અખિલ માયા પ્રદેશ .
અખિલ ઉત્તર પ્રદેશમાં આજકાલ માયાવી વાતાવરણ છે. અખિલેશ યાદવ અને માયાવતીનું ગઠબંધન આ વખતની લોકસભા ચૂંટણીમાં એક મજબુત અને પદ્ધતિસરનું સ્વરૂપ છે.
માયાવતી કહે છે કે અખિલ મેરા છોટા ભાઈ હૈ અને અખિલેશ કહે છે માયાજી મેરી બડી બહન હૈ ! આ બડી બહન અને છોટાભાઈએ મુખ્યમંત્રી આદિત્યનાથની હાલતને તકલીફમાં મૂકી છે. લખનૌમાં રાજ્ય સરકારના દફતરો સૂના પડયા છે. મુખ્યમંત્રી ક્યારેક આવે છે પરંતુ તેમના ખુલ્લા મસ્તિષ્ક પર હવે ગગન મંડપનો ભાર છે, કારણ કે આ કહેવાતા ભાઈ-બહેનની જોડી આક્રમક રીતે મતવિસ્તારોને ઘમરોળવા લાગી છે.
હવે આ અખિલ માયા પ્રદેશમાં એક નવા પરિમાણની ગઇકાલથી શરૂઆત થઇ છે, જે થવાની જ હતી. પ્રિયંકા ગાંધી લખનૌના હવામાનમાં વાસંતિક વાયરાઓ લઇ આવ્યા છે, દેશમાં સૌથી વધુ ૮૦ લોકસભા બેઠકો ધરાવતા રાજ્યને પોતાનું કરી લેવાની ભાજપની અગાઉની મહેનત પર અખિલ-માયા-પ્રિયંકાની ત્રિપુટી પાણી ફેરવી રહી છે.
કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં પ્રિયંકા ગાંધીને બ્લેક હોર્સ માનીને ચાલે છે, એટલે કે છેલ્લી ઘડીએ તેઓ અકલ્પિત રીતે આગળ નીકળી જશે. ઉત્તર પ્રદેશની સામાન્ય પ્રજા ઇન્દિરાજીની જેમ જ પ્રિયંકાને પોતાની પુત્રી માને છે. કોંગ્રેસની પરંપરાગત જૂની વોટબેન્કને સજીવન કરતા પ્રિયંકાને આવડે કે નહિ તેના પર ઘણો આધાર છે. ૮૦ બેઠકોના વજનને કારણ ઉત્તર પ્રદેશ કેન્દ્રમાં સત્તા નક્કી કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે અને આ વખતે પણ એમ જ થશે.
૨૫ વરસ પછી તમામ પારસ્પરિક કડવાશ ભૂલીને અખિલ-માયાનું જે ગઠબંધન રચાયું છે તેનું ગણિત બહુ બારીક અને પાકુ છે. ૧૯૯૩ના છેલ્લા ગઠબંધન પછી હવે કમાન નવી પેઢીના હાથમાં છે. મુલાયમ સિંહ યાદવ અને કાંશીરામના સ્થાને અનુક્રમે અખિલેશ અને માયાવતી છે. અખિલ-માયા બન્ને પૂર્વ મુખ્યમંત્રી છે અને પોતપોતાના પક્ષના સર્વેસર્વા પણ છે. બન્ને પાર્ટીના કાર્યાલયો અને બન્ને નેતાઓના નિવાસોની હેસિયત જોતાં જ ખ્યાલ આવે કે ત્રૈલોક્ય મોહિની લક્ષ્મી એમના પર અધિક પ્રસન્ન છે. સત્તા નથી ત્યારેય એમની તાકાતમાં કોઈ ઘટાડો થયો હોય એવું દેખાતું નથી.
બીજી રીતે જુઓ તો અખિલ-માયા બન્ને સખત મહેનત કરનારા પરિબળો છે, તેઓ થાકતા જ નથી. પ્રવાસમાં માત્ર અલ્પાહારે ગાડું હાંકીને મોડી રાત્રિ સુધી તેઓ અત્યારે તેમના ગણિત ગોઠવવામાં વ્યસ્ત છે.
બાહ્ય પ્રચાર પૂર્વેનું આ ઇલેકશન એન્જિનિયરિંગ છે જે સોશ્યલ ઇજનેરી વિદ્યાના ખેલાડીઓને પછાડવા માટે તેમણે કામે લગાડયુ છે. ભાજપ હાઈકમાન્ડે આદિત્યનાથ પાસે છેલ્લા એક સપ્તાહમાં ત્રણ-ચાર વાર યાદી આપીને લોકસભા ચૂંટણી પ્રચારનો વ્યૂહાત્મક પ્લાન ચાહ્યો છે, પરંતુ પક્ષને અપેક્ષિત એવી કોઈ બ્લ્યૂ પ્રિન્ટ મિસ્ટર નાથ હજુ સુધી પ્રસ્તુત કરી શક્યા નથી.
ભાજપ સંગઠનની ઘણી બધી તાકાત એકલા ઉત્તર પ્રેદશમાં જ રોકાઈ જાય એવું ભાજપ વિરોધી વાતાવરણ અહીં જામવા લાગ્યું છે. અખિલેશ અને માયાવતીએ સરખે ભાગે ૩૮-૩૮ લોકસભા બેઠકો વહેંચી લીધી છે,બાકીની ચાર બેઠકોમાં બે બેઠકો અન્ય દળો માટે છોડી દીધી છે અને રાયબરેલી તથા અમેઠીની બેઠક પર કોંગ્રેસની સામે પોતાના કોઈ ઉમેદવાર ઊભા ન રાખવાનો નિર્ણય લીધો છે.
ઇ.સ. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં અખિલેશની સમાજવાદી પાર્ટીને ૨૨.૨ ટકા અને માયાવતીની બહુજન સમાજ પાર્ટીને ૧૯.૬ ટકા મત મળ્યા હતા. આ બન્નેને મળેલા વોટશેરનો સરવાળો કરો તો ૪૧.૮ ટકા થાય છે.
એ વખતે બસપાએ તો ખાતું પણ ખોલાવ્યું ન હતું અને સપાને પાંચ બેઠકો મળી હતી. ભાજપ અને તેના સાથી પક્ષોને રાજ્યની ૭૩ બેઠકો પર વિજય પ્રાપ્ત થયો હતો. ભાજપને મળેલો કુલ મતહિસ્સો ૪૨.૩ ટકા હતો. કોંગ્રેસને ત્યારે ૭.૫ ટકા અને રાષ્ટ્રીય લોકદળને ૦.૮ ટકા મત મળ્યા હતા. વોટશેરનું આ ગણિત જ ભાજપ માટે ખતરાની ઘંટડી સમાન છે.
અગાઉ કૈરાના લોકસભા બેઠકની પેટા ચૂંટણીમાં રાષ્ટ્રીય લોકદળે સપા-બસપાના પરોક્ષ ટેકાથી વિજય મેળવ્યો હતો. એ રાષ્ટ્રીય લોકદળ પણ અવિધિસર રીતે હવે સપા-બસપા સાથે જ ગણાય છે. ઉપરાંત મોદી લહેરના જે મોજાઓ ઇ.સ. ૨૦૧૪માં ઉત્તુંગ ઉછળતા હતા તે હવે સાવ શમી ગયા છે. એટલે આ વખતની લોકસભા ચૂંટણીમાં ખરેખરો જે જંગ જામશે તે મંચ ઉત્તર પ્રદેશ જ છે.
ઉત્તર પ્રદેશમાં ભાજપની કૂટનીતિ પણ રસપ્રદ છે. જે ૩૮ બેઠકો પર માયાવતીના ઉમેદવારોને ટિકિટ ફાળવવામાં આવશે તે તમામ બેઠકો પર સમાજવાદી પાર્ટીના દાવેદારો આઘાત સાથે સાઇડ થઇ જશે, ભાજપ એ દાવેદારોનો સંપર્ક કરશે.
એ જ રીતે જ્યાં અખિલેશના ઉમેદવારોને ટિકિટ મળશે ત્યાં બહુજન સમાજ પાર્ટીના દાવેદારોની હાલત પણ ચૂપ રહેવાની થશે, ભાજપ એમનો પણ સંપર્ક કરશે. સંપર્કથી જે મળે તે ભાજપ પોતાની યોગીછાપ ઝોળીમાં ભરી લેશે. બાહ્ય રીતે તો ભાજપ તમામ બેઠકો પર જંગ લડશે, પરંતુ ભીતરનો ખેલ પણ જેવો તેવો નહિ હોય. જો કે એમાં આદિત્યનાથ એક દર્શકથી વિશેષ કંઇ નહિ હોય.