Get The App

નાણાંકીય વર્ષનો અંદાજ

Updated: Feb 12th, 2020

GS TEAM

Google News
Google News
નાણાંકીય વર્ષનો અંદાજ 1 - image

 
અંદાજપત્ર આમ તો ખરેખર જ અંદાજ પર ચાલે છે. એમાં આયોજનનું પ્રમાણ જેટલું સુબદ્ધ એટલું એનું પરિણામ સ્પષ્ટ અને ધારણા પ્રમાણેનું મળે. ભારતમાં શાસક પક્ષો પહેલેથી અંદાજપત્રને સર્વપ્રસન્નોસ્તુ બનાવવાની એવી ધુનમાં હોય છે કે પૂરા પાંચ વરસના તેમના સત્તાકાળનો કોઈ જ પ્રતિકારક આલેખ તેઓનામાંથી ભાગ્યે જ કોઈ સરકાર આપી શકે. નિંરાતની બહુમતી હોવા છતાં આપણા શાસકો સદાય છુટક મનોવૃત્તિના બજેટ આપતા રહ્યા છે. કોંગ્રેસે એમ જ કર્યું અને ભાજપ પણ એને એક ન ગમતા વાષક વિધિવિધાનની જેમ સહેલાવે છે ને ભાષણોમાં બહેલાવે છે. એથી એના ફળરૃપ અર્થતંત્ર ઊભડક ન લાગે તો જ નવાઈ. કોંગ્રેસ પાસે સર્વતોમુખી બુદ્ધિપ્રભા ધરાવતી ટીમ હતી. એના દરેક સત્તાકાળમાં હતી. ભાજપ પાસે આંગળીના વેઢે ગણાય એટલા હુકમકારો છે ને ઉચ્ચતમ ટીમ તો બને ત્યારે ખરી.

પાટનગર નવી દિલ્હીમાં અધિકારીઓનું રાજ પરાકાષ્ઠાએ છે. તેઓ કેસરી રંગના એજન્ડાને ઓળખી ગયા છે અને સરકારના નિયમનોમાંથી છટકીને મનમાની કરી રહ્યા છે. લગભગ દરેક મંત્રાલયના મુખ્ય સચિવો જાણે છે કે ક્યા પ્રકારના કામો આ સરકારનો અગ્રતાક્રમ છે. એને કારણે પ્રજાહિતના અઢળક કામો પાછા ઠેલાયા કરે છે. કેજરીવાલનું મતપેટીમાંથી સપાટી પર આવેલું પરફોરમન્સ અલગ વાત છે પણ પ્રજા માટે કામ થતું જ રહેવું જોઈએ એ વિચારધારા પ્રભાવક છે. તેઓ રાજકારણને ઓછો અને સરકારના સંચાલનને વધુ સમય આપતા હોવાથી દિલ્હી સિવાયના વિરાટ ભારતના લોકોમાં તેમણે રાજકારણથી પર એવી એક આગવી ઈમેજ તો ઊભી કરી જ છે. કેન્દ્ર સરકારે આ વખતના બજેટમાં દિલ્હી સહિતની વિવિધ રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીને પણ ધ્યાનમાં લીધી જ હતી.

કેન્દ્ર સરકાર માને છે કે પરિસ્થિતિ બહુ ધીમી ગતિએ સુધરવાની છે. ઉપરાંત કોઈ ફાસ્ટ ટ્રેક પ્રમોશનની પ્રવૃત્તિઓનો સરકારે અંદાજ બાંધ્યો નથી. બજેટમાં ભારત અને પાકિસ્તાનના સદાય સંભવિત મનાતા યુદ્ધ ઉપર જાણે કે પૂર્ણ વિરામ મૂકી દેવામાં આવ્યું છે. કારણ કે મોદી સરકારે પોતાની મૂળભૂત નીતિથી વિરુદ્ધ જઈને સંરક્ષણ માટેની ફાળવણીમાં ધરખમ કાપ મૂક્યો છે. નિર્મલા સીતારામન પાસે જેનું સ્વાનુભવ સિદ્ધ સાચું ચિત્ર છે એનો કોઈ લાભ તેઓ પોતે હવે નાણામંત્રી હોવાને કારણે સંરક્ષણ ક્ષેત્રને મળ્યો નથી એ બહુ નવાઈની વાત છે. અથવા તો નિર્મલા સીતારામને પોતાના અનુભવો અને જ્ઞાનને હાંસિયામાં ધકેલીને ભાજપની નેતાગીરીને અનુસરવું પડયું છે. જે બજેટ તૈયાર કરવામાં નાણાં પ્રધાન અને વડાપ્રધાન વચ્ચે અનેક મુદ્દાસર ટક્કર ન થાય અને મતભેદો વધે નહિ એવું એ બજેટ ક્યારેય પ્રજા માટે હિતકારી હોતું નથી.

કારણ કે બજેટ તૈયાર કરતી વેળાએ નાણાં પ્રધાન પ્રજાના એડવોકેટ બની જવા જોઈએ અને વડાપ્રધાન ભલે સરકારનું પ્રતિનિધિત્વ કરે. પરંતુ એનડીએ સરકારને અગાઉ, વચગાળે અને હવે પણ આજ્ઞાંકિત નાણાં પ્રધાનો મળ્યા છે જેને દેશનું મહત્ ભાગ્ય માની ન શકાય. સરકારે નવી શિક્ષણ નીતિ માટે અપાર ફંડ ફાળવવાની તૈયારી રાખી છે પરંતુ ખુદ સરકાર જાણે છે કે નવી શિક્ષણ નીતિની વાતો એટલી જૂની થઈ ગઈ છે કે હજુય એને પ્રગટ થવામાં એક ભવ નીકળી જશે. એ જ રીતે નવા નાણાંકીય વરસમાં સરકારના મનમાં કોઈ વિશેષ એમ્પ્લોયમેન્ટ પ્લાનિંગ નથી. બેરોજગારોને તો આ બજેટે ધ્યાનમાં જ લીધા નથી. એનો બીજો અર્થ છે કે સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓના ફી માળખામાં હજુ ફેરફારો સાથેનો વધારો આવશે.

દેશનો આથક વિકાસ હવે બ્રોડગેજમાંથી મીટરગેજમાં ટ્રાન્સફર થઈ રહ્યો છે પણ ડબ્બામાં બેઠેલા સવા અબજ મુસાફરોને તેનો ખ્યાલ આવતો નથી. માર્કેટમાં મોનોટોની વધતી જાય છે. માર્કેટનો સાથરો પહોળો થવો જોઈએ એને બદલે સંકોચાતો જાય છે. ટેલિકોમ કંપનીઓ નાદાર કે નક્કામી થતી જાય છે, વીમા કંપનીઓએ ખુદ પોતાનો વીમો પકવવાનો વારો આવતો જાય છે, એરલાઇન્સ કંપનીની હરાજી થતી જાય છે. કપડાં અને કારીયાણું બે કે ત્રણ ચેઇન સ્ટોરમાંથી જ મહદઅંશે આવે છે. મધ્યમવર્ગને રાહત મળે એવી નક્કર યોજના કંઈ આવી નથી રહી. એકંદરે આથક પરિસ્થિતિ સારી છે એવું ચિત્ર ઉભું કરવામાં આવ્યું છે અને વાસ્તવમાં પરિસ્થિતિ સાવ ખરાબ પણ નથી. ગુજારો થઈ જાય એમ છે પરંતુ લાંબા ગાળા માટે આ સુયોગ્ય સ્થિતિ છે કે કેમ તે એક સવાલ છે. દેશનું નાણાંખાતું કાબેલ હાથોમાં ક્યારે જશે અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની પોલિસીમાં સરકારની દખલગીરી ક્યારે અટકશે તેનો ઓણ ઇંતજાર કરવાનો રહ્યો.

ગુજરાતમાં ધોરણ દસમાની બોર્ડ પરીક્ષા માત્ર ફીની કરોડોની આવક જાળવવા જ ચાલુ રખાઈ છે. એ સિવાય એની નિરર્થકતા સહુ જાણે છે અને ખુદ ગુજરાત સરકાર અનેકવાર દસમાની બોર્ડ પરીક્ષા રદ કરી એને શાળેય પરીક્ષા બનાવવાની હિમાયત કરી ચૂકી છે. નવા નાણાંકીય વરસમાં સરકાર કદાચ આ વરસે સંપત્તિઓ પર તરાપ મારવાની મુરાદ રાખતી નથી. અગાઉ પ્રોપર્ટી પાસબુક ફરજિયાત બનાવવાની વાત અરૃણ જેટલીએ તરતી મૂકી હતી.

Tags :