વનો ઘમંડ ભાજપને નડી ગયો છે. મતદારો કોંગ્રેસને ચાહે છે એવું પણ નથી પરંતુ ભાજપ ન જોઈએ નો અવાજ મોટો થતો ગયો છે જેનો લાભ કોંગ્રેસને મળ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદના ટુકડા કરીને ભાજપે એ સોનાની કટારી પોતાના જ પેટમાં ભોંકી છે, કારણ કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં જૂની વિહિપના જૂના કાર્યકરો નિષ્ક્રિય રહ્યા છે.

કોંગ્રેસે છત્તીસગઢમાં સત્તા મેળવી પણ એની સામે એક રાજ્ય મિઝોરમ ગુમાવ્યું છે, વળી મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ૬૦થી વધુ બેઠકો કોંગ્રેસે બહુ જ પાતળી બહુમતીથી જીતી છે.

એનો અર્થ એ પણ છે કે નોટબંધી, જીએસટી, સીબીઆઈ, બેન્કિંગ, ન્યાયતંત્ર અને રિઝર્વ બેન્ક સંબંધિત બહુવિધ રીતે ભાજપે જે જે ઉત્પાતો મચાવ્યા તેનાથી દેશભરમાં છવાયેલા ભાજપ વિરોધી મોજાંનો લાભ લેતા કોંગ્રેસને આવડયું નથી. આવડતની તંગી એને નડી ગઈ છે.

રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓના આ પરિણામોથી કોંગ્રેસનો પુનરોદય ચોક્કસ થયો છે પરંતુ રાહુલના અભ્યુત્થાનને હજુ વાર છે. કારણ કે મતદારો કોંગ્રેસને ભાજપના વિકલ્પ તરીકે જુએ છે પરંતુ રાહુલ ગાંધીને નરેન્દ્ર મોદીના વિકલ્પ તરીકે જુએ છે કે કેમ એ ચતુરજનોએ વિચાર કરવા જેવો છે. કારણ કે એ સ્થિતિની ઊંચાઈ પ્રાપ્ત કરવાને રાહુલ ગાંધીને હજુ વાર છે. એક મોટો જનસમુદાય એમ ઈચ્છે છે, પણ એમ કંઈ યશોદા ચાહે ને કાનો મોટો થઈ જાય એવું તો બનતું નથી!

ભાજપમાં સન્નાટો છવાયેલો રહેવાનો છે. એનડીએના એક પછી એક ઘટક પક્ષો ગઠબંધન છોડી જવાના નિશ્ચિત છે. ટાઈટેનિક હિમશીલા સાથે ટકરાયા પછી ય ત્રણેક કલાક સુધી તો એટલાન્ટિક સમુદ્ર પર તરતી રહી હતી.

પાંચ રાજ્યોના પરિણામો અને તેમાંય મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનના પરિણામોથી કોંગ્રેસનું જે પ્રાણપંખેરું ઉડુ ઉડુ થતું હતું તે સચેતન થઈને પુન: પાંખો પ્રસારવા લાગ્યું છે. લોકમત ભલે રાજ્યવાર હોય તો પણ ભારતીય પ્રજાના એ તમામ સમુદાયોએ દેશની લોકશાહીને અને તે પણ સંકટ સમયે મજબૂત બનાવવાનું ઐતિહાસિક કામ કર્યું છે.

માતાપિતા સંતાનને ઠપકો આપતા હળવા હાથે ટપલી મારે એમ પ્રજાએ વાયા વિધાનસભા ચૂંટણી કેન્દ્રીય નેતૃત્વને ટપારવાનું કામ કર્યું છે. ટપલીથી ન સમજે એને માટે તમાચો નક્કી હોય છે. આ પરિણામો, જે રીતે મોદી વિરોધીઓ સોશ્યલ મીડિયામાં ઉછળી ઉછળીને રાહુલના મંગલ ગીતો ગાવા લાગ્યા તેવું ને તેટલું નુકસાન તો વડાપ્રધાન મોદીને નહિ કરે.

હા, મોદી-શાહની જુગલજોડીને નાક પર ઘસરકો થઈ ગયો છે. તેમની રહસ્યમય વિનિંગ ફોર્મ્યુલાઓ અને ટ્રિક-ટેકનિક ફ્લોપ ગયા છે, એનો અફસોસ તેઓ બન્નેને હોય એનાથી ક્યાંય અધિક ભાજપના ભક્તગણને હોય તે સ્વાભાવિક છે, જે ગણસંખ્યામાં છેલ્લા બે વરસમાં ધરખમ ઘટાડો નોંધાયો છે.

વડાપ્રધાન મોદી એક ભૂલભરેલું રાજકીય ચરિત્ર ધરાવતા નેતા છે અને તેમની મર્યાદાઓ તેમના પદના સંદર્ભમાં પારાવાર છે, છતાં એમનો એક ચાહક વર્ગ તલત મહેમુદ અને મન્નાડેના ચાહકોની જેમ હજુ જળવાયેલા છે અને રહેશે. પરાજયનો આસ્વાદ માણી રહેલા વડાપ્રધાન પ્રત્યે સહાનુભૂતિનું કોઈ મોજું હોય તોય ઈ.સ. ૨૦૧૯ પાર કરી શકાય નહિ, માત્ર વાસ્તવિકતાઓનો સ્વીકાર અને એના ઉપાય જ દરેકને સંકટમાંથી તારી ને ઉગારી શકે.

Tags :