Get The App

કર-નાટકમાં પરદો .

Updated: Dec 11th, 2019

GS TEAM

Google News
Google News
કર-નાટકમાં પરદો                                  . 1 - image


કર્ણાટકમાં મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ ધીમી બળે છે ને વધુ લહેજત આપે છે એવું કામ કર્યું છે. હમણાં કર્ણાટક વિધાનસભાની પંદર બેઠકોની જે ચૂંટણી યોજાઈ એ હતી તો પેટા ચૂંટણી પણ એમાં વડ અને ટેટાં બેયના પાણી મપાઈ જવાના હોવાથી એનો મહિમા દોઢેક વરસ અગાઉ યોજાયેલી રાજ્યની વિધાનસભાની ગત મુખ્ય ચૂંટણી કરતાં પણ અધિક હતો. મતદારોમાં એક અકળ વાતાવરણ હતું. 

આ જ ટર્મમાં ભાજપનું નાક એક વાર તો કપાયેલું હતું અને વિધાનસભાના દ્વારે રાજ્યપાલે યેદિયુરપ્પાને પોંખી લીધા પછીના ત્રણ જ દિવસમાં એમણે લીલાં તોરણે તકલાદી સત્તા છોડવી પડી હતી. જેડીએસ અને કોંગ્રેસની યુતિએ કુમાર સ્વામીના નેતૃત્વમાં સરકાર તો બનાવી પણ ધારાસભ્યોને સાચવી શક્યા નહિ. યેદિયુરપ્પા આમ તો આપણા પૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ અને શરદ પવાર કેટેગરીના નેતા છે. ને એમને વળી રાજ્યપાલની પરોક્ષ હૂંફ પણ હોય. આવી વ્યવસ્થા અલિખિત રીતે ભારતીય લોકશાહીમાં છે અને એ ઘરેડ છેક ઇન્દિરા ગાંધીથી ચાલતી આવી છે.

ભાજપને બહુમત સિદ્ધ કરવા આઠ બેઠકોની જરૂર હતી. એના બદલે પંદરમાંથી બાર અને એક બગાવતી ધારાસભ્ય ઉમેદવાર પાછા ભાજપને ટેકો આપશે એટલે ખરેખર તો તેર બેઠકો ભાજપે જીતી. એટલે કર્ણાટકમાં તો ઠીક, દક્ષિણના રાજ્યોમાં ભાજપ પાસે પૂર્ણ બહુમત ધરાવતી વિધાનસભા આવી.

હવે એની શાસન પ્રણાલિકામાં નવા આકર્ષણો ઉમેરીને સમગ્ર દક્ષિણને ભાજપ નવેસરથી લલચાવવાનો વ્યૂહ ઘડશે. જો કે એમાં યોજનાઓના જંગલ સિવાય બીજું કંઈ નહિ હોય. હાલ બિન સચિવાલય ક્લાર્કની જે વીતી ગયેલી પરીક્ષા પર આંદોલન ચાલે છે તેમાં અને જીપીએસસીની પરીક્ષાઓમાં સરકારી યોજનાઓ આધારિત પ્રશ્નો જ ઉમેદવારોનું મેરીટ ઘટાડે છે અથવા તો આકરી કસોટી કરે છે. ખુદ પ્રધાનોનેય યાદ ન ન રહે એટલી યોજનાઓ એમના ખાતામાં ચાલતી હોય છે.

યેદિયુરપ્પા એક ખંધા રાજનેતા છે અને ખાણખનિજની ભીષણ ભેખડોને પાર કરી ચૂક્યા છે. ઉદ્યોગપતિઓને પાછા પાડી દે એવી સંપત્તિઓના તેઓ માલિક છે. એક જમાનામાં કર્ણાટકના ચોરીના લાખો ટન કોલસાની નિકાસ કરવા માટે એમણે છેક ગુજરાતના કંડલા બંદર સુધી સેટિંગ્સ ગોઠવેલા હતા અને એમના કન્ટેનરોના કાફલાને કોઈ રોકતું ન હતું. એ સિલસિલો લાંબો ચાલ્યો હતો.

ભાજપના મોવડી મંડળે દક્ષિણના પ્રાદેશિકતાવાદી ગઢમાં ગાબડાં પાડવા માટે હવે પોતાના જહાજના દક્ષિણી સુકાની તરીકે યેદિયુરપ્પાને જવાબદારી સોંપી છે. કુમારસ્વામી મુખ્યમંત્રી તરીકેના રાજકાજમાં વ્યસ્ત હતા ત્યારે એમના હાથમાંથી પંદર - સત્તર ધારાસભ્યો ક્યારે સરી ગયા એની કોંગ્રેસ કે જેડીએસને ખબર જ ન પડી.

ભાજપ માટે કર્ણાટકની પેટાચૂંટણીનો વિજય બહુ કામનો નીવડયો છે. દેશમાં માત્ર ચાલીસ ટકા ભૌગોલિક ક્ષેત્ર પર જ ભાજપનું કે ભાજપીય યુતિનું શાસન હોવાના અને એ રીતે ભાજપની પડતીના ઢોલ ચોતરફ વાગ્યા ત્યારે જ કર્ણાટક પેટાચૂંટણીમાં ભાજપે મેળવેલો મહત્ વિજય સતત ખરતા કાંગરા વચ્ચે એક નવો આધાર છે.

ઝારખંડની ચૂંટણીના પરિણામો હજુ આવશે ત્યારે અધિક સ્પષ્ટતા થશે કે ભાજપની વધતી જતી અપ્રિયતા માત્ર હેલ્મેટ સરકાર પૂરતી મર્યાદિત છે કે જે હવા છે એ પ્રભાતે ખરેખર જ રથના પૈડાં અટકી ગયા છે ? દેશનું આથક બાબતોનું સંચાલન ભાજપને આવડતું નથી. છતાં કેટલાક કામો ભાજપે કેન્દ્ર સરકારના માધ્યમથી એવા કર્યા છે જે બીજા કોઈની ક્ષમતા આજ સુધી ન હતી. એટલે ઘોર મંદી વચ્ચે ફસાયેલા નાગરિકો દ્વિધામાં મૂકાયેલા છે. લગભગ દર સપ્તાહે એકાદ આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા પ્રાપ્ત પ્રતિભા એમ કહે છે કે ભારત હજુ પણ નોટબંધી અને જીએસટીના આફ્ટરશોકમાંથી ઊંચું આવ્યું નથી.

પંદર બેઠકોમાંથી તેર બેઠકો જીતી લાવવાનો આખો ખેલ યેદિયુરપ્પાએ બહુ જ ભૂગર્ભ પ્રવૃત્તિ દ્વારા પોતાના હસ્તક જ રાખ્યો હતો અને આ પેટાચૂંટણી એમના વનમેન શો જેવી જ હતી. કારણ કે ફંડ અને ભાષણો સિવાય સ્પર્ધકો સાથેની યુદ્ધનીતિ નક્કી કરવામાં હાઈ કમાન્ડ બીજી કોઈ મદદ કરી શકે એમ ન હતું. હવે કર્ણાટકમાં ચાલતા આવેલા એક બહુ અંકીય દીર્ઘ નાટક પર પરદો પડી ગયો છે અને યેદિયુરપ્પાના હાથમાં સાડા ત્રણ વરસનો નિંરાતનો શાસનકાળ આવ્યો છે.

જેમ અત્યારે મુંબઈમાં ડૂબતા જહાજને છોડવા માટેની ભૂષકદોડ ચાલે છે ને સત્તા બહાર ફેંકાઈ ગયેલા ભાજપને છોડવા કેટલાક ધારાસભ્યોમાં હલચલ છે એમ જ કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ છોડવા હજુય કેટલાક વર્તમાન ધારાસભ્યો ઉત્સાહિત તો છે. એ જોતાં આ વખતની ફોર્મ્યુલા પ્રમાણે યેદિયુરપ્પા હજુ એકાદ આવી જ વધુ એક પેટા ચૂંટણી માટેના સંયોગો ઊભા કરી પોતાની ચતુરાઈની પુન: અજમાયશ કરે તો નવાઈ નથી.

Tags :