ડ્રગ-ડી-એડિક્શન .
આખરે દેશમાં ડ્રગ-ડી-એડિક્શન સેન્ટરોની હવે શરૂઆત થવા લાગી છે. આવા કેન્દ્રોની અનિવાર્યતા દર્શાવે છે કે યુવાપેઢી હોનહાર વ્યસનોમાંથી પસાર થાય છે, પરંતુ કેન્દ્રો શરૂ થયા છે તે એક શુભચિહ્ન છે.
ખાનગી અને બિનસરકારી ધોરણે વ્યસન મુક્તિના કેન્દ્રો ચાલતા રહ્યા છે, પરંતુ હવે કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારોએ સ્થિતિની ગંભીરતા જોઈને દેશના મુખ્ય તબીબી સારવાર પ્રવાહમાં ડ્રગ-ડી-એડિક્શન ઉમેરવાનો પ્રારંભ કર્યો છે.
પંજાબમાં હવે એવા સંખ્યાબંધ પરિવારો એવા છે જેમાં પુરૂષોની તુલનાએ સ્ત્રીઓ અને એકલવાયી થતી સ્ત્રીઓની સંખ્યા વધુ છે. કારણ કે એક જ પરિવારમાંથી કાકા, ભાઈ, પિતા, ભત્રીજો અને દાદા પણ નશીલા દ્રવ્યોને કારણે મોતને ભેટયા છે. સૌથી ગંભીર બાબત એ છે કે ડ્રગ્સ હવે પંજાબની હદ ઓળંગીને અન્ય રાજ્યો તરફ પહોંચવા લાગી છે.
થોડા સમય પહેલા અમદાવાદ એરપોર્ટ પરથી પણ એક નાઈજિરિયન નાગરિક પાસેથી લાખો રૂપિયાના નશીલા દ્રવ્યો ઝડપાઈ ગયા હતા. હરિયાણા, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને કાશ્મીરના બેકાર યુવાનો ઝડપથી નશીલા દ્રવ્યોની લતમાં આવવા લાગ્યા છે.
પંજાબમાં તો ડ્રગ્સનો નસો કરનારાઓમાં ઓવરડોઝ લેવાને કારણે થતા મૃત્યુનો આંક ઊંચે ને ઊંચે જઈ રહ્યો છે. હમણાં જ આમ આદમી પાર્ટીના નેતા મોતીલાલ પાસીનો પચીસ વરસનો પુત્ર કર્ણ પાસી પહેલા નશાની અને પછી ચિતાની આગમાં વિલીન થઈ ગયો એનાથી દેશભરના લોકોનું ધ્યાન પંજાબની આ જીવલેણ વ્યસનોની કાળલીલા તરફ ગયું છે.
કેપ્ટન અમરિન્દરસિંહ મુખ્યમંત્રી તરીકે આવ્યા ત્યારથી તંદુરસ્ત પંજાબની ઝુંબેશ ચલાવે છે, એનાથી કેટલાક યુવાનો નશાને રવાડે ચડતા ચોક્કસ બચી ગયા છે પરંતુ જેઓની સવાર અને સાંજ ડ્રગ્સ વિના સંભવ જ નથી એવા લાખો યુવાનોને મુક્તિ અપાવવાનું કામ અઘરું સાબિત થઈ રહ્યું છે. કર્ણ પાસીના મૃત્યુના થોડાક જ દિવસ પછી તેના વ્યસનનો હમસફર દોસ્ત હરપ્રીત પણ એ જ રીતે મૃત્યુ પામ્યો. નવયુવાનોના વ્યસનજનિત મૃત્યુથી પંજાબ હવે કલ્પાંત કરવા લાગ્યું છે.
ચંદીગઢની સંસ્થાઓએ પંજાબ પર કરેલા નવા સંશોધનો બતાવે છે કે રાજ્યની ૧૪.૭ ટકા યુવા જનસંખ્યા (એટલે કે ૩૧ લાખ) કોઈને કોઈ નશાની જ્વાળામાં લપેટાઈ રહી છે અને તેમને એમાંથી જીવંત ઉગારી લેવા એ સૌથી મોટો પડકાર છે. પંજાબમાં માનસા એક એવો જિલ્લો છે જેની ૪૦ ટકા વસ્ત ી ડ્રગ્સની બંધાણી છે. નશો કરનારા તમામ લોકો નશીલા દ્રવ્યો ક્યાંથી મેળવે છે? ૮૮ ટકા લોકો વિવિધ ડ્રગ્સ ડિલરો પાસેથી નશીલા દ્રવ્યો ખરીદે છે અને ૨૨ ટકા લોકો મેડિકલ સ્ટોરમાંથી મેળવી લે છે.
પંજાબના મોટા ભાગના મેડિકલ સ્ટોર્સના માલિકો ગુપ્ત રીતે નશીલા દ્રવ્યોના વેચાણને બિગ બિઝનેસ તરીકે જોઈ રહ્યા છે એ પણ પંજાબના એક દુર્ભાગ્ય છે કારણ કે એ દુકાનદારો પણ છે તો પંજાબી જ! સમગ્ર રાજ્યમાં ડ્રગ્સનું એવું બે નંબરી ભૂગર્ભતંત્ર ગોઠવાયેલું છે કે સરકાર એને ભેદવામાં હજુ સુધી સફળ નીવડી નથી. દરોડાઓ પડે છે અને અપરાધી પકડાય છે, પરંતુ એ એટલું અપૂરતું છે કે નશીલા દ્રવ્યોના વેચાણના આંકડાઓ અને તેને સમાંતર યુવાનોના મૃત્યુના આંકડાઓ સતત ઊંચે જઈ રહ્યા છે.
એક બહુ જ નાનો વર્ગ છે જે નશાખોરીમાંથી બહાર નીકળવાનો અસહ્ય પુરુષાર્થ કરે છે. તેઓ પણ એવી યાતનામાંથી પસાર થતા હોય છે કે તેમની સ્થિતિ જોઈને પરિવારજનો ચોધાર અશ્રુએ રડી પડે છે. છતાં પરિવારના સહકારથી જ તેઓ નશાની લતમાંથી બહાર આવે છે. પતિયાલાના ડ્રગ ડિ-એડિક્શન સેન્ટર બહાર સવાર-સાંજ એવા યુવાનોનું ટોળું જોવા મળે છે જેઓ નશીલા દ્રવ્યોમાંથી મુક્તિ મેળવવાની વૈકલ્પિક દવાઓ માટે ઊભા હોય છે.
ડ્રગ ડિ એક્ટિવેશન એટલે કે વ્યસન મુક્તિના આવા કેન્દ્રોની સંખ્યા હવે વધી છે. રાજ્યની સિવિલ હોસ્પીટલોમાં સરકારે આ માટે એક વિશેષ મેડિકલ ઓફિસરની નિયુક્તિ કરવાનો નિર્ણય કર્યો છે. સરકાર પાસે દરોડા, ધરપકડ અને નશીલા દ્રવ્યો ઝડપાયાના આંકડાઓ છે, છતાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહના પ્રયત્નો હજુ અધૂરા છે કારણ કે જેટલા લોકોની ધરપકડ થાય છે એનાથી અધિક નવા ડ્રગ ડિલરો પ્રવૃત્ત થતા જાય છે.
પંજાબ પોલીસ પર ડ્રગ્સના સંદર્ભમાં આત્યંતિક આક્ષેપો છે. કારણ કે રાજ્યભરમાં ડ્રગ્સની સપ્લાય લાઈન સતત મેઈન્ટેઈન થતી જોવા મળે છે. પોલીસનો કડક જાપ્તો છતાં પંજાબમાં નશીલા દ્રવ્યોની તંગી નથી, ચોતરફ છલકછાલક છે, જે રીતે સમી સાંજે ગુજરાતના કેટલાક ગામડાઓમાં દેશી દારૂનું વિતરણ કરતા છકડાઓ ફરે છે તે જ રીતે આખી ચેઈન ગોઠવાયેલી હોય છે. જ્યાં સુધી પંજાબ પોલીસ સ્વયં પ્રતિજ્ઞા ન કરે ત્યાં સુધી અમરિન્દરની કેપ્ટનશિપ આ ડ્રગ્સ કારોબાર અને લીલા વાંસ જેવા નવયુવાનોની વ્યર્થ આહુતિને અટકાવી શકે એમ નથી.