Get The App

જળપાન માટે ઘંટનાદ .

Updated: Dec 12th, 2019

GS TEAM

Google News
Google News

યથા પિંડે તથા બ્રહ્માંડે એમ કહેવાય છે. વિજ્ઞાાન અને સમૃદ્ધ એવી સંસ્કૃતની આ ઉક્તિ દેખેલું પણ ધ્યાનમાં ન આવેલું સનાતન સત્ય રજુ કરે છે. જે પિંડમાં છે તે જ બ્રહ્માંડમાં છે. કેરળ, કર્ણાટક અને તેલંગણાની શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે જળપાનની અલાયદી ઈનક્લાસ રિસેસ ફાળવવામાં આવી છે. વર્તમાન ભારતના શિક્ષણના અંધકારયુગમાં આવા સમાચાર નાનકડા તેજોવલય જેવા લાગે છે. જાણે કે રણ હો ગુલાબ. પૃથ્વી પર સિત્તેર ટકા વિસ્તારમાં પાણી છે. 

આપણું શરીર પણ ૬૬ ટકા પાણી ધરાવે છે. બ્રહ્માંડના તારાઓના ઝૂમખાં અને આપણા મગજના ચેતાકોષોની રચના અદ્દલ સરખી છે. હકીકતમાં આપણે કુદરતની બેનમૂન નકલ છીએ. માટે કુદરતી નિયમોને પાળીને જીવવું જોઈએ. દુર્ભાગ્યે પોતાને હોશિયાર સમજવા લાગેલી માનવજાત કુદરતથી દૂર ને દૂર થતી જાય છે. માટે જ બાળકોને પાણી પીવાનું યાદ અપાવવા માટે ત્રણ રાજ્યોની શિક્ષણ વ્યવસ્થા પહેલ કરે એ આવકારદાયક પગલું છે.

સર્વેની બાબતમાં હજુ સુધી પ્રતિષ્ઠિત રહેલી અને યુનોની જેમ બદનામ ન થયેલી 'વિશ્વ આરોગ્ય સંસ્થા'નો અહેવાલ કહે છે કે દર વર્ષે સરેરાશ માણસ પાણી ઓછું પીતો જાય છે. એ સંસ્થાના નિષ્ણાતોના મત મુજબ અપૂરતી ઊંઘ અને અપૂરતા જળપાનનું નિવારણ આવે તો માનવજાતને થતા સિત્તેર ટકા રોગો ન થાય. પૂરતા જથ્થામાં અને યોગ્ય સમયે પીવાતા પાણીનું મહત્ત્વ અપરંપાર છે. જુના ભારતીય શાસ્ત્રો અને ઇસ્લામના ધર્મગ્રંથોમાં પણ પાણી પીવાની પદ્ધતિઓ બાબતે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

આપણી શિક્ષણ વ્યવસ્થાનું સ્તર જ દર વરસે વધુ નીચે ઉતરતું જાય છે. માટે બાળકોને ઊંચકવા પડતા વજનદાર દફતર સિવાય અને અભ્યાસક્રમ સમયસર પૂરો થઈ જાય એ બાબત સિવાય ભાગ્યે જ કોઈનું ધ્યાન વિદ્યાર્થીઓની જીવનશૈલી ઉપર જાય છે. શાળાકાળ દરમિયાન બાળક પાણી ઓછું પીવે છે અને માટે તેના શરીર ઉપર થતી નિર્જલીકરણની અસર એના સમગ્ર અભ્યાસ તથા વ્યક્તિત્વ ઉપર પડે છે. અફસોસ કે આ સદીઓ જુના સત્ય તરફ હવે છેક ભારતના અમુક રાજ્યોના શિક્ષણવિદોની આંખો ખુલી છે.

ઇરિંજલકુડા કેરળનું એક ગામ છે. ત્યાંની સેન્ટ જોસેફ અપર પ્રાઇમરી સ્કૂલના શારીરિક શિક્ષણના શિક્ષક મિસ્ટર જેનિલ જ્હોન બીમાર પડયા. તેની બીમારીનું કારણ ડી-હાઈડ્રેશન હતું. શરીરમાં પાણીનો અભાવ. પેટમાં દુખાવો, ચક્કર, સ્ફૂતનો અભાવ વગેરે એના લક્ષણો હતા. શિક્ષક જ્હોન એ શિક્ષકોમાંના એક નથી જે વારેતહેવારે કલાસરૂમમાં ગાંઠિયા-ભજીયાની ઉજાણી કરતા હોય. તેમને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસની ચિંતા હતી. તેમણે એના જ બાળકોનો વીડિયો ઉતાર્યો.

વિદ્યાર્થીઓ અને વિદ્યાથની બહેનોને પૂછયું. અમુક બાળકને તરસ લાગી હોવા છતાં પાણી ન પીતાં હોય એવા કિસ્સાઓ બહાર આવ્યા. વિદ્યાથનીઓ તો એટલે પાણી પીતી ન હતી જેથી તેમને બાથરૂમ જવું ન પડે. એક ગંભીર ચિત્ર સામે આવ્યું. એ શાળામાં બધા બાળકોએ દર કલાકે પાણી પીવા જવું એવો નિયમ દાખલ કરવામાં આવ્યો. શાળાના શૈક્ષણિક પરિણામમાં ચમત્કારિક ફેરફાર આવ્યો. કેરળના શિક્ષણમંત્રી સી. રવિન્દ્રનાથ દ્વારા જ્હોન નેવીલનું હમણાં સન્માન થયું.

કર્ણાટકના પ્રાથમિક શિક્ષણ મંત્રી સુરેશ કુમારે ગયા અઠવાડિયે જ બધી સરકારી શાળાઓ માટે જાહેરનામું બહાર પાડયું કે શાળાના સમય દરમિયાન ત્રણ વખત ઘંટ વગાડવામાં આવશે. આ સમયને વોટર-બેલ કહેવામાં આવે છે. જેના દ્વારા વિદ્યાર્થીઓને યાદી આપવાની કે તમે પાણી પી શકો છો.

તેલંગણાના શિક્ષણમંત્રી પી. સબીતા ઇન્દ્ર રેડીએ પણ દરેક જિલ્લાના શિક્ષણાધિકારીને સૂચના આપી કે તેમના કાર્યક્ષેત્ર નીચે આવતી બધી શાળાઓના વોટર-બેલની સિસ્ટમ ચાલુ કરવામાં આવે. ગ્રામ વિસ્તારના બાળકો પોતાની સાથે પાણીની બોટલ લાવતા ન હોય તો એમને ઉભા થઈને પાણી પીવાની છૂટ આપવામાં આવે છે. શહેરી વિસ્તારના બાળકો પાસે સામાન્ય રીતે પાણી સાથે જ હોય છે. તેઓ કલાસમાં જ પાણી પી શકે છે. જળઘંટ વાગે ત્યારે વિદ્યાર્થીઓએ ફરજિયાત પાણી નથી પીવાનું, પણ વોટર-બેલ દ્વારા તેમને યાદી આપવામાં આવે છે.

શરીરનો મૂળભૂત ઘટક પાણી છે. લોહી સહિત દરેક અંગ જે કોષો ધરાવે છે એ કોષરસથી બનેલા છે અને ટકેલા છે. પાણી વિના શરીરનું નિર્માણ જ સંભવ નથી. મગજ જેમ વધુ વપરાય એમ એ શરીરમાંની સાકર વાપરે. સાકર તત્ત્વના ચયાપચય માટે પાણી જરૂરી છે. જો પાણી ઘટે તો ચક્કર, માથાનો દુખાવો, કળતર વગેરે થઈ શકે.

માણસના સ્વભાવ સાથે એમના પાણી પીવાની ફ્રિકવન્સી જોડાયેલી છે. તેજસ્વી તારલાની યાદી બનાવવાની હોડમાં શિક્ષણના મોભીઓ બાળકોના સ્વાસ્થ્યની પાયાની જાળવણી વિશેના અગત્યના મુદ્દાઓ નજરઅંદાજ કરી દે છે. શરીરની ઘડિયાળ મુજબ દિવસ દરમિયાન મહત્તમ પાણી જોઇએ અને રાત્રી દરમિયાન શરીર ઓછામાં ઓછું પાણી ચાહે એ ચરક અને શૂશ્રુતના પૂર્વજોને પણ ખ્યાલ હતો. 

Tags :